India

પ્રજાને પડયાં પર પાટું : RBIએ વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો કરતા લોન મોંઘી થશે

By GS Team
8 Oct 20265 mins read
TukuTouch Logo
કેન્દ્રીય બેન્ક RBIએ રેપોરેટમાં 0.25 ટકાનો વધારો કરતા મુખ્ય વ્યાજદર 5.50 ટકાએ પહોંચ્યો છે. આ નિર્ણયથી કરોડો ભારતીયોની હોમ લોનના હપ્તા વધશે અને મોંઘવારીનો માર વધુ તીવ્ર બનશે. નવી દિલ્હીમાં RBIએ ફુગાવાનો અંદાજ 5 ટકાથી વધારી 5.20 ટકા કર્યો છે, જેનાથી તહેવારો ટાણે જ સામાન્ય પ્રજાના ખિસ્સા પર બોજ વધશે.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રજાને પડયાં પર પાટું : RBIએ વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો કરતા લોન મોંઘી થશે
  • તહેવારોના સમયે જ કેન્દ્રીય બેન્કનો નિર્ણય
  • આરબીઆઈએ રેપોરેટ વધારતા મુખ્ય વ્યાજદર ૫.૫૦ ટકાએ પહોંચ્યો : વર્તમાન નાણા વર્ષ માટે ફુગાવાનો અંદાજ પાંચ ટકા પરથી વધારી 5.20 ટકા કરાયો

નવી દિલ્હી : પડયા પર પાટુ કોને કહેવાય તેનો વધુ એક પુરાવો દેશની પ્રજાને રિઝર્વ બેન્કે બુધવારે રેપોરેટમાં ૦.૨૫ ટકાનો વધારો કરીને આપ્યો છે. આ વધારા બાદ રેપોરેટ ૫.૫૦ ટકા થઈ ગયો છે. દેશની સામાન્ય પ્રજા દરેક મોરચે મોંઘવારીનો માર સહન કરી રહી છે ત્યારે તેમા રાહત આપવાની વાત તો બાજુએ રહી, પરંતુ સામાન્ય લોકોના ઘા પર મીઠું ભભરાવતા હોય તેમ વ્યાજદરમાં વધારો કર્યો છે. તેના પગલે હોમ લોનના હપ્તા ભરતા કરોડો ભારતીયોના ખિસ્સા પર માર પડયો છે.
ભારતીયો માટે તો હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે હોમ લોનના હપ્તા ભરવા, ઘરના મોંઘા બિલો ભરવા કે શિક્ષણનો મોંઘો ખર્ચ ચૂકવવો, પેટ્રોલના ઊંચા ભાવ ચૂકવવા કે હવે શું ભરવું અને શું ન ભરવું. દૂધથી લઈને દાળ બધું મોંઘુ થઈ ગયું છે ત્યારે લોકોને ચિંતા છે કે આ પ્રકારના વધતા ખર્ચાને પહોંચી કઈ રીતે વળીશું. સરકારથી લઈને તંત્ર કોઈ મદદ કરી રહ્યુ નથી. દિનપ્રતિદિન આત્મહત્યાના વધતા જતાં બનાવો આ વાતનો પુરાવો છે. દર વર્ષે પોણા બે લાખ ભારતીયો આત્મહત્યા કરે છે, તેમા એક મહત્ત્વનું કારણ આ મોંઘવારીના કારણે સર્જાયેલી આર્થિક સંકડામણની છે. લોકોની સ્થિતિ વર્તમાન સંજોગોમાં સાપે છછુંદર ગળ્યા જેવી થઈ ગઈ છે. લોકો માની રહ્યા છે કે આના લીધે અમારી દિવાળી બગડી છે.
સરકાર તો અહીં રિઝર્વ બેન્ક પર દોષનો ટોપલો ઢોળી દેશે અને કહેશે કે તેણે દર વધારતા મોંઘવારી વધી છે અને રિઝર્વ બેન્ક સરકારની ખામી તરફ આંગળી ચીંધીને કહેશે તે ફુગાવાને અંકુશમાં રાખી ન શકતા અમારે ચાર વર્ષમાં પહેલી વખત વ્યાજદરમાં વધારો કરવાની ફરજ પડી. ફકત આટલું જ નહીં અગાઉ રિઝર્વ બેન્કે વ્યાજદરમાં ઘટાડો કર્યો ત્યારે બેન્કોએ ગ્રાહકોને વ્યાજદર ઘટાડાનો પૂરતો લાભ લોકોને આપ્યો નથી, પરંતુ હવે દર વધશે ત્યારે બેન્કો અપેક્ષા કરતાં વધુ વધારીને લોકોને બેવડો ફટકો મારશે.
હોમ લોન મોંઘી થતી રિયલ એસ્ટેટ સેક્ટરને સીધો ફટકો પડશે. હવે જે લોકો હપ્તેથી મકાન ખરીદીને આ સાઇકલમાં ભરાઈ ગયા હોય તો તેમના માટે વિકલ્પ નથી, પરંતુ આના કારણે હવે રિયલ એસ્ટેટ સેક્ટરમાં નવા ખરીદદારો થોભો અને રાહ જુઓને નીતિ અપનાવશે અને દર વૃદ્ધિની આ સાઇકલના અટકવાની રાહ જોશે, કોઈને પણ ઊંચા વ્યાજમાં ફસાવવાનું ના પસંદ હોય. આ સંજોગોમાં ઘર ખરીદવાનો નિર્ણય તે પરત ઠેલે તેમ માનવામાં આવે છે. ૦.૨૫ ટકા દર વધતા કોઈએ જો ૩૦ લાખની લોન લીધી હોય તેના હપ્તામાં લગભગ ૪૭૬ રૂપિયાનો વધારો થઈ શકે છે, જ્યારે મુદતના અંતે તે કુલ ૧.૧૫ લાખ જેટલી રકમ વધુ ચૂકવશે. ફક્ત હોમ લોન જ નહીં ઓટો લોન પણ મોંઘી થતા આગામી દિવસોમાં વાહનોના વેચાણ પર માર પડશે તેવી પણ સંભાવના છે.
નીચી આવકમાં હપ્તા કેટલા ભરે. તેમા પણ હપ્તો ન ભરાય તો ગ્રાહકનો ક્રેડિટ સ્કોર બગડે. તેથી ઓટો સેક્ટરની વૃદ્ધિને પણ બ્રેક વાગશે તો આશ્ચર્ય નહીં થાય. પછી વારો પર્સનલ લોનનો આવશે, તેના લોનના રેટ આમ પણ ઊંચા હોય છે, હવે આ સંજોગોમાં તે વધુ ઊંચા જઈ શકે છે, તેથી ગ્રાહકો પર્સનલ લોન લેતા પણ અટકશે. ટૂંકમાં દરેક પ્રકારની લોન વૃદ્ધિને આ વ્યાજદરવૃદ્ધિ બ્રેક મારશે, આમ ભારતીય અર્થતંત્રનું દરેક સેક્ટર મોંઘવારીના ચક્રવ્યૂહમાં સપડાશે, આવક સિવાય બધુ જ વધશે.
નાણાં નીતિના વલણને રિઝર્વ બેન્કે કેલિબ્રેટેડ ટાઈટનિંગ તરફ વાળીને નજીકના ભવિષ્યમાં રેપો રેટમાં ઘટાડાની શકયતા નકારી કાઢી છે. વ્યાજ દરમાં ઘટાડાનો હાલમાં કોઈ પ્રશ્ન નથી અને હવે પછી વ્યાજ દર યા તો સ્થિર રહેશે અથવા તો તેમાં વધારો કરાશે જેનો આધાર આકાર પામનારી સ્થિતિઓ પર રહેશે એમ રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ બેઠક બાદ જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું.
પશ્ચિમ એશિયાના યુદ્ધ તથા અલ નિનોની પ્રતિકૂળ અસરને પરિણામે ક્રુડ તેલ તથા ખાદ્ય પદાર્થના ભાવમાં તાજેતરમાં ઉછાળો આવ્યો છે, જેને પરિણામે ફુગાવો ઊંચે ગયો છે. આજના વ્યાજ દર વધારા સાથે રિઝર્વ બેન્ક પણ વિશ્વની અન્ય બેન્કોના વ્યાજ દરમાં વધારો કરવાના નિર્ણય સાથે જોડાઈ છે.
ફુગાવાનું જોખમ ઘટયું નથી અને વર્તમાન નાણાં વર્ષમાં સરેરાશ ફુગાવો ૫.૨૦ ટકા રહેવાની રિઝર્વ બેન્કે ધારણાં મૂકી છે. જે ઓગસ્ટની બેઠકમાં પાંચ ટકા રહેવા ધારણાં મુકાઈ હતી. ખાદ્ય પદાર્થના ભાવ વધુ ઊંચે ગયા છે. ખાંડ તથા ડુંગળીની કિંમતમાં જોરદાર વધારા સામે ચિંતા વ્યકત કરવામાં આવી છે. એમપીસીએ વર્તમાન નાણાં વર્ષ માટેના આર્થિક વિકાસ દરના પોતાના અંદાજમાં ૬.૭૦ ટકા પરથી ૪૦ બેઝિસ પોઈન્ટનો વધારો કરી તેને ૭.૧૦ ટકા કર્યો છે. જૂન ત્રિમાસિકનો આર્થિક વિકાસ દર ૭.૮૦ ટકા રહ્યા બાદ રિઝર્વ બેન્કે સંપૂર્ણ નાણાં વર્ષ માટેના પોતાના જીડીપી અંદાજમાં વધારો કર્યો છે.

૨૫ વર્ષનું સેવા પર્વ બન્યું મોંઘવારીનું મહાપર્વ
મોદીના ૨૫ વર્ષના સેવા પર્વ નિમિત્તે રિઝર્વ બેન્કની ૦.૨૫ ટકાની વૃદ્ધિની ભેટ!
વિપક્ષના વિરોધ પ્રદર્શન તે ઊંચાઈએ પહોંચ્યા નથી, જે ઊંચાઈએ ભાવવધારો પહોંચ્યો છે

નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર ગ્રહણ કર્યો હતો. મોદીએ કોઇ સરકારના વડા તરીકે આજે સળંગ ૨૫ વર્ષ પૂરા કર્યા છે ત્યારે આખા દેશમાં સેવા અને સંકલ્પની તંત્ર દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીનો હિસ્સો બનવા માંગતા હોય તેમ જાણે રિઝર્વ બેન્કે પણ તેના રેપો રેટમાં ૦.૨૫ ટકાની વૃદ્ધિ કરીને કરોડો લોનધારકોને તેમનાજાણે તેમના સેવા પર્વની ભેટ આપી છે.
બાકી રિઝર્વ બેન્ક રેપો રેટ સ્થિર રાખી શકી હોત અથવા તો ૦.૩૦ કે ૦.૫૦ ટકા સુધી પણ વધારી શકી હોત, પરંતુ પીએમને અંજલિ આપવાની આવી તક ચૂકાતી હશે. જો કે સેવા અને સંકલ્પને શાસનને સિદ્ધ કરતાં પીએમ મોદીએ મેળવેલી સિદ્ધિઓની કોઈ તુલના થઈ શકે તેમ નથી. તેમણે જબરદસ્ત પડકારોનો સામનો કરીને આગવી કુનેહથી સત્તાના સૂત્રો સંભાળીને હંમેશા તેમના વિરોધીઓને સત્તાથી દૂર રાખ્યા છે.
આ દરમિયાન તેમણે આટલા લાંબા શાસનમાં એટલી સિદ્ધિઓ મેળવી છે કે જે અગાઉની કોઈ સરકારે મેળવી દીધી નથી. આજે દૂધથી લઈને દાળના ભાવ, પેટ્રોલથી લઈને ગેસના ભાવ અને સોનાથી લઈને ચાંદીથી લઈને દરેક વસ્તુના ભાવ તે સ્તરે પહોંચાડી દીધા છે કે ભવિષ્યની કોઈપણ સરકાર આ ભાવને પૂર્વવત્ સ્થિતિએ પહોંચાડી નહીં શકે. દેશને નવી જ ઊંચાઈએ તરફ લઈ જઈ રહેલા વડાપ્રધાને જીવનજરુરી ચીજવસ્તુઓના ભાવમાં પણ તેટલી ઊંચાઈ હાંસલ કરી છે કે સામાન્ય માનવી તો ઠીક વિપક્ષ પણ તેમની આ કુનેહથી સ્તબ્ધ છે. વિપક્ષ પણ તે વાતથી આંચકો પામી ગયું છે કે અમે વિરોધ પ્રદર્શનને એટલી ઊંચાઈએ નથી લઈ ગયા એટલી તો તેટલી ઊંચાઈ તો તેમણે ભાવવધારાના મોરચે હાંસલ કરી છે. તેમની આ ક્ષમતા આગળ તો અમે પણ નતમસ્તક છીએ. તેથી છેલ્લા ૨૫ વર્ષનું સેવા પર્વ પહેલા ગુજરાત અને હવે સમગ્ર ભારત માટે હવે મોંઘવારીનું મહાપર્વ બની ગયું છે.