'PoK આપમેળે ભારતમાં ભળી જશે...' વિદેશની ધરતી પરથી રાજનાથનો પાકિસ્તાનને કડક મેસેજ
Defence Minister Rajnath Singh: ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ મોરોક્કોની બે દિવસની મુલાકાતે છે. ભારતીય સંરક્ષણ મંત્રી દ્વારા મોરોક્કોની આ પહેલી મુલાકાત છે. રાજનાથ સિંહ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સના ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કરવા માટે મોરોક્કો પહોંચ્યા છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ એકમ આફ્રિકામાં પ્રથમ ભારતીય સંરક્ષણ ઉત્પાદન પ્લાન્ટ છે. તેઓ અહીં તેમના સમકક્ષ અબ્દેલલતીફ લૌધી સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. રાજનાથ સિંહે મોરોક્કોની રાજધાની રબાતમાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કર્યો હતો. જ્યાં તેમણે PoKનો ઉલ્લેખ કરતાં મોટું નિવેદન આપ્યું હતું.
PoK આપમેળે ભારતનો ભાગ બનશે - રાજનાથ સિંહ
મોરોક્કોમાં ભારતીય સમુદાય સાથેની વાતચીત દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, 'PoK આપમેળે આપણું થઈ જશે. PoKમાં માંગ ઉઠવા લાગી છે. તમે સૂત્રોચ્ચાર સાંભળ્યા હશે. પાંચ વર્ષ પહેલાં, હું કાશ્મીર ખીણમાં એક કાર્યક્રમમાં ભારતીય સેનાને સંબોધિત કરી રહ્યો હતો. મેં કહ્યું હતું કે આપણે PoK પર હુમલો કરીને કબજો કરવાની જરૂર નથી; તે ગમે તેમ કરીને આપણું છે; PoK ખુદ કહેશે, 'હું પણ ભારત છું.' તે દિવસ જલ્દી આવશે.'
આપણે ન ભૂલવું જોઈએ કે, આપણે ભારતીય છીએઃ રાજનાથ સિંહ
મોરોક્કોમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરતી વખતે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, 'ભારત પ્રત્યેની આપણી ભક્તિ, સ્નેહ અને પ્રેમ સ્વાભાવિક છે. આપણે દુનિયામાં ગમે ત્યાં હોઈએ, આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ કે આપણે ભારતીય છીએ. ભારતીય હોવાને કારણે, આપણી જવાબદારીઓ અન્ય લોકો કરતા અલગ છે. જો આપણે મોરોક્કોમાં આજીવિકા કમાઈ રહ્યા છીએ અને આપણા પરિવારોની સંભાળ રાખી રહ્યા છીએ, તો મોરોક્કો સાથે કોઈ દગો ન થવો જોઈએ - આ ભારતનું ચરિત્ર છે.'
આ પણ વાંચોઃ ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, FIR કે અરેસ્ટ મેમોમાં પણ નહીં હોય ઉલ્લેખ
આપણે ભારતનું આ ચરિત્ર જાળવી રાખવું જોઈએઃ સંરક્ષણ મંત્રી
મોરોક્કોમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરતી વખતે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે- 'જીન્હ મોહી મારા, તિન મોહી મારે'... આ વખતે પણ એવું જ થયું. અમે તે લોકોને માર્યા જેમણે આપણા લોકોને માર્યા. અમે કોઈપણ નાગરિક કે લશ્કરી સંસ્થા પર હુમલો કર્યો નથી. ફક્ત ભારત જ આવું ચરિત્ર ધરાવી શકે છે. જો અમે ઇચ્છતા હોત, તો અમે કોઈપણ લશ્કરી કે નાગરિક સંસ્થા પર હુમલો કરી શક્યા હોત, પરંતુ અમે તેમ કર્યું નહીં. આપણે ભારતનું આ ચરિત્ર જાળવી રાખવું જોઈએ. આતંકવાદીઓ અહીં આવ્યા અને આપણા નાગરિકોને તેમનો ધર્મ પૂછીને મારી નાખ્યા. અમે કોઈને તેમનો ધર્મ જોઈને નહીં, પરંતુ તેમના કર્મ જોઈને માર્યા.'
આ પણ વાંચોઃ લાલુ યાદવના પરિવારમાં ભંગાણ, લાડલી દીકરીએ માતા-પિતા, ભાઈ-બહેન બધાને કર્યા 'અનફોલો'
કેવી રીતે શરૂ થયું ઓપરેશન સિંદૂર?
ભારતીય સમુદાય સાથે વાત કરતા, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, 'બીજો ભાગ છે કે ત્રીજો ભાગ હજુ બાકી છે, એ હાલ અમે કહી નહીં શકીએ. તે તેમના (પાકિસ્તાનના) વર્તન પર આધાર રાખે છે. જો તેઓ આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડાશે, તો તેમની સામે બદલો લેવામાં આવશે. પહલગામમાં, અમારા 26 સૈનિકોને તેમના ધર્મ પૂછીને માર્યા. બીજા દિવસે, 23 એપ્રિલે, સીડીએસ, ત્રણેય સેવા વડાઓ અને સંરક્ષણ સચિવ સાથેની બેઠકમાં, મેં પહેલો પ્રશ્ન પૂછ્યો કે શું સરકાર કાર્યવાહી શરૂ કરવાનું નક્કી કરે તો તેઓ તૈયાર છે કે નહીં. તમને એ જાણીને આનંદ થશે કે એક પણ સેકન્ડના વિલંબ વિના, તેઓએ જવાબ આપ્યો કે તેઓ સંપૂર્ણપણે તૈયાર છે. પછી અમે વડાપ્રધાન મોદીનો સંપર્ક કર્યો, જેમણે અમને આગળ વધવા કહ્યું અને અમને છૂટ આપી.'
રાજનાથ સિંહે કહ્યું કે, 'તમે જોયું કે ત્યાર બાદ શું થયું? સરહદ પર નહીં, અમે તેમના ક્ષેત્રમાં 100 કિમી અંદર આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. જૈશ-એ-મોહમ્મદનો એક ટોચનો આતંકવાદી કહી રહ્યો હતો કે ભારતે મસૂદ અઝહરના પરિવારનો નાશ કર્યો છે. પાકિસ્તાને યુદ્ધવિરામની વિનંતી કરી અને અમે સંમત થયા. અમે સારા સંબંધો ઇચ્છીએ છીએ કારણ કે અટલ બિહારી વાજપેયી કહેતા હતા કે મિત્રો બદલી શકાય છે, પરંતુ પડોશીઓ નહીં. અમે તેમને સાચા માર્ગ પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. વડાપ્રધાને એમ પણ કહ્યું છે કે, આ ફક્ત એક વિરામ છે. ઓપરેશન સિંદૂર હમણાં જ બંધ થયું છે. તે ફરીથી શરૂ કરી શકાય છે.'