‘નવી તકો... GSTમાં ઘટાડો...’ 50% ટેરિફનો સામનો કરવા સરકારની શું છે તૈયારી? પિયુષ ગોયલે જણાવ્યો પ્લાન
US-India Tariff : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય નિકાસ પર 50 ટકા ટેરિફ ઝિંકવામાં આવ્યા બાદ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલે કહ્યું કે, ભારત આ એકતરફી કાર્યવાહીને પહોંચી વળવા માટે અનેક મહત્ત્વના પગલાઓ ભરી રહ્યું છે. સરકાર નિકાસકારોને મદદ કરવા માટે અનેક દેશો સાથે ડીલ પર ચર્ચા કરી રહી છે. આ ઉપરાંત GSTમાં મોટા ઘટાડાનો પ્રસ્તાવ પણ લાવવાની તૈયારી કરી રહી છે.
40 દેશો સાથે વેપાર સમજૂતી કરવાનો ભારતનો પ્લાન
પિયૂષ ગોયલે (Piyush Goyal) ભારત બિલ્ડકોરના ઉદ્ઘાટન સમારોહમાં નિકાસકારોને સંબોધતાં કહ્યું કે, ‘સરકાર એ સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે કે તમને કોઈ તણાવ કે મુશ્કેલીનો સામનો ન કરવો પડે. વાણિજ્ય મંત્રાલય વૈશ્વિક સ્તરે નવા વેપાર કરારો માટે સક્રિયપણે પ્રયાસ કરી રહ્યું છે. ભારતના ટેક્સટાઇલ સહિત અનેક સેક્ટરો પર ટેરિફની અસરો ઘટાડવા માટે ભારત બ્રિટન, યુએઈ, રશિયા, જાપાન અને દક્ષિણ કોરિયા સહિત 40 દેશો સાથે વેપાર સમજૂતી કરવાની પ્લાન બનાવી રહ્યું છે.
GSTમાં ઘટાડાનો સંકેત અને સ્થાનિક વપરાશને પ્રોત્સાહન
આ દરમિયાન ગોયલે સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ કરવા માટે અને તેને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, આગામી સપ્તાહે યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં તેમાં મોટી રાહત આપવાનો પ્રસ્તાવ રજૂ થઈ શકે છે. આ ફેરફારોની અસર નિકાસકારોને ટૂંક સમયમાં જ જોવા મળશે. આ પગલાંનો હેતુ ટેરિફથી પ્રભાવિત ઉદ્યોગોને સ્થાનિક બજારમાં રાહત આપવાનો છે.