ટ્રમ્પના કારણે અમેરિકાની અધોગતિ, બેરોજગારી-મોંઘવારી વધી, વીજળીની કિંમતો આસમાને
US Unemployment And Inflation Data : રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફરી સત્તામાં આવ્યાના માત્ર સાત મહિનામાં જ અમેરિકનો ભયાનક સંકટનો સામનો કરી રહ્યા હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. અહીં ટ્રમ્પની સત્તામાં એન્ટ્રી થતાં અને ટેરિફના કારણે અમેરિકનો માઠી દશાનો સામનો કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ ટ્રમ્પ નીતિઓના કારણે ‘જોબ માર્કેટ’ કડડભૂસ થઈ ગયું છે. એટલું જ નહીં, બેરોજગારી, મોંઘવારી અને વીજળી સહિતની કિંમતો આસામાને પહોંચી ગઈ છે.
ટ્રમ્પને જ ભારે પડી ટેરિફ સહિતની નીતિ, અમેરિકનોની વધારી મુશ્કેલી
ટ્રમ્પ નીતિના કારણે અમેરિકામાં નવી નોકરીઓનું સર્જન લગભગ અટકી ગયું છે અને મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે. શુક્રવારે જાહેર થયેલા ઑગસ્ટ મહિનાના જોબ્સ રિપોર્ટ મુજબ, માત્ર 22000 નવી નોકરીઓનું સર્જન થયું, જે અપેક્ષા કરતાં ખૂબ ઓછું છે. આ ઉપરાંત બેરોજગારીનો દર છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ 4.3 ટકા પર પહોંચ્યો છે. આ ડેટા ટ્રમ્પે અનેક દેશો પર ટેરિફ લાદવાની નીતિ અપનાવ્યા બાદ સામે આવ્યા છે.
ટ્રમ્પ નિષ્ફળ ગયા, નોકરીઓ ગઈ, અર્થતંત્ર ધીમું પડ્યું
રિપોર્ટ મુજબ, ડિસેમ્બર 2020 બાદ પહેલીવાર એવું થયું છે કે, જૂન મહિનામાં અમેરિકામાંથી 13000 નોકરીઓ ઘટી ગઈ છે. ફેક્ટરીઓ અને બાંધકામ ક્ષેત્રમાં નોકરીઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એપ્રિલમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ટેરિફ પોલિસીના કારણે નોકરીઓ અને ફેક્ટરીઓમાં વધારો થશે, જોકે ત્યારથી મેન્યુફેક્ચરિંગમાં 42000 અને બાંધકામ સેક્ટરમાં 8000 નોકરીઓ જતી રહી છે. 2024માં ટ્રમ્પે અર્થતંત્રને ઊંચાઈ પર લઈ જવાનું પણ વચન આપ્યું હતું, જોકે અર્થતંત્ર ધીમું પડી રહ્યું છે.
ટ્રમ્પે ફેડરલ રિઝર્વના ચેરમેનને જવાબદાર ઠેરવ્યા
ટ્રમ્પે સત્તા સંભાળી હતી, ત્યારે તેમણે પહેલા જ દિવસે વચન આપ્યું હતું કે, મોંઘવારી ખતમ કરવા અને વીજળીના ભાવ અડધા કરીશું. જોકે, એપ્રિલમાં 2.3 ટકાનો વાર્ષિક મોંઘવારી દર જુલાઈમાં વધીને 2.7 ટકા પર પહોંચી ગયો છે. આ વર્ષે વીજળીના ભાવમાં પણ 4.6 ટકાનો વધારો થયો છે. ટ્રમ્પની ટેરિફ પોલિસીના કારણે અનેક કંપનીઓ કિંમતો વધારવા મજબૂર થઈ છે. બીજીતરફ ટ્રમ્પનું વલણ ‘ઉલટા ચોર કોટવાલને દંડે’ જેવું છે. તેમણે ખરાબ આર્થિક ડેટાઓ માટે ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલને જવાબદાર ઠેરવ્યા અને કહ્યું કે, જો વ્યાજ દરો ઘટાડવામાં આવ્યા હોત, તો નોકરીઓ વધી હોત.
ખરાબ જોબ રિપોર્ટ જાહેર કરનાર BLSના કમિશ્નરને ટ્રમ્પે હાંકી કાઢ્યા
ટ્રમ્પે 2024માં કહ્યું હતું કે, ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને બહાર કાઢવાથી બ્લેક જોબ્સ સુરક્ષિત થશે, પરંતુ તેમાં બેરોજગારી દર વધીને 7.5 ટકાએ પહોંચ્યો છે અને આ આંકડો ઑક્ટોબર-2021 પછી સૌથી વધુ છે. તદ્દન નબળા જોબ્સ રિપોર્ટ બાદ ટ્રમ્પે બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સ (BLS)ના કમિશ્નર એરિકાના મેકએન્ટારફરને પદ પરથી હટાવી દીધા હતા. તેમણે કોઈ પણ પુરાવા વગર દાવો કર્યો હતો કે આંકડાઓ સાથે ચેડાં કરવામાં આવ્યા છે.