PM મોદી અને ફ્રાંસના પ્રમુખ મેક્રોનની ટેલિફોનિક વાતચીત, યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટેના પ્રયાસો પર થઈ ચર્ચા
India-France Relations : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (6 સપ્ટેમ્બર) ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓએ ભારત-ફ્રાન્સ વચ્ચેના દ્વિપક્ષીય ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવાના પ્રયાસો અંગે પણ ચર્ચા કરી હતી.
PM મોદીએ મેક્રોન સાથે વાત થઈ હોવાની માહિતી આપી
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે, ‘રાષ્ટ્રપતિ મેક્રોં સાથે ખૂબ જ સારી વાતચીત થઈ. અમે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા અને સકારાત્મક મૂલ્યાંકન કર્યું હતું. અમે યુક્રેનમાં સંઘર્ષને વહેલી તકે સમાપ્ત કરવાના પ્રયાસો સહિત આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું.’
Had a very good conversation with President Macron. We reviewed and positively assessed the progress in bilateral cooperation in various areas. Exchanged views on international and regional issues, including efforts for bringing an early end to the conflict in Ukraine. The…
— Narendra Modi (@narendramodi) September 6, 2025
બે દિવસ પહેલા પીએમ મોદી અને EUના ચીફ સાથે વાતચીત થઈ હતી
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી (PM Narendra Modi) અને મેક્રોન (French President Emmanuel Macron) વચ્ચે ટેલિફોનિક વાતચીત થયાના બે દિવસ પહેલા તેમની અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વૉન ડેર લેયેન વચ્ચે પણ વાતચીત થઈ હતી. વૉન ડેર લેયેને કહ્યું હતું કે, ત્રણ વર્ષથી ચાલી રહેલા રશિયા-યુક્રેનના યુદ્ધને સમાપ્ત કરાવવામાં ભારતની મહત્વની ભૂમિકા છે. અમે રાષ્ટ્રપતિ વલોદિમીર ઝેલેન્સ્કી અને ભારત વચ્ચેના સતત સહયોગનું સ્વાગત કરીએ છીએ. યુક્રેનમાં રશિયાને તેના આક્રમક યુદ્ધને સમાપ્ત કરવામાં અને શાંતિનો માર્ગ બનાવવામાં મદદ કરવા માટે ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા છે.’
PM મોદી ઝેલેન્સ્કી અને પુતિનના સંપર્કમાં
ભારત હંમેશા શાંતિની પહેલ કરતું આવ્યું છે. વડાપ્રધાન મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ વલોદિમીર ઝેલેન્સ્કી (Ukraine President Volodymyr Zelenskyy) અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin) બંનેના સતત સંપર્કમાં છે. તેમણે ઘણી વખત વાતચીત અને કૂટનીતિ દ્વારા યુદ્ધનો અંત લાવવા માટે અપીલ કરી છે. ગયા મહિને ચીનના તિયાનજિનમાં આયોજિત SCO સમિટમાં મોદીએ પુતિન સાથે મુલાકાત કરી હતી. ચીન પ્રવાસ પહેલા તેમણે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.