બાળકોની સુંદરતાથી ઈર્ષ્યાને પગલે મહિલાએ 4 માસૂમના જીવ લીધા, પાણીમાં ડૂબાડી દીધા

Panipat Psycho Lady Drown 4 Children: હરિયાણાના પાણીપતની પૂનમ નામની મહિલાએ સુંદર બાળકો પ્રત્યેની ઈર્ષ્યાને કારણે એક ભયાનક ષડયંત્ર રચ્યું હતું. પોલીસ પૂછપરછમાં તેણે કબૂલ્યું કે, તેને કોઈ બાળક તેના કે તેની દીકરી કરતાં વધુ સુંદર હોય તે સહન થતું નહોતું. આ ઈર્ષ્યાને કારણે, આ 'કિલર મહિલા'એ પોતાના ત્રણ વર્ષના દીકરા સહિત કુલ ચાર માસૂમ બાળકોની હત્યા કરી નાખી.
સુંદરતાની ઈર્ષ્યા હત્યાનું કારણ
આ મહિલાએ હત્યાની શરૂઆત વર્ષ 2023માં સોનીપતના બોહડ ગામમાં કરી, જ્યાં તેણે પોતાની નણંદની નાની દીકરીને બાથરૂમમાં લઈ જઈને પાણીમાં ડૂબાડી દીધી. પરિવારે આ ઘટનાને અકસ્માત માની લીધો. જોકે, પૂનમને પકડાઈ જવાનો ડર હતો, તેથી શંકા ન જાય તે માટે તેણે પોતાના જ ત્રણ વર્ષના દીકરાને પણ એ જ રીતે પાણીમાં ડૂબાડીને મારી નાખ્યો અને પછી પાગલોની જેમ રડવાનો ઢોંગ કર્યો. વર્ષ 2025માં તેણે ફરી આ જ પદ્ધતિ અપનાવી અને આ વખતે તેના પિયરમાં રહેતી તેના ભાઈની દીકરી એટલે કે ભત્રીજીને નિશાન બનાવી, જેની સુંદરતા તેના માટે ઈર્ષ્યાનું કારણ બની હતી.
આ પણ વાંચો: 28 કલાક રોકાશે, અનેક બિઝનેસ ડીલ, પ્રાઈવેટ ડીનર... જાણો પુતિનના ભારત પ્રવાસની વિગતો
લગ્ન સમારોહમાં ખૂલ્યું ચોથી હત્યાનું રહસ્ય
આ સીરિયલ કિલરના ભયાનક ઈરાદાઓ 1 ડિસેમ્બર, 2025ના રોજ પાણીપતના નૌલ્થા ગામમાં એક લગ્ન સમારોહ દરમિયાન બહાર આવ્યા. પૂનમે જેઠાણીની 6 વર્ષની દીકરી વિધિને ટબમાં રમવાનું કહીને તેનું માથું પાણીમાં દબાવી દીધું. જોકે, આ વખતે પૂનમનું નસીબ તેની સાથે નહોતું. જ્યારે બાળકીનો મૃતદેહ મળ્યો, ત્યારે તપાસમાં જાણવા મળ્યું કે ટબ માત્ર એક ફૂટનું હોવા છતાં બાળકીના પગ બહાર હતા અને માથું પાણીમાં હતું. આ વિસંગતતાને કારણે શંકાની સોય સીધી પૂનમ પર અટકી. પોલીસે 36 કલાકની પૂછપરછ બાદ પૂનમ પાસેથી આ ચારેય ક્રૂર હત્યાઓના રહસ્યો જાણી લીધા. પૂનમે કબૂલ્યું કે, 'મને દરેક હત્યા બાદ ખુશ થતી હતી, જે મારા માટે એક 'જીત' સમાન હતી.' પાણીપત પોલીસે તેની ધરપકડ કરીને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી છે અને અન્ય કોઈ બાળક તેનો ભોગ બન્યું છે કે કેમ, તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.

