Brazil President Will Visit India : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ બોંબ ઝિંકીને સંબંધો બગાડ્યા બાદ અનેકે દેશોનો ભારતની તરફેણમાં ઝુકાવ વધ્યો છે. આ જ ક્રમમાં ભારત એક પછી એક દેશો સાથે સંબંધો વધારી રહ્યું છે. તાજેતરમાં જ સંયુક્ત આરબ અમીરાત(UAE)ના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાને ભારત પ્રવાસે આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ત્યારે હવે બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ ભારત પ્રવાસે આવવાના છે.
PM મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ વચ્ચે થઈ ટેલિફોનિક વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લુઈઝ ઈનાસિયો લૂલા દા સિલ્વા (Brazil President Luiz Inácio Lula da Silva) આજે (23 જાન્યુઆરી) સોશિયલ મીડિયા એક્સ પર માહિતી આપી છે કે, તેઓએ આજે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ ભારત-બ્રાઝિલ દ્વિપક્ષીય એજન્ડા પર ચર્ચા કરવાની સાથે સિલ્વાના ભારત પ્રવાસ અંગે પણ વાતચીત કરી હતી. આ ઉપરાંત બંને દેશો વચ્ચે વેપાર સંબંધ અંગે તેમજ વ્યૂહાત્મક ભાગીદાર પર ચર્ચા કરવામાં આવી હતી.
બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ ભારત ક્યારે આવશે?
બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ સિલ્વા તા.19થી 21 જાન્યુઆરી સુધી ભારતનો પ્રવાસ કરશે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી શકે છે. તેઓ ભારતના રાજકીય પ્રવાસ પર આવવાના છે અને વડાપ્રધાન મોદીએ પોતે તેમને ભારત પ્રવાસનું આમંત્રણ આપ્યું છે.
ભારત-બ્રાઝિલ વચ્ચે કયા મુદ્દે ચર્ચા થશે?
બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ ભારત આવ્યા બાદ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરીને અનેક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે. બંને દેશોની ચર્ચામાં દ્વિપક્ષીય સંબંધો, વેપાર, વૈશ્વિક સ્થિતિ, ગાઝા અને વિશ્વ શાંતિ, બહુપક્ષીયતા, લોકતંત્રની સુરક્ષા, ગ્લોબલ સાઉથ, અમેરિકન ટેરિફ સહિતના મુદ્દા સામેલ છે.
આ પણ વાંચો : યુવક પર જીવલેણ હુમલા બાદ ઉજ્જૈનમાં હિંસા ભડકી, અનેક ઘરો પર પથ્થરમારો; બસમાં આગચંપી
ટ્રમ્પનું વધશે ટેન્શન
સિલ્વાના ભારત પ્રવાસના કારણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમપ્ની ચિંતા વધી શકે છે. કારણ કે અમેરિકાએ ભારત પર મસમોટો ટેરિફ ઝિંક્યા બાદ સિલ્વાએ તેનો જાહેરમાં વિરોધ કર્યો હતો. તેમણે અમેરિકાના ટેરિફને દાદાગીરી ગણાવ્યું હતું. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, બ્રાઝિલ ભારત સાથે છે. આવી સ્થિતિમાં સિલ્વાના ભારત પ્રવાસ દરમિયાન વેપાર ભાગીદારી વધારવા પર ચર્ચા થવાની સંભાવના છે. આમ કરવાથી બ્રાઝિલનું માર્કેટ ભારતીય ઉત્પાદનો માટે ખુલી જશે. અમેરિકાનો ટેરિફ છતાં ભારત પર કોઈ ખાસ અશર થઈ નથી, કારણ કે ટેરિફ છતાં અમેરિકામાં ભારતની આયાત વધી છે. હવે જો ભારત-બ્રાઝિલ વચ્ચે વેપાર ભાગીદારી (India-Brazil Trade Partnership)માં વધારો થશે તો અમેરિકાના ટેરિફની અસર થોડી ઓછી થશે.
UAEના રાષ્ટ્રપ્રમુખ તાજેતરમાં જ ભારત આવ્યા હતા
આ પહેલા UAEના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન 19 જાન્યુઆરીના રોજ ભારતની 4 કલાકની મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ તોડીને દિલ્હીના પાલમ ઍરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. બંને નેતાઓ એક જ કારમાં બેસી સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતાં કહ્યું હતું કે હું મારા ભાઈને લેવા જાતે જ ઍરપોર્ટ પર આવ્યો છું. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્ર પ્રમુખ શેખ ઝાયદ વચ્ચે થયેલી બેઠકની માહિતી આપતા વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું હતું કે વેપારના મોરચે 2022માં બંને દેશોએ વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જે પછી બંને દેશો વચ્ચે 100 બિલિયન ડૉલરનો કારોબાર થયો છે. તેને જોતાં બંને નેતાઓએ લક્ષ્યને વધારવાનો નિર્ણય કર્યો છે. જે 2032 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરી 200 અબજ યુએસ ડૉલર સુધી પહોંચાડવામાં આવશે. આ સાથે એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે MSME ઉદ્યોગો માટે નિકાસને પશ્ચિમ એશિયાઈ, આફ્રિકન અને યુરેશિયન પ્રદેશોમાં તે સરળ બનાવવામાં આવશે'
આ પણ વાંચો : PM મોદીએ કેરળની જનસભામાં અમદાવાદની તુલના તિરુવનંતપુરમ સાથે કરી, જાણો કારણ


