'...તો હું રાજકારણ છોડી દઈશ', બિહાર ચૂંટણી ટાણે નીતિશ કુમાર અંગે PKની મોટી ભવિષ્યવાણી
Prashant Kishor Prediction on Bihar Election: જનસુરાજ પાર્ટીના સંસ્થાપક અને પૂર્વ ચૂંટણી વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોરે નીતિશ કુમારને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે, નીતિશ કુમાર આ વર્ષે યોજનારી ચૂંટણી બાદ બિહારના મુખ્યમંત્રી નહીં બને. તેમનો દાવો છે કે, બિહારમાં 60 ટકાથી વધુ લોકો પરિવર્તન ઈચ્છે છે.
પ્રશાંત કિશોરે આ વાત લેખિતમાં આપવાની વાત પણ કહી છે. તેમણે કહ્યું કે, 'આવનારા બે મહિનામાં નક્કી થઈ જશે કે, પરિવર્તન ઈચ્છતા 60 ટકાથી વધુ લોકો કોને મત આપવા ઈચ્છે છે. શું તે ફરી એ લોકોને મત આપશે જેમણે પહેલાં નિરાશ કર્યા? શું તે ફરી તેમના પર વિશ્વાસ કરશે? અથવા તે કોઈ નવા વિકલ્પની પસંદગી કરશે? કોઈપણ પ્રકારે, નવેમ્બર (વિધાનસભા ચૂંટણીનો અંદાજિત મહિનો) બાદ નીતિશ કુમાર નિશ્ચિત રૂપે મુખ્યમંત્રી નહીં હોય. હું તમને લેખિતમાં લખીને આપી શકું છું. બિહારને નવા મુખ્યમંત્રી મળશે.'
આ પણ વાંચોઃ મને જીતાડવામાં ભાજપના અનેક લોકોએ સહયોગ કર્યો : ગોપાલ ઈટાલિયાનું ચોંકાવનારું નિવેદન
શું વડાપ્રધાન મોદી અને અમિત શાહને નથી ખબર નીતિશની સ્થિતિ?
એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે પ્રશાંત કિશોરે કહ્યું કે, 'આખું બિહાર જાણે છે કે, નીતિશ કુમારની માનસિક અને શારીરિક સ્થિતિ એવી નથી કે તે કંઈપણ કરી શકે. એક વ્યક્તિ જે મંચ પર હોય અને બાજુમાં બેઠેલા વડાપ્રધાનનું નામ ભૂલી જાય, જે રાષ્ટ્રીગીત દરમિયાન નથી જાણતા કે આ રાષ્ટ્રગીત છે કે કવ્વાલી... જેણે છેલ્લાં એક વર્ષમાં મીડિયાને સંબોધિત નથી કર્યું. એક વ્યક્તિ જે ખુદની સંભાળ રાખવાની સ્થિતિમાં નથી, તે બિહારને કેવી રીતે સંભાળશે? જો તમે અને હું જાણીએ છીએ, તો શું વડાપ્રધાન મોદી અને અમિત શાહને આ વિશે જાણ નહીં હોય?'
ભાજપે નીતિશને કેમ મુખ્યમંત્રી બનાવ્યા?
પ્રશાંત કિશોરે આ વિશે વધુ વાત કરતા કહ્યું કે, 'નીતિશ કુમારની આવી સ્થિતિ હોવા છતાં ભાજપે તેમને આગળ ધર્યા અને કેન્દ્રમાં પણ રાખ્યા જેથી તે ઓછામાં ઓછું ચૂંટણી થઈ જાય ત્યાં સુધી આ વ્યવસ્થા જાળવી શકે અને બાદમાં એક નવા મુખ્યમંત્રી આવી શકે. હવે તમે પૂછી શકો છો કે, તેમણે નીતિશ કુમારને અત્યારે કેમ ન હટાવ્યા? તેનો જવાબ છે કે, ભાજપ પાસે બિહારમાં પોતાના દમ પર ચૂંટણી લડવાની તૈયારી અને આત્મવિશ્વાસ નથી અને ન તો ભૂતકાળમાં હતો. તેમને કોઈકની સાથે લડવાનું છે, તેથી તે નીતિશનો ભાર ઉઠાવી રહ્યા છે.'
આ પણ વાંચોઃ જો રસ્તાઓનું સમારકામ ન થાય તો તમે 'મેરી સડક એપ' પર ફરિયાદ કરો
જો આવું ન થયું તો હું રાજકારણ મૂકી દઇશઃ પીકે
જનસુરાજ પાર્ટીના પ્રમુખે એ વાત પર ભાર આપતા કહ્યું કે, 'તમે લખીને રાખી શકો છો. જેડીયુને પોતાના દમ પર 25થી ઓછી બેઠક મળશે. જો આવું ન થયું તો હું રાજકારણ છોડી દઇશ. ચૂંટણી બાદ જેડીયુનું અસ્તીત્વ જ સવાલોના ઘેરામાં આવી જશે. નીતિશ કુમારનો સ્વીકાર કરનારી રેટિંગ 60% થી ઘટીને 16-17 ટકા થઈ જશે. જેડીયુ પાસે કોઈ કેડર નથી, તેમની પાસે ફક્ત નીતિશ કુમાર હતા જોકે, હવે તે પણ નથી રહ્યા.'