28 કલાક રોકાશે, અનેક બિઝનેસ ડીલ, પ્રાઈવેટ ડિનર... જાણો પુતિનના ભારત પ્રવાસની વિગતો

| (IMAGE - IANS) |
Vladimir Putin India Visit: રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ગુરુવારે, 4 ડિસેમ્બર 2025ના રોજ, બે દિવસની રાજકીય યાત્રા માટે નવી દિલ્હી પહોંચશે, જ્યાં તેમનું આગમન સાંજે લગભગ 4:30 વાગ્યે થવાની સંભાવના છે. પુતિનના આગમન બાદ વડાપ્રધાન મોદી તેમના માટે પ્રાઈવેટ ડિનરનું આયોજન કરશે, જે ગયા વર્ષે પીએમ મોદીની મોસ્કો મુલાકાત દરમિયાન પુતિને કરેલા ખાનગી આતિથ્ય સત્કાર જેવું જ હશે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે છેલ્લા બે દાયકામાં ભારત-અમેરિકાના સંબંધો સૌથી વધુ કથળ્યા છે, કારણ કે રશિયન તેલ ખરીદવા બદલ 25% વધારાના શુલ્ક સહિત ભારતીય નિકાસ પર અમેરિકાએ 50% સુધીની ભારે ડ્યૂટી લાદી દીધી છે. પુતિન દિલ્હીમાં લગભગ 28 કલાક રોકાશે.
શિખર મંત્રણા અને મુખ્ય કાર્યક્રમો
પુતિનનું શુક્રવારે ઔપચારિક સ્વાગત કરવામાં આવશે, ત્યારબાદ 23મી ભારત-રશિયા શિખર વાર્તા યોજાશે. આ પહેલા પુતિન સવારે રાજઘાટ પણ જશે. શિખર વાર્તા પછી, પીએમ મોદી હૈદરાબાદ હાઉસમાં પુતિન અને તેમના પ્રતિનિધિમંડળ માટે લંચનું આયોજન કરશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તેમના સન્માનમાં રાજકીય ભોજન સમારંભની મેજબાની કરશે અને પુતિન શુક્રવારે રાત્રે લગભગ 9:30 વાગ્યે ભારતથી પ્રસ્થાન કરશે. પુતિનની આ યાત્રા દરમિયાન ભારત અને રશિયા વચ્ચે નીચેના ક્ષેત્રોમાં કેટલીક મહત્ત્વપૂર્ણ ડીલ થવાની સંભાવના છે:
2030 ઇકોનોમિક કો-ઓપરેશન પ્રોગ્રામ (આર્થિક સહયોગ કાર્યક્રમ)
સેક્ટોરલ એગ્રીમેન્ટ્સ (ક્ષેત્રીય કરારો): જેમાં વેપાર (Trade), ઊર્જા (Energy), કૃષિ (Agriculture), આરોગ્ય (Health), મીડિયા વગેરેનો સમાવેશ થાય છે.
SU-57 સ્ટેલ્થ ફાઇટર જેટ ડીલ
સુરક્ષા સહયોગ ડીલ (Security Cooperation Deal)
લોજિસ્ટિક સપોર્ટ ડિફેન્સ સમજૂતી
મોડ્યુલર રિએક્ટર (Modular Reactor)
ઊર્જા સહયોગ ડીલ (Energy Corporation Deal)
ઓઇલ સેક્ટર
બ્રહ્મોસ મિસાઇલ અપગ્રેડ
મુખ્ય એજન્ડા અને સંભવિત કરારો
આ શિખર બેઠકમાં અનેક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. ભારત દ્વારા રશિયન ક્રૂડ ઓઇલની મોટી માત્રામાં ખરીદીને કારણે વધી રહેલી વેપાર ખાધનો મુદ્દો ઉઠાવવામાં આવે તેવી શક્યતા છે. સાથે જ, અમેરિકન પ્રતિબંધોની ભારત દ્વારા રશિયન તેલની ખરીદી પર થતી અસર વિશે પણ ચર્ચા થશે. પુતિન યુક્રેન સંઘર્ષને સમાપ્ત કરવા માટે અમેરિકાના પ્રયાસો વિશે પીએમ મોદીને માહિતગાર કરશે.
બેઠક બાદ બંને દેશો વચ્ચે ઘણા કરારો પર હસ્તાક્ષર થવાની સંભાવના છે, જેમાં રશિયામાં ભારતીય શ્રમિકોની અવરજવરને સરળ બનાવવા માટેનો કરાર અને સંરક્ષણ સહયોગ માટે સામાન-સામગ્રી સંબંધિત કરાર મુખ્ય છે.
આ ઉપરાંત, ફાર્મા, કૃષિ, ખાદ્ય ઉત્પાદનો અને ગ્રાહક વસ્તુઓના ક્ષેત્રોમાં રશિયામાં ભારતીય નિકાસમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. ભારત ખાતર ક્ષેત્રે પણ સહયોગ વધારવાની દિશામાં કામ કરી રહ્યું છે, કારણ કે રશિયા દર વર્ષે ભારતને 30થી 40 લાખ ટન ખાતર પૂરું પાડે છે. બંને પક્ષો નવી દિલ્હી દ્વારા પ્રસ્તાવિત યુરેશિયન આર્થિક સંઘ (Eurasian Economic Union) સાથે મુક્ત વેપાર કરાર(FTA) પર પણ ચર્ચા કરશે, જે વહેલી તકે પૂર્ણ કરવાનું લક્ષ્ય છે, કેમ કે ભારત રશિયાની તરફેણમાં વધી રહેલા વેપાર ખાધ (જ્યાં ભારતની ખરીદી $65 બિલિયન અને રશિયાની આયાત $5 બિલિયન છે) ને લઈને ચિંતિત છે.
સંરક્ષણ મંત્રીઓની વાર્તા અને S-400 ડીલ
શિખર બેઠક પહેલા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને તેમના રશિયન સમકક્ષ આન્દ્રે બેલોઉસોવ વચ્ચે ગુરુવારે વ્યાપક વાર્તાલાપ થશે. આ વાર્તાના મુખ્ય એજન્ડામાં S-400 મિસાઇલ પ્રણાલીની ખરીદી , સુખોઈ 30 ફાઇટર જેટના અપગ્રેડેશન અને અન્ય મહત્ત્વપૂર્ણ સૈન્ય સામાનની ખરીદીમાં ભારતની રુચિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
સંરક્ષણ સંબંધોને વધુ વિસ્તૃત કરવા અને સૈન્ય સામાનનો ઝડપી પુરવઠો સુનિશ્ચિત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. ભારત રશિયા પાસેથી સપાટીથી હવામાં પ્રહાર કરતી S-400 મિસાઇલ પ્રણાલીઓના વધારાના જથ્થાની ખરીદી પર વિચાર કરી રહ્યું છે, કારણ કે તે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ખૂબ અસરકારક સાબિત થઈ હતી. ઉલ્લેખનીય છે કે, 2018માં ભારતે $5 બિલિયનના ખર્ચે S-400 સિસ્ટમની પાંચ યુનિટ ખરીદવાનો કરાર કર્યો હતો, જોકે અમેરિકાએ CAATSA(કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ સેંક્શન્સ એક્ટ) હેઠળ પ્રતિબંધોની ચેતવણી આપી હતી.
ભારતના વડાપ્રધાન અને રશિયન પ્રમુખ વચ્ચે વાર્ષિક શિખર બેઠક બંને દેશોના સંબંધોની સમીક્ષા માટે યોજાય છે, જેમાંથી અત્યાર સુધીમાં 22 બેઠકો યોજાઈ ચૂકી છે. પુતિને છેલ્લે 2021માં ભારતની મુલાકાત લીધી હતી, જ્યારે પીએમ મોદી ગયા વર્ષે જુલાઈમાં મોસ્કો ગયા હતા.

