Get The App

રાહુલ ગાંધીએ તોડેલી પરંપરા પ્રિયંકા ગાંધીએ નિભાવી, સંસદમાં PM મોદી સહિત દિગ્ગજો સાથે ‘ચાય પે ચર્ચા’

Updated: Dec 19th, 2025

GS TEAM

Google News
Google News
રાહુલ ગાંધીએ તોડેલી પરંપરા પ્રિયંકા ગાંધીએ નિભાવી, સંસદમાં PM મોદી સહિત દિગ્ગજો સાથે ‘ચાય પે ચર્ચા’ 1 - image


Chai pe Charcha in Parliament: સંસદના શિયાળુ સત્રમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ચાલેલી તીખી ચર્ચાઓ અને વિરોધ પ્રદર્શનો બાદ, શુક્રવારે બંને ગૃહોની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. સત્રના સમાપન બાદ, લોકસભા સ્પીકર ઓમ બિરલાના કક્ષમાંથી એક એવી તસવીર સામે આવી છે જે લોકશાહીની સુંદરતા દર્શાવે છે. આ તસવીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વાયનાડના પ્રથમ વખતના સાંસદ પ્રિયંકા ગાંધી એકસાથે બેઠેલા જોવા મળ્યા હતા.

રાહુલ ગાંધી આ ચર્ચામાં સામેલ નહોતા 

ખાસ વાત એ છે કે, ચોમાસું સત્રના સમાપન બાદ લોકસભા સ્પીકર દ્વારા બોલાવવામાં આવેલી આવી જ ચા પાર્ટીમાં રાહુલ ગાંધી સામેલ થયા ન હતા, પરંતુ આ વખતે તેમની બહેન પ્રિયંકા ગાંધીએ આ પરંપરા નિભાવી હતી. આ બેઠકમાં પ્રિયંકા ગાંધી ઉપરાંત સમાજવાદી પાર્ટીના ધર્મેન્દ્ર યાદવ, NCP (શરદ પવાર જૂથ)ના સુપ્રિયા સુલે અને ડી. રાજા જેવા વિપક્ષી નેતાઓ પણ હાજર હતા.

આ પણ વાંચો: 'સર તન સે જુદા...', 'જય શ્રી રામ..' જેવા સૂત્રોચ્ચાર પર અલ્લાહાબાદ હાઈકોર્ટનું નિવેદન ચર્ચામાં

રાજનાથ સિંહની બાજુમાં બેઠા પ્રિયંકા

આ બેઠકની સૌથી ખાસ વાત પ્રિયંકા ગાંધીની બેઠક વ્યવસ્થા હતી. વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીને રક્ષા મંત્રી રાજનાથ સિંહની બરાબર બાજુની સીટ આપવામાં આવી હતી, જ્યાં તેઓ રક્ષા મંત્રી સાથે ચા પીતા જોવા મળ્યા હતા. તેમની બાજુમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બેઠા હતા. આ તસવીરમાં લગભગ સમગ્ર વિપક્ષ હાજર જોવા મળ્યો હતો.

ચોમાસું સત્રમાં વિપક્ષે કર્યો હતો બહિષ્કાર

ઉલ્લેખનીય છે કે, 21મી ઑગસ્ટ, 2025ના રોજ ચોમાસું સત્રના સમાપન બાદ સ્પીકર બિરલાએ તમામ સભ્યો માટે ચા પાર્ટીનું આયોજન કર્યું હતું. પરંતુ તે સમયે રાહુલ ગાંધી સહિત વિપક્ષના કોઈ પણ નેતા તેમાં હાજર રહ્યા ન હતા અને ચા પાર્ટીનો બહિષ્કાર કર્યો હતો. ત્યારે વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર નિશાન સાધતાં કહ્યું હતું કે કોંગ્રેસમાં ઘણા પ્રતિભાશાળી યુવા નેતાઓ છે, પરંતુ પરિવારની અસુરક્ષાને કારણે તેમને બોલવાનો મોકો નથી મળતો, અને કદાચ આ જ યુવા નેતાઓથી રાહુલ ગાંધી અસુરક્ષિત અનુભવી રહ્યા છે.

ગડકરીએ પ્રિયંકાને જમાડ્યા

આ પહેલા ગુરુવારે પણ પ્રિયંકા ગાંધી અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી વચ્ચે હળવાશની પળો જોવા મળી હતી. જ્યારે પ્રિયંકા ગાંધીએ લોકસભામાં ફરિયાદ કરી કે નીતિન ગડકરી તેમને મળવાનો સમય નથી આપતા, ત્યારે ગડકરીએ તરત જ કહ્યું હતું કે "મારો દરવાજો તો હંમેશા ખુલ્લો છે" અને તેમને પ્રશ્નકાળ પછી ઑફિસમાં મળવા આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ પ્રિયંકા ગાંધી ગડકરીને મળવા ગયા, જ્યાં ગડકરીએ તેમને સ્વાદિષ્ટ ભોજન પણ કરાવ્યું હતું. રાજકીય વિરોધ વચ્ચે આવી તસવીરો અને ઘટનાઓ લોકશાહીની પરિપક્વતા દર્શાવે છે.

Tags :