PM મોદી અને ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત, ટ્રેડ ડીલની વાટાઘાટો વચ્ચે આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

India-US Relations : ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા ઘણા સમયથી વેપાર તણાવ ચાલી રહ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોન પર વાત કરી છે. બંને દેશો વચ્ચે વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં વધારો થયો છે, જેને લઈને બંને નેતાઓએ ચર્ચા કરી છે. વડાપ્રધાન મોદી-ટ્રમ્પે વેપાર, મહત્વપૂર્ણ ટેકનોલોજી, ઊર્જા, સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રોમાં ભાગીદારી વધારવા માટે ચર્ચા-વિચારણા કરી છે. બંને નેતાઓ પડકારોનું નિરાકરણ લાવવા માટે અને એકબીજાના હિતોને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવા માટે સંમત થયા છે.
બંને દેશો વચ્ચે વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી
બંને નેતાઓએ ભારત-અમેરિકાના વચ્ચે વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં વધારો થતા સંતોષ વ્યક્ત કર્યો છે. એટલું જ નહીં દ્વિપક્ષીય ભાગીદારી તમામ ક્ષેત્રોમાં વધુ મજબૂત થતા ખુશી વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે દ્વિપક્ષીય વેપાર વધારવાના પ્રયાસોની ગતિ જાળવી રાખવા પર ભારપૂર્વક ચર્ચા કરી છે.
આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમો પર પણ ચર્ચા કરી
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને માહિતી આપી છે કે, ‘રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સાથે મિત્રતાભરી અને લાભદાયી વાતચીત થઈ છે. અમે દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિ અંગે સમીક્ષા કરી છે તેમજ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમો પર પણ ચર્ચા કરી છે. ભારત અને અમેરિકા વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સ્મૃદ્ધિ માટે સાથે મળીને કામ કરતા રહેશે.’

