For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પક્ષોને મફત લહાણીના વચનો આપતા રોકી શકાય નહીં : સુપ્રીમ

Updated: Aug 18th, 2022

Article Content Image

- મફત રેવડી કલ્ચર મુદ્દે સર્વોચ્ચ ન્યાયાલયનું મહત્ત્વનું અવલોકન

- સસ્તી વીજળી-શિક્ષણ, સ્વાસ્થ્ય-પાણી જેવી સુવિધા આપવી તેને મફત રેવડી કલ્ચર કહી શકાય ખરુ ?, મફત ટીવી, જ્વેલરી, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને પાયાની જરૂરી સુવિધાઓના વચનો વચ્ચે  અંતર છે : સુપ્રીમ

- સરકારની કલ્યાણકારી યોજનાઓને મફત રેવડી કલ્ચર જેવા નામ ન આપી શકાય : ડીએમકે, આપ સુપ્રીમમાં

નવી દિલ્હી : રાજનેતાઓ પોતાના ભાષણમાં મફત રેવડી કલ્ચરનો મુદ્દો ઉઠાવતા આવ્યા છે. જ્યારે આ મામલો સુપ્રીમ કોર્ટ પણ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ સવાલ કર્યો છે કે શું મતદારો કે જનતાને શિક્ષણ, સસ્તી વિજળી, પાણી અને સ્વાસ્થ્યની સુવિધા આપવી તેને મફત રેવડી કલ્ચર કહી શકાય? આ સાથે જ સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષો કે નેતાઓને ચૂંટણી સમયે અપાતા વચનો આપતા રોકી ન શકાય તેવી પણ સ્પષ્ટતા કરી દીધી છે. રેવડી કલ્ચરને પડકારતી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પક્ષકારોને આ સવાલ કર્યો હતો.  

આ દરમિયાન મુખ્ય ન્યાયાધીશ એનવી રમણની  બેંચે કહ્યું હતું કે કોર્ટ રાજકીય પક્ષો કે નેતાઓને ચૂંટણી સમયે વચનો આપતા ન રોકી શકીએ. સાથે જ બેંચે સવાલ ઉઠાવ્યો હતો કે યોગ્ય વચનો કેવા હોવા જોઇએ? મફત અને સસ્તી સુવિધાઓને મફતની રેવડીઓ એવુ કહી શકાય? કોઇ કહે છે કે જનતાના પૈસા બરબાદ થઇ રહ્યા છે. તો કોઇ કહે છે કે સસ્તી વિજળી, સસ્તા દરે શિક્ષણ અને સ્વાસ્થ્યની સુવિધાઓ આપવી તે કલ્યાણકારી કામ છે. હવે આ મામલો વધુ ગુંચવાઇ રહ્યો છે. બાદમાં સુપ્રીમ કોર્ટે આ વિવાદો પર પક્ષકારોને પોતાનો અભિપ્રાય રજુ કરવા કહ્યું હતું. કે જેથી અંતે સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય લઇ શકે. 

સુપ્રીમ કોર્ટે મનરેગા જેવી યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો કે જેના દ્વારા લાખો લોકોને રોજગારી મળી રહી છે. દરમિયાન જ્યારે દલિલો ચાલી રહી હતી ત્યારે આમ આદમી પાર્ટી અને ડીએમકે જેવા પક્ષોએ એવી રજુઆત કરી હતી કે રાજ્ય સરકારો દ્વારા શરૂ કરવામાં આવેલી કલ્યાણકારી યોજનાઓને મફત રેવડીનું નામ ન આપી શકાય. મફત રેવડી મુદ્દે દાખલ અરજીઓને કારણે રાજ્યોના નીતિ વિષય સિદ્ધાંતો છે તેને નિષ્ફળ બનાવી દેશે. નોંધનીય છે કે અગાઉ સુપ્રીમ કોર્ટે આ મામલે આરબીઆઇ, કેન્દ્ર-રાજ્ય સરકારો પાસેથી રેવડી કલ્ચર પર નજર રાખવા કમિટીની રચના કરવી જોઇએ કે કેમ તે અંગે અભિપ્રાય માગ્યા હતા.

હાલ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ચૂંટણી પ્રચાર સમયે મફત ટીવી સેટ, જ્વેલરી, ઇલેક્ટ્રોનિક વસ્તુઓના વચનો આપવા અને પાયાની જરુરિયાતો માટે વચનો આપવા આ બન્ને વચ્ચે અંતર છે. શું ખેડૂતોને સસ્તા દરે ફર્ટિલાઇઝરનું વચન આપવું મફતના રેવડી કલ્ચરમાં આવશે? હવે સુપ્રીમ કોર્ટે પક્ષકારોની પાસેથી જવાબ માગ્યો છે જેના આધારે આ અંગે ચુકાદો આપવામા ંઆવશે. સુપ્રીમ કોર્ટમાં અશ્વિનિ ઉપાધ્યાય દ્વારા એક પીઆઇએલ કરવામાં આવી છે જેમાં ચૂંટણીમાં મફત ચીજો આપવાના જે વચનો આપવામાં આવે છે તેને અટકાવવાની માગણી કરવામાં આવી છે.

 અરજદારે તેને મફતની રેવડી કલ્ચર નામ આપ્યું છે. તેઓએ માગણી કરી છે કે મફતની વસ્તુઓના વચનો આપતા પક્ષોના ચિન્હો જપ્ત કરીને આવા પક્ષોનું રજિસ્ટ્રેશન રદ કરી દેવામાં આવે. હવે આ મામલે આગામી ૨૨મી તારીખે સુપ્રીમ કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. 

Gujarat