લાલુ યાદવના પરિવારમાં ભંગાણ, લાડલી દીકરીએ માતા-પિતા, ભાઈ-બહેન બધાને કર્યા 'અનફોલો'
Bihar Election: રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યનો તેના માતાપિતા અને ભાઈ-બહેનોથી મોહભંગ થયો હોય તેવું દેખાઈ રહ્યું છે. ગુરૂવારે (18 સપ્ટેમ્બર) નાના ભાઈ અને પાર્ટીના "ક્રાઉન પ્રિન્સ" તેજસ્વી પ્રસાદ યાદવના સલાહકાર સંજય યાદવની ટૂર બસમાં બેસવા અંગે જે વિવાદ થયો હતો તે પરિવારમાં વિખવાદનો સંકેત આપે છે. રોહિણીએ રવિવારે (21 સપ્ટેમ્બર) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લાલુ યાદવ, રાબડી દેવી, તેજસ્વી યાદવ, તેજ પ્રતાપ યાદવ, મીસા ભારતી સહિત પાર્ટી અને બાકીના નેતાઓને અનફોલો કરી દીધા છે. રોહિણી ક્યારેય સોથી વધુ લોકો અથવા સંગઠન હેન્ડલને ફોલો કરતા હતા, જે ગુરૂવારે વિવાદની શરૂઆત બાદ ઘટીને પહેલાં 61 અને હવે 3 પર આવી ગયા છે. રોહિણી હવે ફક્ત પતિ સરમેશ સિંહ, રાહત ઇન્દોરીના નામથી ચાલી રહેલા હેન્ડલ અને સિંગાપુરના અખબાર 'ધ સ્ટ્રેટ્સ ટાઇમ્સ'ને ફોલો કરે છે.
રોહિણી એ દીકરી છે, જેની એક કિડની પર લાલુ પોતાનું બીજું જીવન જીવી રહ્યા છે. રોહિણીએ છપરાના સારણથી લોકસભા ચૂંટણી પણ લડી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા રાજીવ પ્રતાપ રૂડી સામે તેમને બહુ ઓછા માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, હાલ પતિ અને બાળકો સાથે સિંગાપુરમાં રહેતી રોહિણી વિધાનસભાની ચૂંટણી લડે તેવી અટકળો ચાલી રહી છે. પરંતુ રોહિણીએ રવિવારે (21 સપ્ટેમ્બર) સ્પષ્ટતા કરી હતી કે, તેમનો વિધાનસભા કે રાજ્યસભામાં જવાનો કોઈ ઈરાદો નથી, ન તો તેઓ કોઈને ટિકિટ અપાવવા માંગે છે, ન તો તેઓ પાર્ટી કે સરકાર બનાવાના કિસ્સામાં કોઈ પદ ઇચ્છે છે. તેમના માટે આત્મસન્માન સર્વોપરી છે.
સંજય યાદવના કારણે પરિવારમાં આંતરિક વિખવાદ
લાલુ યાદવના પરિવારમાં સંજય યાદવને લઈને લાંબા સમયથી અસંતોષ ચાલી રહ્યો છે. સંજય યાદવના કારણે પરિવારના બાકીના સભ્યોની પાર્ટીમાં પકડ અને પ્રભાવ બંને ગુમાવી દધા છે. પછી ભલે તે મીસા ભારતી હોય, તેજ પ્રતાપ યાદવ હોય કે હવે રોહિણી આચાર્ય હોય. વર્ષોથી, સંજયે એક એવી વ્યવસ્થા સ્થાપિત કરી છે જે પાર્ટી અને તેજસ્વીની છબી પર લાલુના પ્રભાવને ઓછો કરે છે. લાલુ દ્વારા સ્થાપિત અને હજુ પણ તેમના નામે ચાલતું પાર્ટીનું આ સંચાલન, પરિવારમાં આંતરિક વિખવાદનું કારણ બની ગયું છે.
આ પણ વાંચોઃ ભીડ નિયંત્રણ માટે કેન્દ્ર સરકારે બનાવી નવી ગાઈડલાઈન, હિંસાના સંભવિત કારણો પણ જણાવ્યા
સંજય પર કર્યા પ્રહાર
તેજ પ્રતાપ યાદવ સંજયનું નામ લીધા વિના તેમને 'જયચંદ' કહીને તેમના પર પ્રહાર કર્યા હતા. પરંતુ અનુષ્કા યાદવ સાથેના તેમના અફેરની વાત સામે આવ્યા બાદ તેમને પાર્ટી અને પરિવારમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. મોટી દીકરી મીસા ભારતીએ પરિસ્થિતિ સમજી લીધી છે અને સ્વીકાર્યું કે તેમની જગ્યા દિલ્હીમાં છે.
દિલ્હી જશે રોહિણી?
સૂત્રોનું કહેવું છે કે, રોહિણીને દિલ્હીમાં કોઈ રસ નથી અને તે નોમિનેટ ક્વોટા દ્વારા કોઈપણ ગૃહમાં પ્રવેશ કરવા માંગતી નથી. હાલ, વિધાનસભા ચૂંટણી દ્વારા લાલુ પરિવારમાંથી કોઈનો ગૃહમાં પ્રવેશ તેજસ્વી માટે કોઈ પડકાર નથી, પરંતુ ભ્રષ્ટાચારના કેસોમાં વધુ કાર્યવાહી કરવામાં આવે તો ચિંતા વધી શકે છે.