For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતના દબાણથી આતંકવાદને ફંડ પૂરું પાડતા દેશોના લિસ્ટમાં પાકિસ્તાનનો સમાવેશ

- પેરિસમાં આવેલી ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)નો રિપોર્ટ

- આ ગ્રે લિસ્ટમાંથી પોતાનું નામ બહાર નીકળે એવી દરેક દેશની ઈચ્છા હોય છ

Updated: Feb 22nd, 2019

Article Content Image

(પીટીઆઈ) નવી દિલ્હી, તા.22 ફેબ્રુઆરી, 2019, શુક્રવાર

આતંકવાદીઓને ફંડ આપતા અને આતંકવાદનું પોષણ કરતા આંતરરાષ્ટ્રીય લિસ્ટમાં પાકિસ્તાનનું સ્થાન યથાવત રહ્યું છે. પેરિસમાં આવેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા 'ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)' દર વર્ષે 'ગ્રે લિસ્ટ' બહાર પાડે છે.

એ લિસ્ટમાં આતંકવાદને પોષનારા દેશ તરીકે આ વખતે પણ પાકિસ્તાનને સ્થાન મળ્યું છે. કેમ કે પાકિસ્તાનમાં આતંકવાદીઓને ફંડ મળવાની પ્રવૃત્તિ બંધ નથી થઈ. સાથે સાથે રિપોર્ટમાં થોડા સમય પહેલા પુલવામામાં થયેલા આતંકી હુમલાની પણ ટીકા કરવામાં આવી હતી.  

રોકાણકર્તાઓ ક્યા દેશમાં રોકાણ કરી શકે તેનું માર્ગદર્શન મળે એટલા માટે આવા લિસ્ટ બનતા હોય છે. એક અઠવાડિયાથી પેરિસમાં એફએટીએફની બેઠક ચાલતી હતી. એ બેઠકના અંતે ૨૨મી તારીખે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો.

દરેક દેશ ઈચ્છતો હોય કે આ લિસ્ટમાં તેનું નામ ન આવે. કેમ કે આ લિસ્ટમાં સ્થાન હોવાથી આંતરરાષ્ટ્રીય રોકાણ અટકી જતુ હોય છે. રસપ્રદ રીતે આ લિસ્ટમાં પાકિસ્તાનનું સ્થાન એ ભારતની કૂટનૈતિક જીત છે. કેમ કે ગયા વર્ષે ભારતના પ્રયાસથી જ પાકિસ્તાનને આ લિસ્ટમાં સ્થાન મળ્યું હતુ.

ભારતે આ સંસ્થાને જૂન-૨૦૧૮માં પાકિસ્તાન વિરૃદ્ધ પૂરાવા આપ્યા હતા. પાકિસ્તાન કઈ રીતે આતંકવાદને પ્રોત્સાહન આપે છે અને કઈ રીતે નાણાકિય સહાય કરે છે, તેની વિગતો રજૂ કરી હતી.

માટે પાકિસ્તાનની ઈચ્છા ન હોવા છતાં તેને આ લિસ્ટમાં શામેલ કરાયુ હતુ. પાકિસ્તાન આ વખતે લિસ્ટમાંથી બહાર નીકળવા માંગતુ હતુ, પરંતુ સફળતા મળી નથી. પાકિસ્તાનને બહાર નીકળવું હોય તો જે સંસ્થા દ્વારા અપાયેલા ૨૭ મુદ્દાનું લિસ્ટ છે, તેનું પાલન કરવું પડે. 

આ લિસ્ટમાંથી બહાર નીકળવા માટે પાકિસ્તાન પાસે જાન્યુઆરી ૨૦૧૯ સુધીનો સમય હતો. એ દરમિયાન પાકિસ્તાને જમાત ઉદ દાવાના હાફિઝ સઈદ જેવા આતંકીઓ પર પ્રતિબંધ મુક્યો છે. પરંતુ એટલી કામગીરી પૂરતી સાબિત થઈ નથી. માટે પાકિસ્તાન લિસ્ટમાંથી હટી શક્યું નથી. હવે જુન મહિનામાં ફરીથી રિવ્યુ થશે, ત્યાં સુધીમાં પાકિસ્તાનના આતંકવાદ પ્રેમમાં ઘટાડો થયો હશે તો કદાચ આ લિસ્ટમાં તેને છૂટછાટ મળી શકે છે.

Gujarat