Get The App

પહલગામ હુમલાનું નવું સત્ય, ભારતને હુમલાખોરો વિરુદ્ધ પહેલીવાર મળ્યા નક્કર પુરાવા

Updated: Aug 4th, 2025

GS TEAM

Google News
Google News
પહલગામ હુમલાનું નવું સત્ય, ભારતને હુમલાખોરો વિરુદ્ધ પહેલીવાર મળ્યા નક્કર પુરાવા 1 - image


Pahalgam Terrorist Attack : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે આતંકવાદી હુમલો કરનાર ત્રણેય આતંકવાદીઓ પાકિસ્તાનના જ હોવાનો ખુલાસો થયો છે. ભારતીય સુરક્ષા દળોએ 28 જુલાઈએ અથડામણમાં ત્રણે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. ત્યારે આ ત્રણેય આતંકીઓ પાકિસ્તાની નાગરિક હોવાના નક્કર પુરાવા હાથ લાગ્યા હોવાનો ભારતીય સુરક્ષા એજન્સીઓએ દાવો કર્યો છે. એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈને કહ્યું કે, કેન્દ્ર સરકાર અને સુરક્ષા એજન્સીઓ પાસે પાકિસ્તાની દસ્તાવેજ છે, જે પહલગામમાં હુમલો કરનારાઓની પાકિસ્તાની નાગરિકતા સાબિત કરે છે.

બાયોમેટ્રિક સૌથી મોટો પુરાવો

પીટીઆઈના રિપોર્ટ મુજબ, ભારતીય સુરક્ષાઓએ ત્રણે હુમલાખોરોના બાયોમેટ્રિક પુરાવા અને પાકિસ્તાન સરકારે જારી કરેલ દસ્તાવેજને ટાંકીને ત્રણે આતંકીઓ પાકિસ્તાની નાગરિક હોવાનો દાવો કર્યો છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ, સેનાએ 28 જુલાઈએ ઓપરેશન મહાદેવ પાર પાડી ત્રણેય આતંકીઓને ઠાર કર્યા હતા અને તે ત્રણેય આતંકી સંગઠન લશ્કર-એ-તોઈબાના આતંકી હતા. પહલગામમાં હુમલો કર્યા બાદ ત્રણેય દાચીગામ-હરવાન જંગલમાં છુપાઈ ગયા હતા, ત્યારબાદ માહિતી મળતા જ ત્રણેયને ઠાર કરી દેવાયા હતા.

આતંકીઓના કપડામાંથી પાકિસ્તાની ID મળી

સુરક્ષા એજન્સીઓએ દાવો કર્યો છે કે, પાકિસ્તાનની નેશનલ ડેટાબેસ એન્ડ રજિસ્ટ્રેશન ઓથોરિટી (NDRA)માંથી ત્રણેય હુમલાખોરોના બાયોમેટ્રિક ડેટા, લેમિનિટેડ વોટર સ્લિપ, ડિજિટલ સેટેલાઈટ ફોન ડેટા અને જીપીએસ લૉગ મળ્યા છે. ત્રણેય હુમલાખોરની ઓળખ લશ્કરના શૂટર અને પહલગામ હુમલાના માસ્ટરમાઈન્ડ સુલેમાન શાહ ઉર્ફ ફૈજલ જટ્ટ, લશ્કરના એ-ગ્રેડ કમાન્ડર અને શૂટર અબૂ હમજા ઉર્ફે અફગાન અને લશ્કરના એ-ગ્રેડ કમાન્ડર અને શૂટર યાસિર ઉર્ફે જિબ્રાન તરીકે થઈ છે. તેમના કપડા અને સામાનમાંથી તેઓ પાકિસ્તાની હોવાના દસ્તાવેજ મળ્યા છે.

પાકિસ્તાનની વોટર સ્લિપ મળી

સુલેમાન શાહ અને અબૂ હમજાના કપડામાંથી પાકિસ્તાન ચૂંટણી પંચની બે લેમિનિટેડ વોટર કાર્ડ મળી આવ્યા છે. સુલેમાન અને અબૂ લાહોર (NA-125) અને ગુજરાંવાલા (NA-79)નો મતદાર છે. આ ઉપરાંત સેટેલાઈટ ફોન અને માઈક્રો-એસડી કાર્ડ પણ મળ્યા છે, જેમાં NDRA સંબંધી ડેટા, ફિંગરપ્રિન્ટ, ફેસ સ્કેન અને પરિવારના નામ હતા. આ પરિવાર કસૂલ જિલ્લાના ચંગામંગા અને પાકિસ્તાની અધિકૃત પીઓકેમાં રાવલકોટ પાસેના કોઈયન ગામના રહેવાસી હોવાના સંકેત છે.

આ પણ વાંચો : ‘કેન્દ્ર સરકારની DDLJ નીતિ’ સુપ્રીમ કોર્ટે ચીન સંબંધી કેસમાં રાહુલ ગાંધીની ઝાટકણી કાઢ્યા બાદ મોદી સરકાર પર ભડકી કોંગ્રેસ

પાકિસ્તાની ચૉકલેટ રેપર મળ્યા

સર્ચ ઓપરેશનમાં પાકિસ્તાનના કરાંચીમાં બનેલી કેન્ડીલેન્ડ અને ચોકોમેક્સ ચોકલેટના રેપર મળ્યા છે. બૈસરન હુમલામાં ઉપયોગ કરાયેલ હથિયારો અને ત્રણ એકે-103 રાયફલોની કારતુસ પણ મળી આવ્યા છે. પહલગામમાં જે ફાટેલો શર્ટ મળ્યો હતો, તેના પર લોહીના નિશાન હતા, તેના ડીએનએની પણ વિગતો સામે આવી છે. લોહીના ડીએનએ ત્રણેય આતંકીઓના માઈટોકોન્ડ્રિયલ પ્રોફાઈલ સાથે મેચ થઈ ગયા છે. ત્રણે આતંકીઓએ મે-2022માં ઉત્તર કાશ્મીરના ગુરેજ સેક્ટરથી ભારતમાં ઘૂસણખોરી કરી હતી.

હુમલા બાદ જંગલમાં છુપાયા હતા

ત્રણેય આતંકીઓએ બૈસરન ખીણથી બે કિલોમીટર દૂર હિલ પાર્ક પાસેની ઝુંપટપટ્ટીમાં 21 એપ્રિલે આશરો લીધો હતો. પહલગામમાં રહેતો પરવેજ અને બશીર અહમદ જોખરે આતંકીઓને ભોજન અને આખી રાત રહેવાની સુવિધા પુરી પાડી હતી. બીજા દિવસે 22 એપ્રિલે ત્રણેય આતંકીઓએ હુમલો કર્યા બાદ દાચીગામ જંગલમાં છુપાઈ ગયા હતા. હુમલા દરમિયાન ત્રણેય આતંકીઓએ 22 એપ્રિલથી 25 જુલાઈ વચ્ચે હુવેઈ સેટેલાઈટ ફોનથી ઈનમારસૈટ-4F1 સેટેલાઈટ સાથે કનેક્ટ કરીને અનેક વખત વાતચીત કરી હતી.

આ પણ વાંચો : ....તો ભારતમાં ઈન્ટરનેટ ઠપ થઈ જશે? જાણો ગૂગલ, જિયો અને એરટેલને કઈ વાતનો ડર પેઠો

Tags :