નૈનિતાલના આ ગામોમાં લોકશાહીનો સૂરજ ઉગ્યો, સ્વતંત્રતા બાદ પહેલીવાર થશે પંચાયતની ચૂંટણી
Uttarakhand Panchayat Election: નૈનિતાલ જિલ્લાના કેટલાક ગામોમાં આ વખતે એવું થવા જઈ રહ્યું છે, જે આઝાદીના આટલા વર્ષો પછી પહેલીવાર જોવા મળશે. જે લોકો અત્યાર સુધી માત્ર લોકોશાહીના દર્શક હતા તેઓ હવે તેના ભાગ બનવા જઈ રહ્યા છે. હકીકતમાં નૈનિતાલ જિલ્લાના રામનગર સ્થિત કેટલાક ટોંગિયા ગામના લોકો પહેલીવાર પંચાયતની ચૂંટણીમાં પોતાનું મતદાન કરશે. આખરે આ ટોંગિયા ગામોને આટલા વર્ષો પછી કેમ મતદાન અધિકાર મળ્યો? શું છે ટોંગિયા ગામોની સ્ટોરી તે વિગતે જાણીએ.
તાજેતરમાં આ ગામોને રાજસ્વ ગામ તરીકેનો દરજ્જો મળ્યો
ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લામાં આ વખતે પહેલીવાર પંચાયત ચૂંટણી ઐતિહાસિક બની રહી છે. રામનગર વિસ્તારના ત્રણ ગામો રામપુર, લેટી અને ચોપડાના લોકોને આઝાદી પછી પહેલીવાર મતદાન કરવાનો અધિકાર મળી રહ્યો છે. આ ગામોને હાલમાં જ રાજસ્વ ગામ તરીકેનો દરજ્જો મળ્યો છે. જેના કારણે અહીંના લોકો પંચાયત રાજ વ્યવસ્થામાં ભાગ લઈને પોતાનો પ્રધાન ચૂંટી શકશે.
આવી છે ટોંગિયા ગામની સ્ટોરી
રામનગર વિસ્તારના કૉર્બેટ ટાઈગર રિઝર્વ અને અન્ય વન વિસ્તારોથી ઘેરાયેલો છે. અહીં કેટલાક ગામો જંગલોની અંદર વસેલા છે, જેને ટોંગિયા ગામ કહેવામાં આવે છે. તેમની સ્થાપના અંગ્રેજોના સમય જંગલોની દેખરેખ માટે કરવામાં આવી હતી. પરંતુ આ ગામડાંઓને ન તો રાજસ્વ ગામનો દરજ્જો મળ્યો કે, ન તો ત્યાંના રહેવાસીઓ તરીકે કોઈ પણ સરકારી યોજનાનો લાભ મળ્યો.
આ પણ વાંચો: કેરળમાં નિપાહ વાઈરસના કારણે 18 વર્ષના યુવકનું મોત, 46 નવા કેસ... જાણો બીમારીના લક્ષણ
રાજસ્વ ગામ તરીકેનો દરજ્જો મળતાં ગામોને સુવિધાઓ મળશે
ઉલ્લેખનીય છે કે, આટલા વર્ષો પછી એટલે કે આઝાદીના 75 વર્ષ પછી હવે આ ત્રણ ગામોને રાજસ્વ ગામ તરીકેનો અધિકાર મળ્યો છે, તેથી હવે અહીં શિક્ષણ, આરોગ્ય, વીજળી, રસ્તાઓ અને પાણી જેવી સુવિધાઓ મળી રહેશે અને ગામોનો વિકાસ પણ થશે. પહેલીવાર આ ગામોને મતદાનનો અધિકાર મળતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.