Get The App

‘પાકિસ્તાનનો ગેરકાયદે પરમાણુ પ્રવૃત્તિઓનો લાંબો ઈતિહાસ’, ટ્રમ્પના દાવા બાદ ભારતની પ્રતિક્રિયા

Updated: Nov 7th, 2025

GS TEAM

Google News
Google News
‘પાકિસ્તાનનો ગેરકાયદે પરમાણુ પ્રવૃત્તિઓનો લાંબો ઈતિહાસ’, ટ્રમ્પના દાવા બાદ ભારતની પ્રતિક્રિયા 1 - image

India Raction On Donald Trump Claim : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન પર ગુપ્ત પરમાણુ પરીક્ષણો કરવાના કરેલા ચોંકાવનારા દાવાને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચ્યો છે. ટ્રમ્પે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, રશિયા-ચીન-ઉત્તર કોરિયાની સાથે પાકિસ્તાન પણ ગુપ્ત રીતે પરમાણુ પરીક્ષણ કરી રહ્યું છે. હવે આ મામલે ભારતે સત્તાવાર પ્રતિક્રિયા આપી છે.

પાકિસ્તાનનો ઈતિહાસ જ ગેરકાયદે : ભારત

વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાનનો ઈતિહાસ જ ગેરકાયદે અને છૂપી પરમાણુ પ્રવૃત્તિઓથી ભરેલો રહ્યો છે અને ભારત આ અંગે હંમેશા વિશ્વને ચેતવતું રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે (Randhir Jaiswal) કહ્યું કે, ‘તસ્કરી કરવી, નિકાસ નિયંત્રણનું ઉલ્લંઘન કરવું, ગુપ્ત મદદો કરવી, એક્યુ ખાન નેટવર્ક ચલાવવું અને પરમાણુ પ્રસાર કરવો એ પાકિસ્તાનની દાયકાઓ જૂની પ્રવૃત્તિ છે. ભારત હંમેશા આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન પાકિસ્તાનની આ કરતૂતો તરફ દોરતું રહ્યું છે. આ સંદર્ભમાં ભારતે ટ્રમ્પના નિવેદનને નોંધમાં લીધું છે.’

આ પણ વાંચો : AIના કારણે વિશ્વભરમાં હાહાકાર, અમેરિકામાં અનેક સેક્ટરોમાં 11 લાખ નોકરી સાફ, ડ્રાઈવર્સની નોકરી પણ જોખમમાં

ટ્રમ્પે શું દાવો કર્યો હતો?

2 નવેમ્બરે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) દાવો કર્યો હતો કે, રશિયા, ચીન અને પાકિસ્તાન પરમાણુ પરીક્ષણ કરી રહ્યા છે, જ્યારે અમેરિકા આ ક્ષેત્રમાં પાછળ છે. જોકે, તેમણે કોઈ નક્કર પુરાવા રજૂ કર્યા ન હતા, પરંતુ તેમના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર એવી ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે, પાકિસ્તાને એપ્રિલ-મે 2025ની વચ્ચે ગુપ્ત પરીક્ષણ કર્યું હશે. આ પરીક્ષણના કારણે જ અફઘાનિસ્તાન-પાકિસ્તાન ક્ષેત્રમાં સતત મધ્યમ તીવ્રતાના ભૂકંપના આંચકા આવ્યા હોવાની પણ ચર્ચા છે.

ભૂકંપ અને જૂના પરીક્ષણો સાથે સરખામણી

30 એપ્રિલથી 12 મે વચ્ચે 4.0થી 4.7ની તીવ્રતાના ભૂકંપ આવ્યા હતા, તેની તુલના 1998ના ચાગાઈ-1 અને ચાગાઈ-2 પરમાણુ પરીક્ષણો સાથે કરવામાં આવી છે. જોકે પાકિસ્તાને પરીક્ષણ કર્યા હોવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. પાકિસ્તાને કહ્યું છે કે, તે પહેલું પરીક્ષણ કરનાર દેશ નહોતો અને ન આગળ આવું નહીં કરે. પાકિસ્તાને છેલ્લે 1998માં પરમાણુ પરીક્ષણો કર્યા હતા. તેણે ભારતના પોખરણ-2 પરીક્ષણના જવાબમાં પરીક્ષણ કર્યું હતું. ત્યારથી અત્યાર સુધી પાકિસ્તાને સત્તાવાર રીતે કોઈ પરમાણુ પરીક્ષણ કર્યું નથી.

રાજનાથ સિંહનો અમેરિકા-પાકિસ્તાનને જડબાતોડ જવાબ

પાકિસ્તાનના ગુપ્ત પરમાણુ પરીક્ષણો અંગેના ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓ વચ્ચે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે સ્પષ્ટ કહ્યું છે કે, ‘ભારત પર કોઈ દબાણ લાવી શકાય નહીં. અમેરિકા કે પાકિસ્તાન શું કરી રહ્યા છે તેનાથી ભારતની નીતિ બદલાશે નહીં. ભારત તેની સુરક્ષા અને પરમાણુ નીતિ અંગેના નિર્ણયો પોતાના હિતોના આધારે અને યોગ્ય સમયે જ લેશે.’

આ પણ વાંચો : અમેરિકામાં શટડાઉનની માઠી અસર : ન્યૂયોર્ક, લોસ એન્જેલસ સહિત 40 એરપોર્ટ પર સંચાલન ઠપ થશે!