India

નાયરાનું પેટ્રોલ રૂ. 5, ડીઝલ રૂ. 3 મોંઘું

By GS Team
4 Oct 20263 mins read
TukuTouch Logo
પશ્ચિમ એશિયામાં યુદ્ધની અનિશ્ચિતતા અને વૈશ્વિક તણાવને કારણે બ્રેન્ટ ક્રૂડ 102 ડોલરને પાર થયું છે. આથી, ખાનગી ફ્યુઅલ કંપની નાયરા એનર્જીએ શનિવારે પેટ્રોલના ભાવમાં રૂ. 5 અને ડીઝલમાં રૂ. 3નો વધારો કર્યો છે. ક્રૂડ 100 ડોલરથી ઉપર રહેતા સરકારી ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન થતા, તેઓ પણ ભાવ વધારશે તેવા સંકેત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નાયરાનું પેટ્રોલ રૂ. 5, ડીઝલ રૂ. 3 મોંઘું
  • સરકારની ખોટમાં વધારો
  • પશ્ચિમ એશિયામાં યુદ્ધની અનિશ્ચિતતાથી બ્રેન્ટ ક્રૂડ ૧૦૨ ડોલરને પાર
  • ક્રૂડ ૧૦૦ ડોલરથી ઉપર રહેતા સરકારી ઓઈલ કંપનીઓ દૈનિક રૂ. ૫૩૦ કરોડના થઈ રહેલા નુકસાનને સરભર કરવા ફ્યૂઅલના ભાવ વધારે તેવા ભણકારા

નવી દિલ્હી : પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન યુદ્ધની અનિશ્ચિતતા અને વૈશ્વિક તણાવ વચ્ચે બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ ૧૦૨ ડોલરે પહોંચી ગયો છે. ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળાના પગલે ભારતમાં ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવા લાગ્યા છે. ભારતની સૌથી મોટી ખાનગી રીટેલ ફ્યુઅલ કંપની નાયરા એનર્જીએ શનિવારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર રૂ. ૫ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર રૂ. ૩નો વધારો કર્યો છે. આ સાથે આગામી સમયમાં સરકારી ઓઈલ કંપનીઓ પણ પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો કરે તેવી આશંકા છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૩ નવેમ્બરે મિડ-ટર્મ ચૂંટણી પછી ઈરાન પર નવેસરથી મોટા હુમલા કરવાની ધમકી આપ્યા પછી પશ્ચિમ એશિયામાં ફરી એક વખત અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની અનિશ્ચિતતા વધી છે, જેની અસર ક્રૂડ ઓઈલના બજાર પર જોવા મળી રહી છે. વૈશ્વિક સ્તરે શનિવારે બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ ૧૦૨ ડોલરને પાર થયો હતો.
ક્રૂડ ઓઈલનો ભાવ લાંબા સમયથી ૧૦૦ ડોલરથી ઊપર રહેવાથી ખાનગી રિટેલ ઈંધણ કંપનીઓ પર નવેસરથી દબાણ સર્જાયું છે. જેથી નાયરા એનર્જીએ શનિવારે તાત્કાલિક અસરથી પેટ્રોલ અને ડીઝલમાં ભાવવધારો જાહેર કર્યો હતો. નાયરા એનર્જી દેશભરમાં ૭,૧૦૮ પેટ્રોલ પંપોનું સંચાલન કરે છે ત્યારે કંપનીએ શનિવારે તાત્કાલિક અસરથી ભાવવધારાની જાહેરાત કરી હતી.
આ વર્ષની શરૂઆતમાં અમેરિકા-ઈરાન યુદ્ધ શરૂ થતા ક્રૂડ ઓઈલના પૂરવઠામાં અવરોધો ઊભા થતા નાયરાએ ૨૬ માર્ચે પેટ્રોલમાં પાંચ રૂપિયા અને ડીઝલમાં ત્રણ રૂપિયાનો વધારો કર્યો હતો. ત્યાર પછી સરકારી ઓઈલ કંપનીઓએ પણ પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો કર્યો હતો. બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ લાંબા સમયથી ૧૦૦ ડોલરથી ઉપર રહેવાથી સરકારી ઓઈલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમને દૈનિક રૂ. ૫૩૦ કરોડથી વધુનું નુકસાન થઈ રહ્યું છે. ત્રણેય સરકારી ઓઈલ કંપનીઓ દરરોજ પેટ્રોલ પર પ્રતિ લીટર રૂ. ૮ અને ડીઝલ પર પ્રતિ લીટર રૂ. ૯નું નુકસાન ઉઠાવી રહી છે. આ સિવાય એલપીજીના પ્રત્યેક સિલિન્ડર પર કંપનીઓને રૂ. ૩૦૦નું નુકસાન થઈ રહ્યું છે. આથી હવે સરકારી ઓઈલ કંપનીઓ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારે તેવી સંભાવનાઓ છે તેમ રેટિંગ એજન્સી ઈક્રાના અહેવાલમાં જણાવાયું છે.

ભારતે સપ્ટેમ્બરમાં દૈનિક ૫૨.૬ લાખ બેરલ ક્રૂડની વિક્રમી આયાત કરી
પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઈરાન તણાવ વધ્યો
રશિયા પછી હવે ઈરાક દૈનિક ૫.૨૫ લાખ બેરલ ક્રૂડ સાથે ભારતનું બીજું સૌથી મોટું સપ્લાયર બન્યું

નવી દિલ્હી : પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વણસી રહી છે. ક્રૂડ ઓઈલની વૈશ્વિક કટોકટી વચ્ચે અમેરિકા, યુરોપમાં ઈંધણના ભાવ આકાશને આંબી રહ્યા છે ત્યારે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ એકંદરે સ્થિર છે, જેનું કારણ ભારતની ક્રૂડ ઓઈલની આયાતમાં વિક્રમી ઊછાળો છે. ભારતે સપ્ટેમ્બરમાં વિક્રમી દૈનિક ૫૨.૬ લાખ બેરલ ક્રૂડ ઓઈલની નિકાસ કરી છે.મધ્ય-પૂર્વમાં અમેરિકા અને ઈરાનના યુદ્ધ વચ્ચે ભારતે સપ્ટેમ્બરમાં ખાડી દેશોમાંથી ક્રૂડ ઓઈલની આયાત વધારી હતી. ભારતે તેની ક્રૂડ ઓઈલની જરૂરિયાતો પૂરી કરવા માટે હવે ઈરાક તરફ નજર દોડાવી છે. સપ્ટેમ્બરમાં ભારતે ઈરાકમાંથી દૈનિક ૫.૨૫ લાખ બેરલ ક્રૂડ ઓઈલની આયાત કરી હતી. ફેબુ્રઆરીમાં અમેરિકા-ઈરાન યુદ્ધ શરૂ થયા પછી પહેલી વખત રશિયા પછી ઈરાક ભારતનું બીજું સૌથી મોટું ક્રૂડ ઓઈલ સપ્લાયર બન્યું છે.
કેપ્લરના અહેવાલ મુજબ સપ્ટેમ્બરમાં ભારતની ક્રૂડ ઓઈલની કુલ આયાતમાં સાઉદી અરબ, યુએઈ, કુવૈત, ઓમાન અને કતરનો હિસ્સો ૩૯ ટકા હતો. ઈરાક પછી સાઉદી અરબે દૈનિક ૫.૧૭ લાખ બેરલ અને યુએઈએ દૈનિક ૪.૩૮ લાખ બેરલ ઓઈલ સપ્લાય કર્યું હતું. કુવૈતે દૈનિક ૩.૩૫ લાખ ક્રૂડ ઓઈલ સપ્લાય કર્યું હતું. અમેરિકાની ૧૦૦ ટકા ટેરિફની ધમકીઓ છતાં ભારતે રશિયા પાસેથી ૧૮,૭૨,૦૦૦ બેરલ ક્રૂડ ઓઈલની આયાત કરી હતી. આ સાથે ભારતે અમેરિકા પાસેથી પણ દૈનિક ૧.૨૫ લાખ બેરલની આયાત કરી છે. ઉપરાંત વેનેઝુએલા, નાઈજિરિયા અને ઓમાન જેવા દેશો પાસેથી પણ ભારતે ક્રૂડ ઓઈલનો સપ્લાય ચાલુ રાખ્યો છે.