Get The App

રામ સેતુને રાષ્ટ્રીય સ્મારકનો દરજ્જો આપવાની માગ મુદ્દે સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને નોટિસ

Updated: Aug 29th, 2025

GS TEAM

Google News
Google News
રામ સેતુને રાષ્ટ્રીય સ્મારકનો દરજ્જો આપવાની માગ મુદ્દે સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને નોટિસ 1 - image


Ram Setu National Monument Case in Supreme Court : રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબ્રમણ્યમ સ્વામીએ આ મામલે સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરી છે. અરજીમાં દલીલ કરાઈ છે કે, 2023માં સુપ્રીમ કોર્ટે તેમને કેન્દ્ર સરકારને આવેદનપત્ર આપવાનું કહ્યું હતું. તેમણે બે વખત સરકારને આવેદનપત્ર આપ્યું, પરંતુ તેના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આથી, સુબ્રમણ્યમ સ્વામીએ કોર્ટને આ મામલે હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે.

ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વને કારણે કાયમી સંરક્ષણની માંગ

સુબ્રમણ્યમ સ્વામીએ તેમની અરજીમાં જણાવ્યું છે કે, રામ સેતુના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વને જોતાં તેને કાયમી સંરક્ષણ આપવાની જરૂર છે. ન્યાયાધીશ સંદીપ મહેતાની બેંચે સુબ્રમણ્યમ સ્વામીના વરિષ્ઠ વકીલ વિભા દત્ત મખીજાની દલીલો સાંભળ્યા બાદ અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે.

આ પણ વાંચો : બાબા કેદારનાથના રુદ્રપ્રયાગમાં આભ ફાટતાં તબાહી, જળપ્રલયમાં અનેક વાહનો વહી ગયા, 6 ગુમ

રામ સેતુનો ઇતિહાસ?

રામ સેતુ અથવા એડમ્સ બ્રિજ એ ભારત અને શ્રીલંકા વચ્ચેના દરિયામાં આવેલી ચૂનાના પથ્થરોની એક સાંકળ છે. આ પુલ તમિલનાડુના દક્ષિણ-પૂર્વીય કિનારે આવેલા પમ્બન ટાપુ અને શ્રીલંકાના ઉત્તર-પશ્ચિમ કિનારે આવેલા મન્નાર ટાપુને જોડે છે. ભૂસ્તરશાસ્ત્રીઓનું માનવું છે કે એક સમયે આ સાંકળ સંપૂર્ણપણે સમુદ્રની સપાટીથી ઉપર હતી, જેના કારણે પગપાળા શ્રીલંકા સુધી જઈ શકાતું હતું. હિંદુ ધર્મમાં આને ભગવાન રામની વાનર સેના દ્વારા નિર્મિત સેતુ માનવામાં આવે છે. પશ્ચિમી વિશ્વમાં તેને 'એડમ્સ બ્રિજ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

અગાઉ રામ સેતુ તોડવા મામલે વિવાદ થયો હતો

કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારના શાસનકાળમાં સેતુ સમુદ્રમ પ્રોજેક્ટ શરુ થયો હતો. પ્રોજેક્ટ હેઠળ જહાજોની આવન-જાવન માટે નવો માર્ગ બનાવવા રામ સેતુને તોડવાનો હતો. જોકે, સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ આ પ્રોજેક્ટ અટકાવાયો હતો. ત્યારબાદ 2014માં એનડીએ સત્તા પર આવી પછી સરકારે સુપ્રીમ કોર્ટને ખાતરી આપી કે, રામ સેતુને કોઈ નુકસાન પહોંચાડવામાં આવશે નહીં અને તેના માટે વૈકલ્પિક માર્ગ શોધવામાં આવશે. જોકે, રામ સેતુને રાષ્ટ્રીય સ્મારકનો દરજ્જો આપીને કાયમી સંરક્ષણ આપવા પર કેન્દ્ર સરકારે હજુ સુધી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી, જે આ વિવાદનો મુખ્ય મુદ્દો છે.

આ પણ વાંચો : ટ્રમ્પ ભારત સામે નારાજ હોવાનું કારણ આવ્યું સામે, રિપોર્ટમાં પાકિસ્તાનના મુદ્દાનો પણ ઉલ્લેખ

Tags :