For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

''તમે ઇચ્છો તે નેતા, પક્ષ કે સંસ્થાની પ્રતિષ્ઠા સુધારવા-બગાડવા માટેની પોસ્ટ અમારા નામે મુકો... પોસ્ટ દીઠ રૂ. બે કરોડ લઈશું !''

- સેલિબ્રિટીઓની પોલ ખોલતું 'કોબ્રાપોસ્ટ'નું 'ઓપરેશન કરાઓકે'

- આપણે મેસેજ 'ફોરવર્ડ' કે 'લાઈક' કરીએ અને કમાણીનું મીટર પોસ્ટ કરનારનું ફરે

Updated: Feb 19th, 2019

Article Content Image

સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટને વાઇરલ બનાવી આપતી વિકૃત એજન્સીઓ નક્કી કરે છે દેશની હવા અને આપણા મનનું રૂખ

નવી દિલ્હી, તા.19 ફેબ્રુઆરી, 2019, મંગળવાર

તમે કોઈ રાજકીય પક્ષ, વિવાદાસ્પદ ઘટનાઓ અને વિચારધારાની તરફેણ કરતી કે ઝેર ફેલાવતી પોસ્ટ ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપ પર જૂઓ અને તેને લાઈક કરો, ફોરવર્ડ કરો તો એટલું યાદ રાખજો કે તમે તેને મોકલનાર મુખ્ય વ્યક્તિ, એજન્સીને લાખો રૂપિયા કમાવી આપો છો. ભોળા નાગરિકો કે જેમના મન પ્રવાહી અને જે તરફ દિશા આપો તે તરફ ઢળી જાય છે તેઓ આવી પોસ્ટથી પ્રભાવિત થઇને તેને પોતાનો મત પણ બનાવી લે છે.

સ્ટિંગ ઓપરેશન અને અન્નવેષણ પત્રકારત્વ મટે જાણીતી વેબસાઇટ 'કોબ્રાપોસ્ટ' એ આવું જ એક ચોંકાવનારૂ 'ઓપરેશન કરાઓકે' પાર પાડયું છે જેમાં બોલિવુડના કેટલાક અભિનેતા, અભિનેત્રી, ગાયકો, કોરિયોગ્રાફરો, કોમેડિયન અને મીમીક્રી આર્ટિસ્ટોનો તેઓએ એક એજન્સીના સ્વાંગમાં સંપર્ક સાધ્યો.

તેઓને જણાવવામાં આવ્યું કે અમે તમને જે મેસેજ લખીને આપીએ તે તમારી સોશ્યિલ મીડિયાપોસ્ટ પર મુકવાનો. તેઓને એમ પણ કહેવાયુ કે તમે સોશ્યિલ મીડિયમાં એક્ટિવ સેલિબ્રિટી હોઈ તમારા ફોલોઅર્સ અને યુ ટયુબ પરના વ્યુઅર્સ લાખોની સંખ્યામાં છે તે સામે જાણીએ છીએ. અમે જે પક્ષ, વિચારધારા કે વિવાદ બાબતની પોસ્ટ તમને મોકલીએ તે તમારે તમારી વોલ પર તમારા નામથી મુકવાની.

આ તો થઇ વ્યક્તિગત માધ્યમથી પ્રચાર કે ટાર્ગેટ કરવાની વાત પણ તેવી જ રીતે આ માટે ખાસ કાર્યરત સોશિયલ મીડિયા પ્રચાર-પ્રસાર કરી આપતી એજન્સીઓ પણ છે જે તમારે માટે કોઈ વ્યક્તિ, સંસ્થા, રાજકીય પક્ષ, સેલિબ્રિટી, નેતા વગેરેની પ્રસંશા કે ઉગ્ર ટીકા, વૈમનસ્ય ફેલાય તે રીતે કામ કરી આપે. ભૂગર્ભમાં આ આજકાલનો ધીકતો ધંધો છે.

'કોબ્રાપોસ્ટ'એ એક એજન્સી તરીકે તેની ઓળખ આપી. પહેલા રાઉન્ડમાં 'બી' ગ્રેડના છતા પણ ફોલોઅર્સ ધરાવતા કલાકારો તેમજ ગાયકોને, મીમીક્રી આર્ટિસ્ટ અને કોમેડિયનોનો સંપર્ક કર્યો.

આ કલાકારો પણ બેશર્મ માફિયા જેવા થઇ ગયા છે. તેમાનાં મોટાભાગનાએ નિર્લેજ્જતાથી કહ્યું કે ''અરે તમે આપો તે વોલ પર મુકી દઈએ. પણ એક મેસેજ દીઠ અઢી લાખ રૂપિયા અમને મળવા જોઇએ.'' પછી તેઓ તરત જ ઉમેરતા કે ''ઓકે તેના કરતા મહિના દિઠ જ નક્કી કરીએ. દસેક મેસેજ મહિનામાં મુકીશું અને રૂ. એક કરોડમાં અમારી વોલ આપીશું.''

અમુક સેલિબ્રિટી તો એવા હતા કે તેઓના ૨૦ લાખથી ૩૦લાખ ફોલોઅર્સ છે. તેઓએ કહ્યું કે ફોરવર્ડ થતા તે કરોડો નાગરિકો સુધી પહોંચે છે તેથી અમારી વોલ પર એક મેસેજ મૂકવાનો ચાર્જ ૨.૫ કરોડ રૂપિયા છે તમે પોસ્ટ મોકલો.

અમે પણ અમારી ક્રીએટિવ હેન્ડલરોની ટીમ ધરાવીએ છીએ તેઓ તેને એ રીતે વ્યંગાત્મક કે વિચારપ્રેરક બનાવીને મુકશે કે તે ધાર્યું નિશાન પાર પાડશે એવું પણ લાગ્યું કે આ જ રીતે આ કલાકારો, સમીક્ષકો બીકાઉ બનીને કમાતા હશે.

એમાંની કેટલીક જાણીતી વ્યક્તિઓએ તો એટલે સુધી કહ્યું કે અમે અમારી પ્રમોશન ટુર, ઇન્ટરવ્યુ અને વક્તવ્યમાં સીફતતાથી તમે અમને જે વ્યક્તિ, પક્ષ, વિચારધારાને પ્રમોટ કરવા રૂપિયા આપો છો તેનો ઉલ્લેખ કરીશું. ઘણા એવા પણ હતા કે જેઓ બદલામાં કંઇક કામ કઢાવી લેવા માંગતા હતા.

એક મિમિક્રી આર્ટિસ્ટે તો આ એજન્સી (કોબ્રાપોસ્ટ)નાં પ્રતિનિધિને તે રાજકીય પક્ષોના નેતાઓની મીમીક્રી કરી બતાવીને કહ્યું કે 'બોલો કોની ફીરકી ઉતારવાની છે. મારો ભાવ યુટયુબ કે પરફોરમન્સનો રૂ. એક કરોડ રહેશે.'

નિર્લજ્જતાની હદ તો એ છે કે આ તમામની માંગણી એવી હતી કે તેઓને જે  પણ રકમ ચૂકવાય તે રોકડમાં જ હોવી જોઇએ. એક અભિનેત્રીએ કહ્યું કે 'ચેકથી થતું પેમેન્ટ બોજ બની જતું હોય છે.'

સોશ્યિલ મીડિયા પરની પોસ્ટનો ધંધો થઇ શકે તેથી ઘણા પ્રોફેશનલ એજન્સીને રોકી તેને પોસ્ટ કરવાનું કામ સોંપે છે. એજન્સી ફોલોઅર્સની સંખ્યા વધારી આપે, મેસેજ ફોરવર્ડ કરી આપે, કોઇને હીરો બનાવવા કે ઝીરો બનાવવા, ઝેર ફેલાવવા જેઓ જેનો એજન્ડા તે રીતે કામ કરી આપે છે.

સોશ્યિલ મીડિયામાં નિયમિત પોસ્ટ કરતા રહેવી અને ભોળા નાગરિકો સતત અભિભૂત થતા રહે તેવી ભૂરકી છાંટવાનો હથકંડો અપનાવવો તે પ્રથમ શરત હોય છે. કોઈપણ મુદ્દો હોય તેમાં પાર્ટીસિપેટ થઇ જવાનું રહે છે. નકારાત્મક પબ્લિસિટી પણ કારગત નીવડે છે. જેને બદનામ કરવા માંગતા હો તેના નામે બીજા કોઇની કે જાતે લખેલી પોસ્ટ પણ ચઢાવી દેવાના કિસ્સા સાયબર ક્રાઈમની નજરે ચઢતા જાય છે.

જ્યાં સુધી મહત્તમ નાગરિકો સ્વતંત્ર રીતે વિચારતા નહીં થાય અને અંજાઈને ભોળવાતા રહેશે ત્યાં સુધી આ ધંધાનું ભાવિ ઉજ્જવળ છે. ઘેર બેઠા એક સ્માર્ટફોન પર બે વ્યક્તિ, બે જૂથ, બે ધર્મ, બે સંપ્રદાય કે  બે દેશ વચ્ચે યુધ્ધ છેડી શકાય અને રોકડી થાય તે નફામાં. હવે તો પ્રત્યેક રાજકીય પક્ષો જ આવી એજન્સીઓ રોકીને તેઓ ઇચ્છે તે પ્રમાણે દેશની હવા બદલવાનું મિશન ધરાવે છે.

Gujarat