PM મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત ! આશિયાન શિખર સંમેલનના મંચ પર સાથે જોવા મળવાની સંભાવના
PM Modi-Donald Trump ASEAN Summit : અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ ઝિંક્યા બાદ બંને દેશોના સંબંધોમાં તાજેતરમાં ઊભી થયેલી કડવાશ બાદ હવે બંને દેશોના નેતાઓ ફરી એક મંચ પર જોવા મળી શકે છે. ટેરિફ વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આશિયાન શિખર સંમેલનમાં સાથે જોવા મળી શકે છે.
આશિયાન શિખર સંમેલનમાં મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાતની સંભાવના
ઓક્ટોબર મહિનામાં મલેશિયાના પાટનગર કુઆલાલંપુર ખાતે યોજાનારા આશિયાન શિખર સંમેલનમાં પીએમ મોદી (PM Narendra Modi) અને ટ્રમ્પ (US President Donald Trump) વચ્ચે મુલાકાત થવાની સંભાવના છે. આ બેઠક 26થી 28 ઓક્ટોબર યોજાશે. ટ્રમ્પ ભાગ લેવાના હોવાની પુષ્ટિ થઈ ગઈ છે અને પીએમ મોદી સામાન્ય રીતે આ સમિટમાં ભાગ લેતા હોવાથી 26 ઓક્ટોબરે તેમની મુલાકાત થઈ શકે છે.
અમેરિકાએ ભારત પર ભારે ટેરિફ ઝિંકતા વિવાદ
ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવાના મુદ્દે ભારત પર કુલ 50%નો ભારે ટેરિફ ઝિંકેલો છે. આ કારણે ભારતની ઘણી ઇન્ડસ્ટ્રીઝ અને નિકાસ પર અસર પડી હતી. આ ટેરિફના વિવાદો વચ્ચે ટ્રમ્પે એક નિવેદન આપીને કહ્યું હતું કે, ‘એવું લાગે છે કે અમે ભારતને ચીનના હાથમાં ગુમાવી દીધું છે.’
આ પણ વાંચો : ટ્રમ્પના કારણે અમેરિકાની અધોગતિ, બેરોજગારી-મોંઘવારી વધી, વીજળીની કિંમતો આસમાને
ટ્રમ્પનું હૃદય પરિવર્તન, PM મોદીના વખાણ કર્યા
જોકે, હવે અચાનક ટ્રમ્પનું હૃદય પરિવર્તન થયું છે. તેમણે પીએમ મોદીને શાનદાર વડાપ્રધાન અને સારા મિત્ર ગણાવ્યા હતા. રાજકીય નિષ્ણાતો માને છે કે આ વલણ બદલવાનું મુખ્ય કારણ SCO શિખર સંમેલન છે. આ સમિટમાં પીએમ મોદી, રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ વચ્ચે જે રીતે મિત્રતા જોવા મળી, તેનાથી ટ્રમ્પનું ટેન્શન વધ્યું હોવાની ચર્ચાઈ રહ્યું છે અને આ જ કારણે તેઓ બગડેલાના સંબંધોને સુધારવાના પ્રયાસોમાં લાગી ગયા હોવાનું કહેવાઈ રહ્યું છે.
જો મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત થશે તો ભારત અને અમેરિકાના સંબંધોમાં ફરી સારી નવી શરૂઆતના સંકેત છે.