India

અમેરિકા-ચીન જોતા રહી ગયા ને ભારતે રચ્યો ઇતિહાસ! ન્યુક્લિયર રિએક્ટરની ગરમીથી બનાવ્યો હાઇડ્રોજન

By GS Team
30 Jun 20263 mins read
TukuTouch Logo
ભારતે કલપક્કમ, તમિલનાડુમાં વિશ્વનો પ્રથમ ન્યુક્લિયર હાઇડ્રોજન ઉત્પાદન પ્લાન્ટ શરૂ કર્યો છે. ઇન્દિરા ગાંધી પરમાણુ અનુસંધાન કેન્દ્ર ખાતે શરૂ થયેલી આ સુવિધા વીજળીને બદલે પરમાણુ રિએક્ટરની ગરમીનો ઉપયોગ કરીને હાઇડ્રોજન બનાવે છે. 'કોપર-ક્લોરીન થર્મોકેમિકલ સાયકલ' પર આધારિત આ ટેક્નોલોજી કાર્બન-મુક્ત અને કાર્યક્ષમ છે, જે સ્વચ્છ ઊર્જાના ક્ષેત્રે ભારતને અગ્રેસર બનાવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા-ચીન જોતા રહી ગયા ને ભારતે રચ્યો ઇતિહાસ! ન્યુક્લિયર રિએક્ટરની ગરમીથી બનાવ્યો હાઇડ્રોજન
IMAGE - IANS

Nuclear Hydrogen Production Facility: ભારતે વૈશ્વિક સ્તરે પરમાણુ ઊર્જા ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચી દીધો છે. દેશે દુનિયાના સૌપ્રથમ એવા હાઇડ્રોજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે, જે વીજળીના બદલે પરમાણુ રિએક્ટરની ઊર્જાનો ઉપયોગ કરીને હાઇડ્રોજનનું ઉત્પાદન કરે છે. તમિલનાડુના કલપક્કમમાં આવેલા 'ઇન્દિરા ગાંધી પરમાણુ અનુસંધાન કેન્દ્ર' ખાતે આ વિશ્વની પહેલી ન્યૂક્લિયર હાઇડ્રોજન ઉત્પાદન ફેસિલિટી શરૂ કરવામાં આવી છે. 'કોપર-ક્લોરીન થર્મોકેમિકલ સાયકલ' પર આધારિત આ ટેક્નોલોજી સંપૂર્ણપણે કાર્બન-મુક્ત અને અત્યંત કાર્યક્ષમ છે.

ન્યૂક્લિયર રિએક્ટરની ગરમીથી હાઇડ્રોજનનું ઉત્પાદન

પરમાણુ ઊર્જા વિભાગના સચિવ અજીત કુમાર મોહંતીએ જણાવ્યું હતું કે, પરમાણુ ઊર્જામાં કાર્બન-મુક્ત વીજળીની સાથે-સાથે મોટા પાયે હાઇડ્રોજન ઉત્પાદન માટે જરૂરી ઉચ્ચ તાપમાન આપવાની અનોખી ક્ષમતા છે. એટમિક એનર્જી કમિશનના પૂર્વ ચેરમેન અને ન્યૂક્લિયર ફિઝિસિસ્ટ અનિલ કાકોદકરે ઉમેર્યું કે, વિશ્વમાં ક્લીન એનર્જી માટે હાઇડ્રોજન સૌથી મહત્ત્વનો સ્ત્રોત બની રહ્યો છે, તેથી તેના ઉત્પાદનની આવી સસ્તી પદ્ધતિઓ ખૂબ જ જરૂરી છે.

તમિલનાડુમાં શરૂ થયેલી આ ખાસ ફેસિલિટીની મહત્ત્વની બાબતો:

ઐતિહાસિક ઉદ્ઘાટન: આ સુવિધાનું ઉદ્ઘાટન 26 જૂનના રોજ ભારતના સૌથી જૂના કલપક્કમ સ્થિત 'ફાસ્ટ બ્રીડર ટેસ્ટ રિએક્ટર' (FBTR) ખાતે કરવામાં આવ્યું છે, જે 195થી રિસર્ચ માટે કાર્યરત છે.

500 મેગાવોટનું રિએક્ટર: આ પ્લાન્ટ એ જ કોમ્પ્લેક્સમાં છે જ્યાં 'પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર' (PFBR) આવેલું છે. આ 500 મેગાવોટના કોમર્શિયલ રિએક્ટરે એપ્રિલ 2026માં જ પહેલીવાર સફળ સંચાલન હાંસલ કર્યું હતું.

પાણીમાંથી હાઇડ્રોજન: સામાન્ય ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટની જેમ જ આ ટેક્નોલોજી પણ પાણી H2Oમાંથી હાઇડ્રોજન H2 અલગ કરે છે. પરંતુ તેમાં વીજળીના બદલે રિએક્ટરની વધારાની ગરમી અને કોપર-ક્લોરીનની કેમિકલ રિએક્શન ચેનનો ઉપયોગ થાય છે.

ડેમોન્સ્ટ્રેટર પ્રોજેક્ટ: આ એક ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટર પ્રોજેક્ટ છે, જે દુનિયાને બતાવશે કે વીજળી વગર પણ ન્યૂક્લિયર પ્રોસેસથી હાઇડ્રોજન બનાવી શકાય છે.

શું છે આ અદભુત ટેક્નોલોજી અને તેનો ઇતિહાસ?

પરમાણુ ઊર્જા વિભાગના જણાવ્યા અનુસાર, હાઇડ્રોજન બનાવવાની આ નવી સુવિધા ભારતના ત્રણ-ફેઝવાળા ન્યૂક્લિયર પ્રોગ્રામની એક મોટી સફળતા છે. 1950ના દાયકામાં ભારતમાં યુરેનિયમનો મર્યાદિત જથ્થો હોવાને કારણે મહાન વૈજ્ઞાનિક હોમી જહાંગીર ભાભાએ એક ખાસ યોજના બનાવી હતી, જેથી દેશમાં ભરપૂર માત્રામાં ઉપલબ્ધ 'થોરિયમ'નો ઉપયોગ કરી શકાય. તેના પ્રથમ તબક્કામાં 'પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર' (PHWR) બનાવવામાં આવ્યા હતા, જે તમિલનાડુના કુડનકુલમમાં કાર્યરત છે.

પરમાણુ રિએક્ટરમાં ટેક્નોલોજીનું પરિવર્તન

પ્રોગ્રામના બીજા તબક્કામાં કલપક્કમના FBTR અને PFBR જેવા 'ફાસ્ટ બ્રીડર રિએક્ટર'નો સમાવેશ થાય છે. આ રિએક્ટર્સ એવા સિદ્ધાંત પર કામ કરે છે કે તેઓ જેટલું બળતણ વાપરે છે, તેના કરતાં વધુ બળતણનું ઉત્પાદન કરે છે. પરંપરાગત રિએક્ટરો બળતણ તરીકે યુરેનિયમ વાપરે છે, જ્યારે ફાસ્ટ બ્રીડર રિએક્ટરમાં પ્લુટોનિયમનો ઉપયોગ થાય છે.

ઇંધણ તરીકે પ્લુટોનિયમ અને થોરિયમનો ઉપયોગ

ભારતના ફાસ્ટ બ્રીડર રિએક્ટર્સ અત્યારે પ્લુટોનિયમ પર ચાલે છે, પરંતુ ભવિષ્યમાં તેને થોરિયમ પર ચલાવી શકાય તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. હાલમાં જે FBTR ખાતે આ સુવિધા શરૂ કરાઈ છે તે કોમર્શિયલ રિએક્ટર નથી પરંતુ 40 મેગાવોટ થર્મલ ક્ષમતા ધરાવતું એક ટેસ્ટ બેડ છે, જે ભવિષ્યના પ્રોગ્રામ માટે પાયો તૈયાર કરે છે.

વૈજ્ઞાનિકોમાં ભારે ઉત્સાહ

આ સફળ ડેમો પ્રોજેક્ટથી ભારતની ન્યૂક્લિયર અને હાઇડ્રોજન બંને સેક્ટરમાં ક્ષમતા સાબિત થઈ છે. નિષ્ણાતોના મતે, આ પ્રક્રિયાથી બનતા હાઇડ્રોજનને ટેકનિકલ રીતે 'ગ્રીન હાઇડ્રોજન' ન ગણવામાં આવે તો પણ પર્યાવરણની દ્રષ્ટિએ તેના ફાયદા બિલકુલ ગ્રીન હાઇડ્રોજન જેવા જ છે. આગામી સમયમાં પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટરમાં કોમર્શિયલ લેવલ પર ન્યૂક્લિયર હાઇડ્રોજન બનાવવાનો રસ્તો સાફ થશે.