Get The App

મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ! PM મોદીએ કહ્યું- અમે મક્કમતાથી UAEની પડખે ઊભા છીએ

Updated: May 5th, 2026

GS TEAM

Google News
Google News
મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ! PM મોદીએ કહ્યું- અમે મક્કમતાથી UAEની પડખે ઊભા છીએ 1 - image

PM Modi Condemns UAE Attack : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાત-UAE પર થયેલા હુમલાઓની આકરા શબ્દોમાં નિંદા કરી છે. આ હુમલામાં 3 ભારતીય નાગરિકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા બાદ વડાપ્રધાને નાગરિકો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલાઓને અસ્વીકાર્ય ગણાવ્યા છે.

વડાપ્રધાન મોદીનું નિવેદન: અમે UAEની પડખે
વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કરીને કહ્યું છે કે, ભારત આ મુશ્કેલ સમયમાં UAE સાથે મક્કમતાથી ઊભું છે. આ સાથે જ તેમણે ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતા માટે વાતચીત પર ભાર મૂક્યો હતો.

વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, 'UAE પર થયેલા હુમલાની સખત નિંદા કરું છું, જેમાં ત્રણ ભારતીય નાગરિકો ઘાયલ થયા છે. નાગરિકો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવું અસ્વીકાર્ય છે. ભારત UAE સાથે મક્કમતાથી ઊભું છે અને સંવાદ દ્વારા તમામ મુદ્દાઓના શાંતિપૂર્ણ ઉકેલને સમર્થન આપે છે. પ્રાદેશિક શાંતિ, સ્થિરતા અને વૈશ્વિક ઊર્જા સુરક્ષા માટે હોર્મુઝની ખાડી દ્વારા સુરક્ષિત અને અવરોધ વિનાનું નેવિગેશન સુનિશ્ચિત કરવું અત્યંત મહત્ત્વપૂર્ણ છે.' 

શું છે સમગ્ર ઘટના? યુએઈ પર હુમલામાં 3 ભારતીયો ઘાયલ

UAEના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેમની વાયુસેનાની એર ડિફેન્સ સિસ્ટમે અનેક મિસાઇલો અને ડ્રોનને તોડી પાડ્યા હતા. જોકે, ફૂજૈરાહમાં એક ડ્રોન ત્રાટકતા ઓઇલ ફેસિલિટીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગની ઝપેટમાં આવતા ત્યાં કામ કરી રહેલા 3 ભારતીય નાગરિકો ઘાયલ થયા છે. બીજી તરફ, બ્રિટિશ સેનાએ પણ સમુદ્રમાં બે જહાજોમાં આગ લાગી હોવાની પુષ્ટિ કરી છે.

ભારતના વિદેશ મંત્રાલયે પણ નોંધાવ્યો વિરોધ

હુમલામાં ત્રણ ભારતીય નાગરિકો ઘાયલ થયા હોવાના સમાચારથી ભારત સરકારે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. ભારત અને UAE વચ્ચેના મજબૂત સંબંધો અને પ્રાદેશિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિદેશ મંત્રાલયે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, નાગરિકો અને પાયાની સુવિધાઓને નિશાન બનાવી કરવામાં આવતા આવા હુમલા બિલકુલ અસ્વીકાર્ય છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે આવા હિંસક કૃત્યો તાત્કાલિક બંધ થવા જોઈએ. ભારત આ મુશ્કેલ સમયમાં શાંતિ અને સ્થિરતાનો પક્ષધર છે અને તમામ પક્ષોને સંયમ રાખવા અપીલ કરે છે.

ઈરાને હજુ સુધી આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી

આ મામલે ઈરાને સીધી રીતે હુમલાની જવાબદારી સ્વીકારી નથી. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીના જણાવ્યા અનુસાર, અમેરિકા અને UAEએ સ્થિતિ બગાડવાથી બચવું જોઈએ. ઈરાની સૈન્ય અધિકારીઓએ આક્ષેપ કર્યો છે કે અમેરિકાની સૈન્ય નીતિઓને કારણે આ પ્રદેશમાં તણાવ વધી રહ્યો છે.