સરહદી ગામડાં ટુરિઝમના નવા કેન્દ્ર... અરુણાચલમાં PM મોદીના હસ્તે 5100 કરોડના પ્રોજેક્ટના લોકાર્પણ
PM Modi in Arunachal Pradesh: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે 5100 કરોડ રૂપિયાની માળખાગત પ્રોજેક્ટ્સનું અનાવરણ કરવા અરુણાચલ પ્રદેશ પહોંચ્યા. તેમણે વર્ચ્યુઅલ માધ્યમથી શિયોમી જિલ્લામાં બે પ્રમુખ જળવિદ્યુત પરિયોજના અને તવાંગમાં એક કન્વેન્શન સેન્ટરની આધારશિલા મૂકી. આ દરમિયાન તેમણે કહ્યું કે, 'અરુણાચલની મારા આ યાત્રા વિશેષ બની ગઈ છે. નવરાત્રિના પહેલા દિવસે મને આટલા સુંદર પહાડ જોવા મળ્યા. આજે આવનારી પેઢીના જીએસટી સુધારા લાગુ થઈ ગયા છે. જીએસટી બચત ઉત્સવ શરુ થઈ ગયો છે. અરુણાચલને વીજળી, સ્વાસ્થ્ય, પર્યટન અને અનેક અન્ય વિસ્તારની પરિયોજના આપવામાં આવી છે.'
અરુણાચલનો પહેલો રંગ કેસરીઃ વડાપ્રધાન મોદી
અરુણાચલમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'જેમ તિરંગાનો પહેલો રંગ કેસરી છે, તેમ જ અરુણાચલનો પહેલો રંગ કેસરી છે. આ ભૂમિ વીરતાની ભૂમિ છે. અહીં દરેક વ્યક્તિ સાહસ અને શાંતિનું પ્રતિક છે. જો કે, અરુણાચલ પ્રદેશ જ એ જગ્યા છે, જ્યાં સૂર્યની કિરણ સૌથી પહેલાં પડે છે. પરંતુ, તેજ વિકાસની કિરણ અહીં પહોંચવામાં અનેક દાયકા લાગી ગયા. તે સમયે દિલ્હીથી દેશ ચલાવનારા લોકો હંમેશા અરુણાચલને અવગણતા હતા. કોંગ્રેસ જેવી પાર્ટીને લાગતુ હતું કે, આટલા ઓછા લોકો છે અને લોકસભાની પણ ફક્ત બે બેઠક છે, તો અરુણાચલ પર ધ્યાન કેમ આપવું? કોંગ્રેસની આ માનસિકતાએ અરુણાચલ અને આખા પૂર્વોત્તરને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે.'
'અમે ઉત્તરપૂર્વીય આઠ રાજ્યોને અષ્ટલક્ષ્મીના રૂપે પૂજીએ છીએ
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, 'કોંગ્રેસની એક જૂની આદત છે કે, વિકાસનું જે કામ અઘરું હોય છે તે કામને હાથ જ ન લગાડવો. કોંગ્રેસની આ આદતથી ઉત્તરપૂર્વને ખૂબ નુકસાન પહોંચાડ્યું. જ્યાં વિકાસ કાર્ય કરવું પડકાર હોય છે, તેને કોંગ્રેસ પછાત જાહેર કરીને ભૂલી જાય છે. જે સરહદથી અડેલા ગામ હતા, તેમને લાસ્ટ વિલેજ કહીને છટકી જાય છે. આ જ કારણ છે કે, સરહદી વિસ્તારથી લોકો પલાયન કરે છે. અમે નોર્થ ઈસ્ટના આઠેય રાજ્યને અષ્ટલક્ષ્મીની જેમ પૂજીએ છીએ. તેથી, આ વિસ્તારને વિકાસમાં પાછળ ન મૂકી શકાય. અહીં વિકાસ માટે કેન્દ્ર સરકાર વધુમાં વધુ ખર્ચ કરી રહી છે.
નવી પરિયોજનાનો શુભારંભ
વડાપ્રધાન સવારે હોલોંગીના ડોનયી પોલો ઍરપોર્ટ પર ઉતર્યા અને હેલિકોપ્ટરથી ઈટાનગર સ્થિત રાજભવન માટે રવાના થયા. તેમણે કનેક્ટિવિટી, આરોગ્ય અને અગ્નિ સુરક્ષા સહિત વિવિધ ક્ષેત્રોમાં ₹1,290 કરોડથી વધુના અન્ય અનેક માળખાગત પ્રોજેક્ટ્સનો પણ શુભારંભ કરાવ્યો. રાજ્યપાલ કેટી પારનાયક, મુખ્યમંત્રી પેમા ખાંડુ અને કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. વડાપ્રધાને કહ્યું કે, આ જે પરિયોજનાની શરુઆત કરવામાં આવી છે, તે ડબલ એન્જિન સરકારના બમણા લાભનું ઉદાહરણ છે.