For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પ્રતિબંધ છતા પીએફઆઇ સક્રિય હોવાનો ઘટસ્ફોટ, એનઆઇએ દ્વારા પાંચની ધરપકડ

Updated: Mar 7th, 2023

પ્રતિબંધ છતા પીએફઆઇ સક્રિય હોવાનો ઘટસ્ફોટ, એનઆઇએ દ્વારા પાંચની ધરપકડ

- કર્ણાટક અને કેરળમાં એજન્સીની ટીમો ત્રાટકી, મોટા પાયે સર્ચ ઓપરેશન

- આતંકવાદ માટે પીએફઆઇને હવાલા દ્વારા ફંડ પુરુ પાડનારા નેટવર્કનો ખુલાસો, કરોડોના ટ્રાંઝેક્શનના દસ્તાવેજો, ડિવાઇસ જપ્ત 

નવી દિલ્હી : પ્રતિબંધિત પોપ્યૂલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઇ)ની આતંકી પ્રવૃત્તિઓ માટે ફંડ પુરુ પાડનારા નેટવર્કનો એનઆઇએ દ્વારા પર્દાફાશ કરાયો છે. વિવિધ રાજ્યોમાં ચાલી રહેલા આ હવાલા રેકેટની તપાસ દરમિયાન એજન્સીએ પાંચ લોકોની ધરપકડ પણ કરી છે.

એનઆઇએએ કહ્યું હતું કે પીએફઆઇ પર ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતા આ સંગઠનના કાર્યકર્તાઓ અને સભ્યો દ્વારા દેશ વિરોધી કૃત્યો કરવામાં આવી રહ્યા છે. હાલ પણ આ સંગઠન સાથે જોડાયેલા લોકો કટ્ટરવાદ અને હિંસા તરફ લોકોને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે એજન્સી દ્વારા દેશમાં કેટલાક સ્થળે હાલ ફરી દરોડા પડાયા છે. 

એનઆઇએએ કેરળ અને કર્ણાટકમાં દરોડા પાડયા હતા, કુલ આઠ સ્થળોએ પાડેલા દરોડા દરમિયાન કેટલાક વાંધાજનક દસ્તાવેજો, વિવિધ પ્રકારના ડિજિટલ ડિવાઇસ, અને કરોડો રૂપિયાના ટ્રાંઝેક્શનની જાણકારી આપતા દસ્તાવેજ જપ્ત કર્યા હતા. આ સાથે જ પીએફઆઇના સભ્યો મોહમ્મદ સિનાન, સર્ફરાઝ નવાઝ, ઇકબાલ અને અબ્દુલ રફીકની કર્ણાટકમાંથી જ્યારે આબિદ કે એમની કેરળમાંથી ધરપકડ કરી હતી. પીએફઆઇ દ્વારા પોતાના સભ્યોને આપવામાં આવેલા ફંડને પણ ટ્રેસ કરવામાં આવ્યું છે. 

નોંધનીય છે કે ગયા વર્ષે પીએફઆઇ સામે એજન્સીએ દેશભરમાં દરોડા પાડયા હતા, જે દરમિયાન આતંકી લિંક અને કટ્ટરવાદ, યુવાઓને ભ્રમિત કરવા અને ધર્મના નામે હિંસા ભડકાવવાના પ્રયાસો પીએફઆઇ દ્વારા થયા હોવાના પુરાવા મળ્યાનો દાવો એજન્સીએ કર્યો હતો. બિહારમાં આતંકવાદ અને હિંસા માટે તાલિમ માટે એકઠા થયેલા સાત લોકોની અગાઉ ધરપકડ કરાઇ હતી.

 આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પીએફઆઇ ઉપર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મુક્યો છે. જોકે હવે એનઆઇએનો દાવો છે કે પ્રતિબંધ છતા આ સંગઠન સક્રિય છે.

Gujarat