For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પુલવામામાં ફરી હુમલો : એક મેજર, ચાર જવાન શહીદ, ત્રણ આતંકી ઠાર

- ૪૦ જવાનોની શહાદતની ઘટનાના ચાર દિવસ બાદ વધુ એક મોટી જાનહાનિ

- રવિવારે રાત્રે શરૃ થયેલું ઓપરેશન સોમવાર સાંજ સુધી ચાલ્યુંં, ડીઆઇજી સહિત સાત જવાન ઘાયલ, એક નાગરિકનું મૃત્યુ

Updated: Feb 18th, 2019

Article Content Image

માર્યા ગયેલા આતંકીમાં પુલવામા હુમલાનો માસ્ટર માઇન્ડ રાશિદ ગાઝી પણ સામેલ

નવી દિલ્હી, તા.18 ફેબ્રુઆરી, 2019, સોમવાર

પુલવામામાં થોડા દિવસ પહેલા જ થયેલા આતંકી હુમલામાં ૪૦ જેટલા જવાનો શહીદ થયા છે ત્યારે હવે ફરી આ જ વિસ્તારમાં આતંકી હુમલો થયો છે. સોમવારે થયેલા આ આતંકી હુમલામાં એક મેજર અને ચાર જવાનો શહીદ થયા છે. જ્યારે સામેપક્ષે સૈન્ય દ્વારા ચલાવવામાં આવેલા આ ઓપરેશનમાં ત્રણ આતંકીઓને પણ ઠાર મારવામાં આવ્યા છે. જે વિસ્તારમાં ૪૦ જવાનો શહીદ થયા હતા ત્યાંથી માત્ર ૧૨ જ કિમી દુર બીજો મોટો હુમલો થયો છે, જેમાં એક મેજર અને ચાર જવાનો શહીદ થયા છે. જ્યારે એક ડીઆઇજી સહીત સાત સુરક્ષાકર્મીઓ ઘવાયા છે. 

સૈન્યએ આતંકીઓ સામે શરૃ કરેલુ આ ઓપરેશન કલાકો સુધી ચાલ્યું હતું અને સાંજે સાત કલાકે પુરુ થયું હતું, જે દરમિયાન સૈન્યએ ત્રણ આતંકીઓને પણ ઠાર માર્યા છે. માર્યા ગયેલા આ આતંકીઓમાં એક પાકિસ્તાનનો જૈશ કમાન્ડર પણ સામેલ છે, આ કમાન્ડને પુલવામામાં ૪૦ જેટલા જવાનોનો ભોગ લેનારા હુમલાનો માસ્ટરમાઇન્ડ પણ માનવામા આવે છે. આ આતંકીનું નામ રાશિદ ગાઝી છે અને તેણે જ પુલવામા હુમલાનો પ્લાન ઘડયો હતો, સાથે વિસ્ફોટક સામગ્રીની પણ વ્યવસ્થા કરી આપી હતી. આ એન્કાઉન્ટર રવિવારે મોડી રાતથી શરૃ થયું હતું અને સોમવારે સાંજ સુધી ચાલ્યું હતું. 

આ ઓપરેશનને સીઆપીએફ, એસઓજી અને ૫૫આરઆરના જવાનોએ મળીને અંજામ આપ્યો હતો અને જૈશના ખુંખાર આતંકી સહીત ત્રણને ઠાર મારવામાં આવ્યા હતા. જ્યારે સામેપક્ષે એક મેજર સહીત પાંચ જવાનો પણ શહીદ થયા છે. અગાઉના પુલવામા હુમલા બાજ સૈન્ય દ્વારા સમગ્ર વિસ્તારને ઘેરીને તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, ૪૦ જવાનોની શહીદીની ઘટનાને અંજામ આપવામાં માત્ર કોઇ એક આતંકીનો હાથ નહોતો તે વાતની જાણકારી સૈન્ય પાસે હતી, જેના આધારે જ આ વિસ્તારોમાં તપાસ અભિયાન શરૃ કરી દેવામાં આવ્યા હતા. 

રવિવારે રાત્રે ૧૨ કલાકે જ સૈન્યને માહિતી મળી હતી કે પુલવામામાં આતંકીઓ છુપાયા છે,જે બાદ બહુ જ આયોજનપૂર્વક આતંકીઓની શોધખોળ જારી કરવામાં આવી હતી, પરંતુ આતંકીઓને સૈન્યના આ ઓપરેશનની જાણકારી મળી ગઇ હતી. જેથી તેઓ પણ સતર્ક થઇ ગયા હતા. દરમિયાન સૈન્ય પર આતંકીઓએ કરેલા ગોળીબારમાં એક મેજર અને ચાર જવાનો શહીદ થયા હતા. સામેપક્ષે બાદમાં સોમવારે સાંજ સુધી ગોળીબાર ચાલ્યો હતો જેમાં ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. 

માસ્ટરમાઇન્ડ રાશિદ ગાઝી આઇઇડી એક્સપર્ટ હતો 

૪૦ જવાનોનો ભોગ લેનારા પુલવામા વિસ્ફોટનો માસ્ટરમાઇન્ડ રાશિદ ગાઝી પણ ઠાર મરાયો હતો. રાશિદ ગાઝીની પ્રોફાઇલની તપાસ કરતા જાણવા મળ્યું છે કે તે આઇઇડી બનાવવામાં નિષ્ણાંત હતો. અને કાશ્મીરમાં જે પણ મોટા આતંકી હુમલા થયા તેની પાછળ પણ રાશિદનો જ હાથ છે.

 રાશિદે જ ૪૦ જવાનોને નિશાન બનાવવા માટે આઇઇડી તૈયાર કર્યું હતું. ગયા વર્ષે સૈન્યએ એક સ્નાઇપર અને મસૂદ અઝહરના ભત્રીજાને ઠાર માર્યો હતો. જે બાદ બદલો લેવા માટે જૈશ-એ-મોહમ્મદના મસૂદ અઝહરે પોતાના ટોપ કમાન્ડર અને આઇઇડી એક્સપર્ટ ગાઝી રાશીદને કાશ્મીરમાં મોકલ્યો હતો. સરહદ પાર કરીને ઘુસણખોરી કરીને તે કાશ્મીરમાં આવ્યો હતો, અને ૪૦ જવાનોનો ભોગ લીધો હતો. 

પાકે. ભારત સ્થિત પોતાના હાઇ કમિશનરને પરત બોલાવી લીધા 

પુલવામા હુમલા બાદ હવે પાકિસ્તાન પર ભારતનું દબાણ વધી ગયું છે. આ સ્થિતિ વચ્ચે ભારત સ્થિત પાકિસ્તાની અધિકારીઓ અને રાજદુતોને પરત બોલાવી લેવામાં આવ્યા છે.  રાજદુત સોહેલ મોહમ્મદ સોમવારે જ દિલ્હીથી રવાના થઇ ગયા છે અને પાકિસ્તાન તેમને પરત બોલાવી લેવામાં આવ્યા છે. 

જોકે કન્સલટેશન માટે અમે અમારા હાઇ કમિશનરને પરત બોલાવી લીધા હોવાનો દાવો પાકિસ્તાને કર્યો હતો. જ્યારે આ પગલુ એવી સ્થિતિમાં ભરવામાં આવ્યું છે જ્યારે ભારત ગમે ત્યારે પાકિસ્તાન સામે પુલવામા હુમલાને ધ્યાનમાં રાખીને આકરો જવાબ આપી શકે છે. 

મસૂદ અઝહરને એક થપ્પડ મારતાં જ બધુ બોલવા લાગ્યો હતો : તપાસ કરનારા પૂર્વ અધિકારી 

મસૂદ અઝહરની એક વખત ભારતમાં ધરપકડ કરવામાં આવી હતી. જે દરમિયાન તેની પૂછપરછ કરનારા પૂર્વ અધિકારીએ જણાવ્યું હતું કે એક જ થપ્પડમાં મસૂદ અઝહર બધુ જ બોલવા લાગ્યો હતો અને તપાસમાં સાથ આપવા લાગ્યો હતો. 

દક્ષીણ કાશ્મીરમાંથી ૧૯૯૪માં મસૂદની ધરપકડ કરવામાં આવી હતી. જે પોર્ટુગીઝ પાસપોર્ટના આધારે બાંગ્લાદેશ થઇને ભારતમાં ઘુસ્યો હતો પણ ઝડપાઇ ગયો હતો. જે દરમિયાન તેને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરનારા પૂર્વ અધિકારીએ જણાવ્યું હતું કે સૈન્યના એક ઓફિસરે મસૂદ અઝહરને એક થપ્પડ મારતા જ તે બધુ બોલવા લાગ્યો હતો. આ માહિતી આસામના પૂર્વ ડીજીપીએ આપી હતી, જેઓ મસૂદની તપાસમા સામેલ હતા. 

જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં ક્રોસ એલઓસી બસ સેવા સ્થગિત કરાઈ

પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર થયેલા હુમલા બાદ જમ્મુમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ધ્યાને રાખીને સોમવારે પૂંછ-રાવલકોટ(ક્રોસ એલઓસી) સાપ્તાહિક બસ સેવાને સ્થગિત કરી દેવામાં આવી છે. પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા બાદ પાકિસ્તાન વિરોધી પ્રદર્શન અને હિંસાની નાની-મોટી ઘટનાઓ સામે આવતા શુક્રવારે જમ્મુ શહેરમાં કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.  ક્રોસ બોર્ડર એટલે કે એલઓસીની આર-પારના કારોબાર અંગે  વર્તમાન સંજોગોની સમીક્ષા કરીને  નિર્ણય લેવામાં આવશે.

Gujarat