ઈઝરાયલમાં સત્તા પરિવર્તનના એંધાણ: નેતન્યાહુની વિદાય નિશ્ચિત, વિરોધી ગાદી આઈસેનકોટને મળ્યું બહુમત!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Israel Politics News : ઈઝરાયલમાં ચાલી રહેલી રાજકીય અનિશ્ચિતતા વચ્ચે નવી સરકારની રચનાનો માર્ગ હવે સાફ થતો દેખાઈ રહ્યો છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના મુખ્ય હરીફ અને યાશાર પાર્ટીના વડા ગાદી આઈસેનકોટને ઈઝરાયલની પ્રમુખ અરબ પાર્ટી જોઇન્ટ લિસ્ટે પોતાનું સત્તાવાર સમર્થન જાહેર કર્યું છે. 11 બેઠકો ધરાવતી જોઇન્ટ લિસ્ટે સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાષ્ટ્રપતિ ઈસાક હર્ઝોગ સમક્ષ દેશના આગામી વડાપ્રધાન તરીકે ગાદી આઈસેનકોટના નામની ભલામણ કરશે. આ પહેલાં અન્ય એક અરબ પાર્ટી રાઆમ પણ આઈસેનકોટને ખુલ્લું સમર્થન આપી ચૂકી છે, જેનાથી ઈઝરાયલના રાજકારણમાં મોટો ઉલટફેર સર્જાયો છે.
રાઆમ પાર્ટીએ રાષ્ટ્રપતિ સમક્ષ સમર્થનની ભલામણ કરી
ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ અનુસાર, 8 બેઠકો ધરાવતી રાઆમ પાર્ટીના વડા મન્સૂર અબ્બાસે જણાવ્યું હતું કે તેમની પાર્ટી રાષ્ટ્રપતિ સમક્ષ નવી સરકાર રચવા માટે ગાદી આઈસેનકોટના નામને સમર્થન આપશે. ચૂંટણીમાં કોઈપણ પક્ષ કે ગઠબંધનને સ્પષ્ટ બહુમતી ન મળવાને કારણે આ અરબ પક્ષોનું વલણ સરકાર બનાવવા માટે નિર્ણાયક સાબિત થયું છે.
નેતન્યાહુને સત્તામાંથી બહાર રાખવાનો સંયુક્ત નિર્ણય
જોઇન્ટ લિસ્ટના ત્રણેય ઘટક દળોએ સંયુક્ત બેઠક બાદ જણાવ્યું હતું કે આ નિર્ણય નેતન્યાહુ અને તેમની સરકારને ફરી સત્તામાં આવતી રોકવા માટે લેવામાં આવ્યો છે. પક્ષનું માનવું છે કે આ પગલાથી ઈઝરાયલમાં નેતૃત્વ પરિવર્તનની શક્યતા અત્યંત મજબૂત બનશે અને નેતન્યાહુ ફરી કોઈ મિશ્ર કે સંયુક્ત સરકાર બનાવીને સત્તામાં ટકી રહે તે જોખમ સંપૂર્ણપણે ટળી જશે. જોઇન્ટ લિસ્ટનું પ્રતિનિધિમંડળ ટૂંક સમયમાં રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને આ અંગે સત્તાવાર પત્ર સોંપશે.
સંસદમાં આઈસેનકોટ પાસે 67 બેઠકોનું મજબૂત સંખ્યાબળ
ઈઝરાયલની 120 સભ્યોવાળી સંસદમાં સરકાર બનાવવા માટે 61 બેઠકોના બહુમતી આંકડાની જરૂર હોય છે. ગાદી આઈસેનકોટના નેતૃત્વ હેઠળના મુખ્ય ગઠબંધન પાસે 48 બેઠકો છે. જ્યારે જોઇન્ટ લિસ્ટની 11 અને રાઆમ પાર્ટીની 8 બેઠકોનો ટેકો મળતાં આ ગઠબંધનનું કુલ સંખ્યાબળ વધીને 67 પર પહોંચી ગયું છે. નેતન્યાહુ કરતાં વધુ સાંસદોનું સમર્થન મળતાં રાષ્ટ્રપતિ હવે આઈસેનકોટને જ નવી સરકાર રચવાનું આમંત્રણ આપે તેવી સ્થિતિ સર્જાઈ છે.
હમાસના નિઃશસ્ત્રીકરણ મુદ્દે અરબ પાર્ટીનું વલણ
ડાબેરી ડેમોક્રેટ્સ પાર્ટી અને રાઆમ બંનેએ આઈસેનકોટના નામ પર મહોર લગાવી છે. અહેવાલો મુજબ, રાઆમના નેતા મન્સૂર અબ્બાસે જણાવ્યું છે કે તેમની પાર્ટી હમાસના સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણનું સમર્થન કરે છે, જે આઈસેનકોટની ગઠબંધન શરતોમાં મુખ્ય મુદ્દો હતો. અબ્બાસે વધુમાં જણાવ્યું કે અરબ સમાજ અને નાગરિકો શાંતિના સેતુ સમાન છે અને તેમને આતંકવાદના સમર્થક કે દેશદ્રોહી તરીકે ન જોવા જોઈએ.




