India

દેશમાં ગૂગલના 15 અબજ ડોલરના ડેટા સેન્ટર સામે વિરોધ

By GS Team
7 Aug 20262 mins read
TukuTouch Logo
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ગૂગલના $15 બિલિયનના AI ડેટા સેન્ટર સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. પહાડીઓ કાપીને જગ્યા કરાતા પર્યાવરણવિદોએ પાણી-વીજળીની અછતની ચેતવણી આપી છે. હાઈકોર્ટમાં અરજી થતા મામલો કોર્ટમાં પહોંચ્યો છે. બીજી તરફ, હૈદરાબાદમાં માઇક્રોસોફ્ટનું $3 બિલિયનનું ડેટા સેન્ટર શરૂ થયું છે, જે ભારતમાં તેનું ચોથું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દેશમાં ગૂગલના 15 અબજ ડોલરના ડેટા સેન્ટર સામે વિરોધ
  • આંધ્રપ્રદેશમાં પર્વતો કાપવામાં આવતા હોવાથી લોકોમાં રોષ
  • પૂણે, મુંબઈ અને ચૈન્નઈ બાદ હવે હૈદરાબાદમાં માઈક્રોસોફ્ટનું ડેટા સેન્ટર શરૂ થયું : કંપનીનું ત્રણ અબજ ડોલરનું રોકાણ

નવી દિલ્હી : ગૂગલ ૧૫ અબજ ડોલરના માતબર રોકાણથી આંધ્રપ્રદેશમાં એઆઈ ડેટા સેન્ટર બનાવશે. એ માટે આંધ્રપ્રદેશની પહાડીઓ કાપવામાં આવતી હોવાનો દાવો થતાં લોકોમાં રોષ ઉઠયો છે. આ એઆઈ ડેટા સેન્ટરથી આંધ્રપ્રદેશમાં પાણી અને વીજળીની અછત સર્જાશે એવી પર્યાવરણવિદોની ચેતવણીથી લોકોએ ડેટા સેન્ટરનો વિરોધ શરૂ કર્યો છે. આ મામલે પર્યાવરણની સંસ્થાઓ કોર્ટમાં પહોંચી જતાં મામલો કોર્ટ કેસમાં અટવાય તેવી શક્યતા છે. વિશાખાપટ્ટનમ્માં લોકોએ રેલી યોજી હતી ને દેખાવો કર્યા હતા.
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ્માં ગૂગલ ૧૫ અબજ ડોલરના રોકાણથી ડેટા સેન્ટર બનાવશે. જ્યાં ગૂગલનું ડેટા સેન્ટર બનવાનું છે ત્યાં એક પહાડી કોતરીને જગ્યા સપાટ કરવામાં આવી રહી છે. એ દરમિયાન હવે સ્થાનિક લોકોમાં ડેટા સેન્ટર સામે વિરોધ શરૂ થયો છે. વિશાખાપટ્ટનમમાં લોકોએ રેલી કાઢીને ડેટા સેન્ટરનો વિરોધ કર્યો હતો. પર્યાવરણવિદોએ પાણી અને વીજળીની અછત સર્જાશે તેવી ભીતિ વ્યક્ત કર્યા પછી ગૂગલના ડેટા સેન્ટર સામે હાઈકોર્ટમાં પણ અરજી થઈ હતી. એક સામાજિક સંસ્થાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. એ સંદર્ભમાં હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે. હવે આખાય મુદ્દે કોર્ટમાં અરજી થઈ હોવાથી ગૂગલના ડેટા સેન્ટર સામે અવરોધ ખડા થાય તેવી શક્યતા છે. અરજદારની દલીલ છે કે શહેરને જે જળાશયોમાંથી પાણી મળે છે એની ક્ષમતાના પ્રમાણમાં શહેરમાં ૨૫ લાખ લોકોને પાણી ઘટી પડે છે. જો ડેટા સેન્ટરને પાણી આપવાનું થશે તો ગંભીર અછતનો સામનો કરવો પડશે.
બીજી તરફ હૈદરાબાદમાં માઈક્રોસોફ્ટનું ભારતનું સૌથી મોટું ડેટા સેન્ટર શરૂ થઈ ગયું છે. પૂણે, મુંબઈ અને ચેન્નાઈ બાદ માઈક્રોસોફ્ટનું આ ચોથું ડેટા સેન્ટર છે. આ ડેટા સેન્ટરથી માઈક્રોસોફ્ટ ક્લાઉડની સર્વિસમાં ઝડપ આવશે. માઈક્રોસોફ્ટ ભારતમાં ૨૦ અબજ ડોલરનું રોકાણ કરશે. એમાંથી ત્રણ અબજ ડોલરના રોકાણ સાથે આ ડેટા સેન્ટર બન્યું છે. માઈક્રોસોફ્ટ હજુ ૧૭ અબજ ડોલરનું રોકાણ ભારતમાં કરશે.
માઈક્રોસોફ્ટ ઈન્ડિયાના પ્રમુખ પુનિત ચાંડોકે જણાવ્યું હતું કે મેકિંગ ઈન્ડિયા એઆઈ-ફર્સ્ટની પૉલિસી પ્રમાણે આ ડેટા સેન્ટર ખૂબ મહત્ત્વનું બની રહેશે. ભારતમાં ટેકનોલોજીનો વિકાસ જે ઝડપે થઈ રહ્યો છે એ જ ઝડપે માઈક્રોસોફ્ટ પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે છે. તેનાથી કંપનીની સાથે દેશના એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ બૂસ્ટ મળશે.