West Bengal Election 2026, PM Modi Rally In Haldia : પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન યોજાવાનું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હલ્દિયામાં જનસભા ગજવીને સત્તાધારી તૃમણૂલ કોંગ્રેસ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સંબોધનમાં બંગાળમાં ભાજપની જીત માટે પ્રજા પાસે આર્શિવાદ માંગ્યા છે. આ સાથે તેમણે બંગાળની પ્રજાને છ ગેરેન્ટી પણ આપી છે.
બંગાળમાં દરેક દુષ્કર્મ કેસ, જૂના કૌભાંડની ફાઇલો ખોલાશે : PM મોદી
પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે, ‘પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર આવતાં જ દરેક દુષ્કર્મ કેસ, જૂના કૌભાંડનો ફાઇલો ફરી ખોલવામાં આવશે અને ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરીદેવામાં આવશે. બંગાળની પ્રજાએ દરેક અડચણો પાર કરીને અને દરેક પડકારોને હરાવવાનું મન બનાવી લીધું છે. આ ચૂંટણી સામાન્ય નથી, પણ રાજ્યમાં બદલાવની એવી આંધી છે, જે ટીએમસી સરકારની વિદાય કરવા માટે પૂરતી છે.
‘આ ચૂંટણી બંગાળનું ખોવાયેલું ગૌરવ પરત લાવવાની લડાઈ’
વડાપ્રધાને એમ પણ કહ્યું કે, બંગાળની આ ચૂંટણી નાની-મોટી ચૂંટણી નથી, પરંતુ બંગાળનું ખોવાયેલું ગૌરવ અને તેની જૂની ઓળખ પરત લાવવાની લડાઈ છે. જો આપણે ખરેખર બંગાળનો વિકાસ કરવાનું સ્વપ્ન પૂરું કરવા માંગીએ છીએ તો સૌથી પહેલા આ નિર્દય સરકારને સત્તામાંથી બહારનો રસ્તો બતાડવો પડશે.
TMCની નીતિએ બંગાળને પાછળ ધકેલી દીધી : વડાપ્રધાન
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ‘આજે આખે દેશ ઝડપી વિકાસ કરી રહ્યો છે, પરંતુ ટીએમસીની નીતિ બંગાળને પાછળ ધકેલી રહી છે. એક સમયે બંગાળ આખા દેશમાં વેપાર અને ઉદ્યોગોમાં મહત્ત્વનું યોગદાન આપતું હતું, પરંતુ આજના સમયમાં બંગાળને ઘણું પાછળ ધકેલી દેવાયું છે. એક સમયે દૂર દૂરથી લોકો હલ્દિયામાં કામ શોધવા આવતા હતા અને આજે અવી સ્થિતિ ઊભી થઈ છે કે, હલ્દિયાના લોકોએ રોજગારી મેળવવા માટે બીજા રાજ્યમાં ભાગવું પડી રહ્યું છે.’
પીએમ મોદીએ જનસભા સંબોધતી વખતે કટાક્ષ કરીને કહ્યું કે, ટીએમસીના રાજમાં રોજગારી આપતી ફેકટરીઓ બંધ થઈ ગઈ છે, જ્યારે ઘૂસણખોરોની ફેકટરીઓ ખૂબ આગળ વધી રહી છે. તેમણે લોકોને યાદ અપાવ્યું કે, સદીઓ પહેલા હલ્દિયા સમૃદ્ધ અને સુખી શહેર હતું, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ત્યાંની ફેકટરીઓમાં તાળા લટકતાં જોવા મળી રહ્યા છે. ત્યારબાદ વડાપ્રધાને લોકોને છ ગેરેન્ટી સમજાવી વચન આપતાં કહ્યું કે, જો રાજ્યમાં ભાજપ સરકાર આવશે તો 6 ગેરેન્ટી પૂરી કરવામાં આવશે.
PM મોદીની છ ગેરેન્ટી
1... ગુંડાગીરી ખતમ, કાયદાનું રાજ : ટીએમસીએ બંગાળમાં ભય અને આતંક ફેલાવીને રાખ્યો છે, તેને ભાજપ ખતમ કરશે અને રાજ્યમાં કાયદા પર વિશ્વાસ સ્થાપિત કરશે.
2... સરકારી સિસ્ટમની જવાબદારી : રાજ્યમાં એવી સરકારી સિસ્ટમ ઊભી કરાશે, જે પ્રજાની સેવા કરવા માટે જવાબદાર રહેશે અને પ્રજાના કામ કોઈપણ અડચણ વગર પૂરા થશે.
3... તમામ ફાઇલો ખોલાશે : ટીએમસીના રાજમાં થયેલા કૌભાંડ, ભ્રષ્ટાચાર અને મહિલાઓ સાથે થયેલ અન્યાય(રેપ કેસ)ની જૂની ફાઇલો ફરી ખોલવામાં આવશે.
4... ભ્રષ્ટાચારીને જેલમાં ધકેલાશે : પ્રજાના પૈસા લૂંટનારાઓને કોઈપણ કિંમતો છોડાશે નહીં. મોદી ભ્રષ્ટાચાર સાખી નહીં લે અને એક-એક ભ્રષ્ટાચારીને જેલમાં ધકેલવામાં આવશે.
5... ઘૂસણખોરોની વિદાય : ભારતની જમીન પર ગેરકાયદે ઘૂસણખોરી કરવાની ક્યારે મંજૂરી અપાશે નહીં, આવા લોકો સામે કડક કાર્યવાહી કરાશે.
6... સરકારી કર્મચારીઓને ભેટ : મોદી અને ભાજપ તમામ સરકારી કર્મચારીઓ પાસે ઊભા છે. બંગાળમાં ભાજપની સત્તા આવતાં જ સાતમો પગાર પંચ લાગુ કરાશે.


