PM મોદીજી પહેલાં તમે એક્શન લો, પછી અમે... અરવિંદ કેજરીવાલે 'સ્વદેશી ખરીદો' અપીલની કરી ટીકા
Arvind Kejriwal Jabs PM Modi: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAPના ચીફ કન્વિનર અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સ્વદેશી ખરીદો' પ્રોડક્ટ્સનો હુંકાર કરતાં પત્રની ટીખળ કરી છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન તમામને સ્વદેશી સામાન ખરીદવા માટે અપીલ કરી રહ્યા છે, પરંતુ તેઓ જે વિદેશી એરક્રાફ્ટમાં મુસાફરી કરે છે, વિદેશી સામાન વાપરે છે, તેનું શું?
કેજરીવાલે PM ને આડે હાથ લીધા
અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી છે કે, 'તમે પોતે જ સ્વદેશી પ્રોડક્ટ્સ વાપરવાની શરૂઆત કેમ નથી કરતાં? તમે રોજિંદા વિદેશી એરક્રાફ્ટમાં મુસાફરી કરો છો, તે બંધ કેમ નથી કરતાં? તમે રોજિંદા જીવનમાં જે વિદેશી સામાન વાપરો છો, તેનો ત્યાગ કેમ નથી કરતાં? ભારતમાં ચાલતી ચાર અમેરિકન કંપનીઓ કેમ બંધ કરાવતા નથી? ટ્રમ્પ રોજે ભારત અને ભારતીયોનું અપમાન કરે છે. તમે પણ કંઈક કરો, અમે વડાપ્રધાન પાસે પણ એક્શનની અપેક્ષા રાખીએ છીએ, પ્રવચનની નહીં.'
આ પણ વાંચોઃ 'PoK આપમેળે ભારતમાં ભળી જશે...' વિદેશની ધરતી પરથી રાજનાથનો પાકિસ્તાનને કડક મેસેજ
ગઈકાલે આત્મનિર્ભર બનવા કરી હતી અપીલ
વડાપ્રધાન મોદીએ ગઈકાલે રવિવારે સાંજે પાંચ વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધનમાં નાગરિકોને આત્મનિર્ભર બનવા તેમજ વિદેશી પ્રોડ્કટ્સ પર નિર્ભરતા ઘટાડવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, આપણે સૌએ ગર્વ સાથે કહેવું જોઈએ કે, હું સ્વદેશી ખરીદ્યું છું. સ્વદેશી ખરીદવાની અપીલની સાથે મોદીએ જીએસટી 2.0 લાગુ થવાની પણ જાહેરાત કરી હતી. આજે 22 સપ્ટેમ્બર, 2025થી જીએસટીમાં મોટા સુધારા અમલી બન્યા છે. જે ગ્રાહકોને મોટી રાહત આપશે. તેમજ સ્થાનિક વપરાશ અને ઉત્પાદનને પણ વેગ આપશે.
My address to the nation. https://t.co/OmgbHSmhsi
— Narendra Modi (@narendramodi) September 21, 2025
વડાપ્રધાને X પર જણાવ્યું હતું કે, આ વખતે નવરાત્રિનો પવિત્ર તહેવાર ખાસ છે. જીએસટી બચતો સાથે તહેવારની શરૂઆત થઈ છે. આ સમય આત્મનિર્ભરના મંત્ર સાથે નવી ઉર્જા આપશે. ચાલો સાથે મળી આપણે આત્મનિર્ભર અને વિકસિત ભારતનું મિશન હાંસલ કરીએ. જીએસટી 2.0 ફ્રેમવર્કમાં જીએસટી સ્લેબ ઘટાડી 5 ટકા અને 18 ટકા કરવામાં આવ્યો છે. તેમજ અલ્ટ્રા લકઝરી અને સીન ગુડ્સ પર 40 ટકા જીએસટી લાગુ કર્યો છે.