Prateek Yadav Post Mortem Report: સમાજવાદી પાર્ટીના સ્થાપક અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના પુત્ર પ્રતીક યાદવના નિધન અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. મેડિકલ રિપોર્ટ અનુસાર, 38 વર્ષીય પ્રતીક યાદવનું મૃત્યુ કાર્ડિયોરેસ્પિરેટરી કોલેપ્સ (હૃદય અને શ્વસનતંત્ર બંધ પડી જવું)ને કારણે થયું હતું.
પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મોતના કારણનો ખુલાસો
પોસ્ટ મોર્ટમ રિપોર્ટ મુજબ શરીરના નીચેના ભાગમાંથી ઉપરના ભાગમાં લોહી ગંઠાઈ ગયું હતું. ત્યારબાદ ફેફસામાં ઇન્ફેક્શન થયું અને કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ થયું. વિસેરા રિપોર્ટ બાદ વધુ બાબતો સ્પષ્ટ થશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘણી મહત્વની વાતો સામે આવી છે. ફેફસાની નસોમાં લોહી ગંઠાઈ જવાને કારણે હૃદય અને શ્વાસ લેવાની પ્રક્રિયા અચાનક બંધ થઈ ગઈ, જેનાથી મૃત્યુ થયું. ડોક્ટરોએ વધુ તપાસ માટે હૃદય અને ફેફસાં સાથે જોડાયેલા કેટલાક નમૂનાઓ સુરક્ષિત રાખ્યા છે. આ સિવાય, શરીરના કેટલાક અંગો (વિસેરા)ને પણ રાસાયણિક તપાસ માટે સુરક્ષિત કરી પોલીસને સોંપવામાં આવ્યા છે.
ડોક્ટરોએ શું કહ્યું
ડોક્ટરોએ જણાવ્યું કે, આ સ્થિતિ મોટા પાયે થયેલા પલ્મોનરી થ્રોમ્બોએમ્બોલિઝમને કારણે સર્જાઈ હતી, જેમાં ફેફસાની નસોમાં લોહીનો ગઠ્ઠો જામી જાય છે અને તેનાથી હૃદય કામ કરતું બંધ કરી દે છે અને શ્વાસ અચાનક અટકી જાય છે. જાણકારી અનુસાર, બુધવારે વહેલી સવારે અચાનક તબિયત બગડ્યા બાદ પ્રતીક યાદવને લખનઉની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
શરીર પર ઈજાના નિશાન પહેલાથી હતા
રિપોર્ટમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શરીર પર જોવા મળેલા તમામ ઇજાના નિશાન મૃત્યુ પહેલાના હતા. હવે તપાસ એજન્સીઓ મેડિકલ રિપોર્ટ અને રાસાયણિક વિશ્લેષણના આધારે સમગ્ર મામલાની આગળની તપાસ કરી રહી છે.
આવતીકાલે ગુરુવારે થશે અંતિમ સંસ્કાર
પરિવાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, તેમના અંતિમ સંસ્કાર ગુરુવારે બપોરે 12:30 કલાકે લખનના પિપરા ઘાટ પર કરવામાં આવશે. પ્રતીક યાદવનો પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાને પહોંચાડવામાં આવ્યો છે, જ્યાં અંતિમ દર્શન માટે લોકોનું પહોંચવાનું શરૂ થઈ ગયું છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવ પણ પરિવારને મળવા પહોંચ્યા હતા. મુલાયમ સિંહ યાદવના નાના ભાઈ શિવપાલ યાદવ પણ શોક વ્યક્ત કરવા ઘરે પહોંચ્યા હતા અને પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી હતી.
કરોડો રૂપિયાની છેતરપિંડીના પીડિત હતા
કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી પ્રતીક યાદવ એક કથિત આર્થિક વિવાદને લઈને તણાવમાં હતા. તેમણે કરોડો રૂપિયાની છેતરપિંડી અને ખંડણી માંગવાના આરોપમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપ છે કે ચિન્હટ વિસ્તારના રહેવાસી કૃષ્ણાનંદ પાંડેએ રિયલ એસ્ટેટના વ્યવસાયમાં રોકાણના નામે તેમની પાસેથી મોટી રકમ રોકાવી હતી અને તેમને કંપની સાથે જોડ્યા હતા, જ્યારે જમીન સાથે જોડાયેલા તમામ નાણાકીય અને કાયદાકીય નિર્ણયો પોતે નિયંત્રિત કર્યા હતા.
આ પણ વાંચો: અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો
પરિવારની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાની ધમકી
ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે ઘણી મિલકતોના સોદા થયા હોવા છતાં રોકાણની રકમનો સ્પષ્ટ હિસાબ આપવામાં આવ્યો ન હતો. પ્રતીક યાદવે એવો પણ આરોપ લગાવ્યો હતો કે પૈસા પાછા માંગવા પર તેમને ગંભીર કેસોમાં ફસાવવાની અને નકલી ઓડિયો પ્રસારિત કરી પરિવારની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલામાં કૃષ્ણાનંદ પાંડે, તેમની પત્ની વંદના પાંડે અને પિતા અશોક પાંડે વિરુદ્ધ ચાર કરોડ રૂપિયાની ખંડણી માંગવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ગૌતમપલ્લી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયા બાદ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.


