સંસદના ચોમાસુ સત્રની નવી તારીખ જાહેર, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, કિરેન રિજિજુએ આપી માહિતી
Parliament Monsoon Session : સંસદના ચોમાસુ સત્રની નવી તારીખ જાહેર કરી દેવાઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી તારીખને મંજૂરી આપી દીધી છે. આ અંગે કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ માહિતી આપતા કહ્યું કે, સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈએ શરૂ થશે અને 21 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.’ અગાઉ સત્ર 21 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી યોજાવાનું હતું. સામાન્ય રીતે સંસદનું ચોમાસુ સત્ર સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ) પહેલા સમાપ્ત થઈ જતું હતું, જોકે હવે પહેલી વખત સત્ર 15 ઓગસ્ટ બાદ પણ ચાલુ રહેશે.
રાષ્ટ્રપતિએ નવી તારીખને આપી મંજૂરી
રિજિજુએ કહ્યું કે, ‘રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના ચોમાસુ સત્રની નવી તારીખને મંજૂરી આપી દીધી છે. હવે સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થઈને 21 ઓગસ્ટ-2025 સુધી યોજાશે. લોકસભા અને રાજ્યસભા બંનેની કાર્યવાહી પ્રથમ દિવસે 11.00 કલાકે શરૂ થશે.
વિપક્ષે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી હતી
સામાન્ય રીતે સંસદ સત્ર શરૂ થાય ત્યારે બેરોજગારી અને મોંઘવારીના મુદ્દા ચર્ચાતા જ રહે છે. જોકે આ વખતનું સત્ર ઘણી બાબતે ખાસ માનવામાં આવે છે, કારણ કે, વિપક્ષ આ વખતે ભારત-પાકિસ્તાન ઘર્ષણ, અમેરિકા સાથે ટ્રેડ વોર સહિતના મુદ્દાઓ ઉઠાવી શકે છે. ભારત-પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ થયા બાદ વિપક્ષે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી હતી. ૩ જૂનના રોજ વિપક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને તે પછી સરકાર દ્વારા શરૂ કરાયેલા લશ્કરી ઓપરેશન ‘ઓપરેશન સિંદૂર’ પર તાત્કાલિક ચર્ચા કરવાની માંગ કરી હતી. આ ઓપરેશન દ્વારા ભારતીય દળોએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા.
2024ના સત્રમાં 20 બેઠકો યોજાઈ હતી
અગાઉ સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બર-2024થી 20 ડિસેમ્બર-2024 સુધી ચાલ્યું હતું. આ દરમિયાન વિવિધ મુદ્દાઓ પર લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. ‘ધક્કામુક્કી’ પણ થઈ હતી, જેમાં ભાજપના બે સાંસદો ઈજાગ્રસ્ત થયા છે. 18મી લોકસભાના ત્રીજા સત્ર દરમિયાન લોકસભાની 20 બેઠકો યોજાઈ હતી, જે 62 કલાક સુધી ચાલી હતી, જેમાં પાંચ સરકારી બિલ રજૂ કરાયા હતા અને ચાર બિલ પસાર કરાયા હતા. શૂન્યકાળમાં જાહેર મહત્વની 182 બાબતો અને નિયમ 377 હેઠળ 397 મુદ્દાઓ ઉઠાવાયા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ સંસદમાં દર મિનિટે 2.5 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. એટલે કે એક કલાકમાં અંદાજે 1.5 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.