પટણામાં ટ્રકની જોરદાર ટક્કરથી મુસાફરોને લઈને જતી રીક્ષાનું પડીકું વળી ગયું, 6ના કરુણ મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પ્રતિકાત્મક તસવીર |
Bihar Accident news : બિહારની રાજધાની પટણા નજીક રવિવારે વહેલી સવારે એક કાળજું કંપાવી દેનારી માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મનેર ઉર્સનો મેળો જોઈને પરત ફરી રહેલા એક જ પરિવારના સભ્યોની રિક્ષાને પૂરપાટ ઝડપે આવતા ટ્રકે ટક્કર મારતા માતમ છવાઈ ગયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં 6 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા તો બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ખુશીઓ શોકમાં ફેરવાઈ
રવિવારે વહેલી સવારે બિહટા-આરા મુખ્ય માર્ગ પર પરેવ લેખન ટોલા પાસે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. ભોજપુર જિલ્લાના આરા વિસ્તારના રહેવાસી એક જ પરિવારના સભ્યો મનેર દરગાહ ખાતે ઉર્સનો મેળો જોઈને ઓટો રિક્ષામાં પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન આરા તરફથી આવી રહેલા બેલગામ ટ્રકે ઓટોને જોરદાર ટક્કર મારી હતી.
ઘટનાસ્થળે જ લાશોના ઢગલા
ટક્કર એટલી ભયાનક હતી કે ઓટોના ફુરચા ઉડી ગયા હતા અને તેમાં સવાર અડધો ડઝન લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. મૃતકોમાં 33 વર્ષીય ગુડ્ડુ કુમાર, 30 વર્ષીય મો. ઇમ્તિયાઝ, 22 વર્ષીય મો. શહઝાદ અને તેમના બે માસૂમ બાળકો (3 વર્ષની પુત્રી શફના અને 1.5 વર્ષનો પુત્ર મો. અસ્ફી) નો સમાવેશ થાય છે. અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પોલીસ અને સ્થાનિકોની દોડધામ
અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. બિહટા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને કબજે કર્યા હતા અને અન્ય બે ગંભીર રીતે ઘવાયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકને જપ્ત કરી લીધી છે અને તેના ચાલકની ધરપકડ કરીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.
અકસ્માતની કરૂણતા
પરિવારના સભ્યો હસતા-રમતા મેળામાંથી ઘરે પરત ફરી રહ્યા હતા, પરંતુ એક બેદરકાર ટ્રક ચાલકે આખા પરિવારને વેરવિખેર કરી નાખ્યો છે. આ ઘટનાથી બિહટા અને આરા પંથકમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.









