ક્રૂડ 100 ડોલરને પાર થતાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધવાની શક્યતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Brent Crude Oil Price : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનાં ભાવમાં અચાનક ઉછાળો આવતા ભારતની સરકારી ઓઇલ કંપનીઓ પર દબાણ વધી ગયું છે. પશ્ચિમ એશિયામાં વધતી તંગદિલી વચ્ચે બ્રેન્ટ ક્રૂડ 100 ડોલર પ્રતિ બેરલ થઇ ગયું છે.
જેની સીધી અસર ભારતીય ઓઇલ કંપનીઓની કમાણી પર પડી રહી છે. કારણકે દેશમાં પેટ્રોલ એને ડીઝલની રિટેલ કીંમતો છેલ્લા ત્રણ મહિનાથી વધુ સમયથી સ્થિર છે.
હાલનાં ભાવે સરકારી ઓઇલ કંપનીઓને પેટ્રોલ પર પ્રતિ લિટર પાંચ રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર 23 રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બરમાં અત્યાર સુધી ક્રૂડ ઓઇલનાં સરેરાશ ભાવ વધવાને કારણે ઓઇલ કંપનીઓનાં માર્કેટિંગ માર્જિન નેગેટિવ થઇ ગયા છે. પેટ્રોલ અને ડીઝલ ઉપરાંત ઘરલુ એલપીજી સિલિન્ડર ઉપર પણ કંપનીઓને 200 રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેંટ ક્રૂડ 2.5 ટકા વધીને 100 ડોલર પ્રતિ બેરલ થઇ ગયું છે. ભારત પોતાની જરૂરિયાતનું 88 ટકાથી વધારે ક્રૂડ ઓઇલ વિદેશમાંથી આયાત કરે છે. આ જ કારણ છે કે ક્રૂડ ઓઇલમાં થતાં ભાવવધારાની અસર દેશનાં અર્થતંત્ર ઉપર પણ જોવા મળે છે. એપ્રિલથી જુલાઇની વચ્ચે ભારતનું ક્રૂડ ઓઇલ આયાત બિલ 56 ટકાથી વધી 63.4 અબજ ડોલર થઇ ગયું છે.
ગયા વર્ષે આ જ સમયગાળામાં આ આંકડો 40.5 અબજ ડોલર હતું. આયાતની માત્રામાં વધારે ફેરફાર થયો નથી પણ તેલની વધતી કિંમતોને કારણે દેશનો ખર્ચ વધી ગયો છે. મોંઘું ક્રૂડ ફક્ત ઓઇલ કંપનીઓ માટે જ ચિંતાનો વિષય નથી પણ તેની અસર અન્ય સેક્ટર ઉપર પણ પડશે. એવિએશન, પેઇન્ટ, ટાયર, કેમિકલ, ટ્રાન્સપોર્ટ અને એફએમસીજી સેક્ટરનાં ઉદ્યોગોનો ખર્ચ વધી શકે છે. જો કંપનીઓ વધેલ ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખશે તો રોજબરોજની ચીજવસ્તુઓનાં ભાવ વધશે.




