તમારી ઝૂંપડપટ્ટી તોડી નાખી, PM મોદી જુઠ્ઠા છે...અરવિંદ કેજરીવાલના દિલ્હીમાં ભાજપ પર પ્રહાર
Arvind Kejriwal Ghar Rojgar bachao Andolan: દિલ્હીમાં ઝૂંપડપટ્ટી તોડી પાડવાના વિરોધમાં આમ આદમી પાર્ટીએ રવિવારે જંતર-મંતર ખાતે 'ઘર રોજગાર બચાવો આંદોલન' શરૂ કર્યું છે. જેમાં AAPના વડા અરવિંદ કેજરીવાલે ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, 'મેં ચૂંટણી પહેલાં કહ્યું હતું કે તેમને મત ન આપો, નહીં તો તેઓ તમારી જમીન છીનવી લેશે. આ લોકોએ તમારી ઝૂંપડપટ્ટી તોડી નાખી. વડાપ્રધાન મોદી જૂઠા છે, તેમણે ચૂંટણી પહેલા વચન આપ્યું હતું કે 'જ્યાં ઝૂંપડપટ્ટી હશે, ત્યાં ઘર બનશે' પરંતુ આવું થયું નહીં.'
રેખા ગુપ્તાની સરકાર ત્રણ વર્ષથી વધુ નહીં ચાલે
દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, 'હું ભાજપના એક મોટા નેતા સાથે વાત કરી રહ્યો હતો. તેમણે કહ્યું હતું કે દિલ્હીની બધી ઝૂંપડપટ્ટી તોડી પાડવામાં આવશે. ભાજપની યોજના દિલ્હીની તમામ ઝૂંપડપટ્ટી તોડી પાડવાની છે. તમારા ઘર પર તેમની ખરાબ નજર છે. દિલ્હીમાં 40 લાખથી વધુ ઝૂંપડપટ્ટીવાસી છે, તે તમામ ભેગા થઈને રસ્તાઓ પર વિરોધ કરશે. હું ભાજપને ચેતવણી આપવા માંગુ છું કે તેઓ પોતાના રસ્તા સુધારે, ઝૂંપડપટ્ટી તોડી પાડવાનું બંધ કરે. જો ઝૂંપડપટ્ટી તોડી પાડવાનું બંધ ન કરવામાં આવે તો રેખા ગુપ્તાની સરકાર ત્રણ વર્ષથી વધુ ચાલશે નહીં.
પાંચ મહિનામાં દિલ્હીને બરબાદ કર્યું- કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે આગળ કહ્યું કે, 'તેઓએ માત્ર પાંચ મહિનામાં દિલ્હીને બરબાદ કરી દીધુ છે. તેઓ કહેતા હતા કે અમે ચાર એન્જિનની સરકાર છીએ. હું કહીશ કે હવે તમારી પાસે ચાર નહીં પણ દસ એન્જિન છે. કેન્દ્ર સરકાર તેમની છે, મ્યુનિસિપલ કોર્પોરેશન તેમનું છે, એલજી તેમનું છે, દિલ્હી પોલીસ પણ તેમનું છે. બધા એન્જિન તમારા છે. તમે કંઈક કરી બતાવો. જો તમે લોકો માટે ઘર બનાવ્યા હોત. જો તમે લોકો માટે રોજગારની વ્યવસ્થા કરી હોત, તો તમારી પ્રશંસા થઈ હોત. પાંચ મહિનામાં તમે દિલ્હીને બરબાદીની કગાર પર લાવી દીધુ છે. ફેબ્રુઆરી મહિનામાં જ્યારે અમે સરકાર છોડી ત્યારે દિલ્હીમાં 24 કલાક વીજળી હતી. હવે આખી દિલ્હીમાં વીજળી ગુલ છે. મારું ઘર રાષ્ટ્રપતિ ભવનથી માત્ર બે કિલોમીટર દૂર છે. ત્યાં દિવસમાં પાંચ વખત બત્તી ગુલ થઈ જાય છે. આખી દિલ્હીમાં છ-સાત કલાક વીજ પ્રવાહ બંધ રહે છે. આખી દિલ્હી બરબાદ થઈ ગઈ છે. હમણાં તો મેં સાંભળ્યું છે કે આ ભાજપના લોકો કહી રહ્યા છે કે એક વર્ષ રાહ જુઓ, તેઓ તમારી મફત વીજળી પણ બંધ કરી દેશે.
આ પણ વાંચોઃ 'હનીમૂન કરીને આવી અને સીધી ઝઘડવા લાગી...', TMCના બે દિગ્ગજ નેતા ફરી સામસામે
કોંગ્રેસ અને ભાજપ બંને ભાઈ-બહેનઃ કેજરીવાલ
વધુમાં કેજરીવાલે કહ્યું કે, 'કોંગ્રેસ અને ભાજપ બંને ભાઈ-બહેન છે. 75 વર્ષમાં, તેઓએ ક્યારેય શાળા-હોસ્પિટલ, વીજળી-પાણી વિશે વાત કરી નથી. તેઓ ફક્ત લૂંટફાટનું કામ કરે છે. દિલ્હીની ઝૂંપડપટ્ટીમાં 40 લાખ લોકો રહે છે, જો તેઓ ભેગા થાય, તો આમાંથી કોઈમાં પણ તમારી ઝૂંપડપટ્ટી તોડી પાડવાની હિંમત નથી. હવે ક્યારેય મોદીની ગેરંટી પર વિશ્વાસ ન કરો, મોદીની ગેરંટી બનાવટી અને નકલી છે.
પીએમ મોદીની ગેરંટી બનાવટી
દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ અંતે કહ્યું કે 'મોદીજીએ તમને લોકોને 'જહાં ઝુગ્ગી-વહાં મકાન' ની ગેરંટી આપી હતી, પરંતુ તેમનો મતલબ 'જહાં ઝુગ્ગી-વહાં મેદાન' હતો અને હવે તેમણે ઝૂંપડપટ્ટીઓ તોડી નાખી છે અને જમીન બનાવી દીધી છે. મોદીજીની ગેરંટી બનાવટી અને ખોટી ઠરી. હવે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારે મોદીજીની ખોટી ગેરંટીઓ પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ. ભાજપ અને કોંગ્રેસ એકસરખા પક્ષ છે, બંનેએ દિલ્હીની ચૂંટણી સાથે લડી હતી. કોંગ્રેસના શાસન દરમિયાન પણ દિલ્હીમાં ઘણી ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવામાં આવી હતી, મને યાદ છે જ્યારે તેઓ પાંડવ નગરની ઝૂંપડપટ્ટી તોડવા આવ્યા હતા, ત્યારે મેં અને મનિષ સિસોદિયાએ તેમને ઝૂંપડપટ્ટીઓ તોડવા દીધી ન હતી. તે બંને ગરીબ વિરોધી અને અમીર-તરફી પક્ષો છે.