અમદાવાદ પ્લેન ક્રેશમાં તપાસની નિષ્પક્ષતા પર હવે સુપ્રીમ કોર્ટની નજર, કહ્યું- પાયલટનો વાંક કાઢવો કમનસીબી
Supreme Court On Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશ તપાસ રિપોર્ટ લીક થવા મામલે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. તપાસ રિપોર્ટ લીક થયા બાદ કેટલાક મીડિયા અહેવાલમાં પાયલટનો વાંક કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જેને લઈને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ઘટનામાં પાયલટનો વાંક કાઢવો કમનસીબી કહેવાય. જે બાદ હવે સમગ્ર ઘટનાની સ્વતંત્ર તપાસની નિષ્પક્ષતા પર સુપ્રીમ કોર્ટ સીધી જ નજર રાખશે.
સુપ્રીમ કોર્ટે મૌખિક ધોરણે નોંધ્યું હતું કે, અમદાવાદ પ્લેન ક્રેશની તપાસનો પ્રાથમિક રિપોર્ટ જાહેર કરવો દુર્ભાગ્યપૂર્ણ છે. જ્યાં સુધી સંપૂર્ણ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ગુપ્તતા જાળવવી આવશ્યક છે. ઉલ્લેખનીય છે, સુપ્રીમ કોર્ટમાં 12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ભયાવહ દુર્ઘટના મામલે ચાલી રહેલી તપાસનું નિરીક્ષણ કરવા માટે સ્વતંત્ર કોર્ટની માગણી કરતી અપીલ પર સુનાવણી હાથ ધરાઈ હતી. આ દુર્ઘટનામાં 260 લોકો માર્યા ગયા હતા. જેની સુનાવણી જસ્ટિસ સુર્યકાંત અને એન. કોટિશ્વરસિંહ કરી રહ્યા હતાં.
સુનાવણીના અંતે, કોર્ટે નિષ્ણાત સંસ્થા દ્વારા મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ, ઝડપી અને સ્વતંત્ર તપાસ માટેની મર્યાદિત અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી.
અગાઉ સ્વતંત્ર તપાસની અરજી ફગાવી હતી
ઓગસ્ટમાં, જસ્ટિસ કાંતની આગેવાની હેઠળની બેન્ચે એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એર ઇન્ડિયાની સલામતી તપાસ, જાળવણી પ્રક્રિયાઓ વગેરેની સ્વતંત્ર તપાસની માંગ કરતી PIL ફગાવી હતી. અરજી પાછી ખેંચી લેવામાં આવી હોવાથી અરજી ફગાવી દેવામાં આવી હતી, જો કે, અરજદારને યોગ્ય સમયે યોગ્ય અરજી દાખલ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી હતી.
બીજી તરફ બોઈંગ અને હનીવેલ કંપની પર USAમાં કેસ
એર ઇન્ડિયા ફ્લાઇટ 171ની ભયાનક દુર્ઘટનામાં 260થી વધુ લોકોનાં મોત થયા હતા. આ ઘટના માત્ર એક દુર્ઘટના નહોતી, પરંતુ સુરક્ષા પ્રણાલીઓમાં રહેલી ખામીઓનો ચોંકાવનારો પુરાવો હતો, જેને લીધે મૃતકોના પરિવારોએ હવે અમેરિકા સ્થિત વિમાન નિર્માતા કંપની ‘બોઇંગ’ અને વિમાનના પાર્ટ્સ બનાવતી કંપની ‘હનીવેલ’ સામે કેસ દાખલ કર્યો છે. આ કેસ ફક્ત નાણાકીય વળતર માટે નથી કરાયો, પણ કંપનીઓને તેમની જવાબદારીનું ભાન થાય અને ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને એ માટેનો છે. પરિવારોના દાવા અનુસાર વિમાનના ઇંધણ સ્વીચોમાં ખામી રહેલી હતી. પ્રારંભિક તપાસમાં પણ જાણવા મળ્યું હતું કે, સ્વીચ ‘રન’થી ‘કટ-ઓફ’ સ્થિતિમાં ખસી જતાં એન્જિનને જરૂરી ઇંધણ મળ્યું નહીં. પરિણામે વિમાનને મળતો થ્રસ્ટ બંધ થઈ ગયો અને વિમાન ધરાશાયી થઈ ગયું. આમ વિમાનની ડિઝાઇનમાં રહેલી ખામીને લીધે આ ઘાતક દુર્ઘટના સર્જાઈ હતી.
FAAની સલાહ છતાં કંપનીઓ નિષ્ક્રિય રહી
2018માં અમેરિકાની FAA(ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન)એ ઓપરેટરોને ઇંધણ સ્વીચના લોકિંગ મિકેનિઝમનું નિરીક્ષણ કરવાની સલાહ આપી હતી. પરંતુ, આ સલાહને ફરજિયાત બનાવવામાં આવી નહોતી. તેથી મૃતકોના પરિવારો આક્ષેપ કરે છે કે બોઇંગ અને હનીવેલે જોખમ જાણ્યા છતાં જરૂરી ફેરફાર કર્યા નહીં. એવું કહેવામાં આવે છે કે કંપનીઓએ ન તો એરલાઇન્સને ચેતવણી આપી હતી, ન તો વિકલ્પ રૂપે નવા પાર્ટ્સ ઉપલબ્ધ કરાવ્યા હતા.
વ્યવસાયિક લાભે કોર્પોરેટ બેદરકારી સર્જી
કોર્ટ કેસ કરનાર પરિવારોનું કહેવું છે કે, બોઇંગ અને હનીવેલે વ્યવસાયિક લાભને પ્રાથમિકતા આપીને મુસાફરોની સલામતી સાથે સમાધાનકારી વલણ અપનાવ્યું હતું. સલામતીના મુદ્દે ગંભીર પગલાં ભરવાના બદલે તેમણે માત્ર એક આછીપાતળી સલાહ આપી દીધી હતી. તેમની આવી કોર્પોરેટ બેદરકારી હવે કાનૂની પડકાર રૂપે તેમના સામે ઊભી થઈ છે.