'તાલિબાન સાથે સમજૂતી કરી અફઘાનિસ્તાનનું 'બાગ-રામ' એરબેઝ ફરી હસ્તગત કરાશે' : ટ્રમ્પ
- બ્રિટિશ વડાપ્રધાન સ્ટારમેટ સાથે પત્રકારોને સંબોધતા ટ્રમ્પે કહ્યું તે એર-બેઝ ચીન જ્યાં પરમાણુ શસ્ત્રો બનાવે છે તેનાથી ૧ કલાકના અંતરે છે
વૉશિંગ્ન/ લંડન : પ્રમુખ ટ્રમ્પે ગુરૂવારે એવા સંકેતો આપ્યા હતા કે, 'તાલિબાન સાથે સમજૂતી કરી અફઘાનિસ્તાનનું બાગ-રામ એરબેઝ ફરી હસ્તગત કરવામાં આવશે.' ઇંગ્લેન્ડની સત્તાવાર મુલાકાતે લંડન પહોંચેલા પ્રમુખ ટ્રમ્પે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમેર સાથે ગુરૂવારે સાંજે પત્રકાર પરિષદને સંબોધન કરતા તેઓએ કહ્યું હતું કે, આ પાછળ ચીનનો સામનો કરવાની ગણતરી છે આ કથનને 'બ્રેકિંગ ન્યુઝ' કહેતા ટ્રમ્પે કહ્યું હતુ કે, 'અમે તે પાછું મેળવવા માગીએ છીએ.'
આ તબક્કે પત્રકારોએ યુક્રેન વિષે પૂછતાં તે અંગે જવાબ આપવાને બદલે ટ્રમ્પે કહ્યું હતું કે, 'તે એરબેઝ અમેરિકાના વ્યાપક વ્યૂહાત્મક હેતુઓ સિદ્ધ કરી શકશે.'
અમેરિકામાં જ્યારે બાયડેન પ્રમુખપદે હતા ત્યારે અમેરિકન સેનાએ ૨૦૨૧માં અફઘાનિસ્તાનમાંથી વિદાય લીધી ત્યારે બાગરામ એરબેઝ પણ છોડી દીધું હતું. ત્યારે તાલિબાનોના હુમલાને લીધે ૧૩ અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા. ૧૭૦ જેટલા નાગરિકો પણ માર્યા ગયા, હજ્જારો અફઘાનો દેશ છોડી નાસવા લાગ્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે, 'જો (અફઘાનિસ્તાન) છોડવું જ હોય તો આયોજનપૂર્વક અને ગૌરવપૂર્વક છોડવું જોઈતું હતું.' સાથે સામર્થ્ય પણ દર્શાવવું જરૂરી હતું. પરંતુ તેને બદલે તે એરબેઝ પડતું જ મૂકાયું. તેનું કોઈ કારણ જ ન હતું. અમે અમસ્તુ અમસ્તું જ તે એરબેઝ પડતું મૂક્યું.
આ સાથે અમેરિકી પ્રમુખે કહ્યું કે તે એરબેઝ વર્તમાન ભૂ-રાજકીય પરિસ્થિતિમાં ઘણું મહત્ત્વનું છે તે વિશ્વના સૌથી મોટા એરબેઝ પૈકીનું એક છે. તેનો રન-વે ઘણો લાંબો અને મજબૂત છે જેથી ત્યાં ભારે વિમાનો ઉતરી શકે તેમ છે.'
તેઓએ વધુમાં કહ્યું હતું કે, 'તમે જાણો જ છો કે તે એરબેઝ ચીનની ન્યુક્લિયર ફેસીલીટીથી માત્ર ૧ કલાકના જ અંતરે છે.' તાલિબાનોને અત્યારે પૈસાની જરૂર છે, જે આપવાનું અમે વચન આપ્યું છે સાથે અન્ય સુવિધાઓ પણ પૂરી પાડવાનું વચન આપ્યું છે તેના બદલામાં તેઓ તે એરબેઝ અમને સોંપવાના છે.