એટલા પૈસા નથી કે પાલન કરી શકીએ...', બે દિવસની છોકરીને ફૂટપાથ પર છોડી ગયા મા-બાપ, પત્રમાં વર્ણવી વેદના
Child Care: નવી મુંબઈના પનવેલ વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં ટક્કા પરિસરમાં આવેલ સ્વપ્નાલય આશ્રમની બહાર ત્યજી દેવામાં આવેલી નવજાત બાળકી ફુટપાથ પર એક બાસ્કેટમાં બિનવારસી હાલતમાં મળી આવી હતી. રાતના અંધારામાં કોઈએ આ માસૂમને બાસ્કેટમાં દૂધની બોટલ, સેરેલેક, કેટલાક કપડાં સાથે મુકીને ત્યજી દીધી હતી. આ ચિઠ્ઠી જેણે પણ વાંચી તેનું હૃદય ભરાઈ આવ્યું. આ કોઈ ક્રૂરતાં નહીં, પરંતુ માં-બાપની મજબૂરી દર્શાવે છે. ચિઠ્ઠી વાંચી દરેક લોકોની આંખોમાં આસૂ આવી ગયા.
ચિઠ્ઠીમાં શું લખ્યું હતું
બાળકી પાસે એક ચિઠ્ઠી પણ મુકવામાં આવી હતી, જે આ પરિવારની લાચારી દર્શાવે છે. આ પત્રમાં બાળકીના માતાપિતાએ અંગ્રેજીમાં લખ્યું હતું, 'અમને ખૂબ જ દુખ થઈ રહ્યું છે કે, અમારે આ કરવું પડી રહ્યું છે, પરંતુ, અમારી પાસે અન્ય બીજો કોઈ રસ્તો નથી. અમે આ બાળકીનું માનસિક તેમજ આર્થિક રીતે પાલન- પોષણ કરી શકીએ તેમ નથી. મહેરબાની કરી આને બીજા કોઈ સાથે ન સરખાવજો તેમજ આ કિસ્સાને વધુ ન ફેલાવશો. અમે નથી ઈચ્છતા કે, અમે જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ, એ તેને પણ સામનો કરવો પડે. અમે તમને વિનંતી કરીએ છીએ કે, માસુમની જીંદગી બચાવી લો. અમને આશા છે કે, એક દિવસ અમે તેને પરત લઈ શકીશું. અમે તેનાથી નજીક છીએ, અમને માફ કરજો.'
સમાજમાં આવી ઘટનાઓ રોકવા કાંઈક કરવું જોઈએ
એક સ્થાનિક રહેવાસીએ કહ્યું કે, 'આ વિચારીને હૃદય કંપી ઉઠે છે, કે કોઈ માતા-પિતાએ પોતાના માસૂમ બાળકને આ રીતે ત્યજી દેવા માટે મજબૂર થવુ પડ્યું. સમાજમાં આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે આપણે કાંઈક કરવું પડશે.'
આ પણ વાંચો: '...તો હું રાજકારણ છોડી દઈશ', બિહાર ચૂંટણી ટાણે નીતિશ કુમાર અંગે PKની મોટી ભવિષ્યવાણી
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને છોકરીને તેમની કસ્ટડીમાં લઈને નજીકની હોસ્પિટલમાં દાખલ કરી છે. હોસ્પિટલના ડોક્ટરોએ કહ્યું કે છોકરીની હાલત સ્થિર છે, અને તેને વધુ તબીબી તપાસ માટે અલીબાગ મોકલવામાં આવશે.
માતા -પિતાની મજબૂરી સમાજ માટે એક સવાલ
આ ઘટના પર એક સવાલ ઉભો થયો છે, કે આખરે એવી શું પરિસ્થિતિ પેદા થઈ કે આખરે માતા પિતાએ પોતાની જ દિકરીને ત્યજવા માટે કઠોર નિર્ણય કરવો પડ્યો. આ ચિઠ્ઠીમાં લખેલા દરેક શબ્દ માતા- પિતાનું દુખ અને તેમની મજબૂરી દર્શાવે છે. આ કેસને લઈને પોલીસ હાલમાં બાળકીના માતા- પિતાની શોધમાં જોડાઈ છે.