VIDEO: સુશીલા કાર્કીને વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા, કહ્યું- 'નેપાળ ભારતનું ખૂબ નજીકનું મિત્ર'
PM Modi Congratulates Sushila Karki: નેપાળમાં પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કીએ 12 સપ્ટેમ્બર, 2025ના દિવસે વચગાળાની સરકારમાં કાર્યકારી વડાપ્રધાનના રૂપે શપથ લીધા. ત્યાર બાદ નેપાળને નવા વડાપ્રધાન મળતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુશીલા કાર્કીને શુભકામના આપતાં નેપાળમાં શાંતિ અને સ્થિરતાની આશા વ્યક્ત કરી હતી.
નેપાળ ભારતનું ખૂબ નજીકનું મિત્ર: વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુર પ્રવાસ દરમિયાન નેપાળની હાલની રાજનીતિક ઘટનાઓ અને વચગાળાની સરકાર અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે, 'નેપાળ ભારતનું ખૂબ નજીકનું મિત્ર છે અને બંને દેશો વચ્ચે સંબંધોને જોડનારો સહિયારો ઇતિહાસ અને સંસ્કૃતિ છે. તેમણે નેપાળની વચગાળાની સરકારના વડાપ્રધાન સુશીલા કાર્કીને પદ ગ્રહણ કરવાને લઈને 140 કરોડ ભારતીય તરફથી શુભેચ્છા પાઠવી. વડાપ્રધાન મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેઓ નેપાળમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિનો માર્ગ બનાવશે.'
સુશીલા કાર્કી મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ: વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર (13 સપ્ટેમ્બર, 2025) ના રોજ સુશીલા કાર્કીને નેપાળના પ્રથમ મહિલા વડાંપ્રધાન બનવા બદલ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું. તેમણે નેપાળના લોકોની પ્રશંસા કરી અને કહ્યું કે મુશ્કેલ અને અસ્થિર પરિસ્થિતિઓમાં પણ ત્યાંના લોકોએ લોકશાહી મૂલ્યોને સર્વોપરી રાખ્યા છે.
નેપાળમાં બદલાતી વિચારસરણી અને ઉજ્જવળ ભવિષ્યના સંકેતો દેખાય છે: વડાપ્રધાન મોદી
મણિપુરમાં પોતાનું સંબોધન કરતી વખતે વડાપ્રધાન મોદીએ બીજા એક રસપ્રદ પાસાંનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી નેપાળના યુવાનો અને મહિલાઓ શેરીઓમાં સફાઈ અને રંગકામ કરી રહ્યા છે. આ પ્રયાસ નેપાળના બદલાતા નવા વિચાર અને ઉજ્જવળ ભવિષ્ય તરફ એક મજબૂત સંકેત છે. અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના લોકો અને નવી સરકારને અભિનંદન આપ્યા અને કહ્યું કે, ભારત હંમેશા નેપાળ સાથે કદમથી કદમ મિલાવીને ચાલશે.
ભારત નેપાળના લોકોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ: વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ એક્સ પર પોસ્ટ કરી સુશીલા કાર્કીને શુભકામના પાઠવી હતી. તેમણે કહ્યું કે, ભારત નેપાળના લોકોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છે.
આ પણ વાંચોઃ VIDEO: હિમાચલના બિલાસપુરમાં આભ ફાટ્યું, અનેક વાહનો કાટમાળમાં દટાયા, માર્ગો ધોવાયા
સોશિયલ મીડિયા પ્રતિબંધથી શરુ થયો વિરોધ
સોશિયલ મીડિયા પર લગાવેલા પ્રતિબંધના વિરોધમાં શરુ કરવામાં આવેલા જેન-ઝી આંદોલને ધીમે-ધીમે ભ્રષ્ટાચાર સામે મોટા આંદોલનનું રૂપ લઈ લીધું હતું. આ આંદોલનમાં સીધી રીતે ઓલી સરકારને નિશાનો બનાવવામાં આવી હતી. વિરોધ વધતાં દેખાવકારો પર પોલીસ દ્વારા ફાયરિંગની કાર્યવાહી કરવામાં આવી, જેમાં 20થી વધુ લોકોના મોત થયા હતા, આ મૃતકોમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ હતા. વધતાં દબાણ અને જનવિરોધને લઈને ઓલીને રાજીનામું આપવું પડ્યું હતું.
નેપાળમાં 50થી વધુ લોકોના મોત
વડાપ્રધાન ઓલીના રાજીનામા બાદ પણ દેશમાં હિંસા અટકી ન હતી. મંગળવારે કાઠમાંડુ સહિત અનેક શહેરોમાં ઉગ્ર ભીડે ભારે ઉપદ્રવ મચાવ્યો હતો. દેખાવકારોએ સંસદ ભવન, રાજકીય નેતાઓના આવાસ અને અન્ય સરકારી ઇમારતોને આગ ચાંપી દીધી હતી. સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે સેનાને હસ્તક્ષેપ કરવો પડ્યો. આ દરમિયાન 50થી વધુ લોકોના મૃત્યુ થયા હતા.
આ પણ વાંચોઃ હિંસા ભડક્યાંના બે વર્ષ બાદ પહેલીવાર આજે PM મોદી મણિપુર પહોંચ્યા, ચુરાચાંદપુર જવા રવાના
વિદેશ મંત્રાલયે નેપાળ વિશે શું કહ્યું?
ભારતીય વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, નેપાળ ભારતના પાડોશી દેશ છે. લાંબા સમયથી નેપાળ ભારતનો સહભાગી રહ્યું છે. ભારત-નેપાળ સાથે મળીને બંને દેશ અને તેમના નાગરિકોની સમૃદ્ધિ અને ભલાઈ માટે કામ કરતું રહેશે. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળની વર્તમાન સ્થિતિ પર ચર્ચા માટે સુરક્ષા મામલે કેબિનેટ સમિતિ બેઠકની અધ્યક્ષતા કરી હતી.