‘કેન્દ્ર સરકારની DDLJ નીતિ’ સુપ્રીમ કોર્ટે ચીન સંબંધી કેસમાં રાહુલ ગાંધીની ઝાટકણી કાઢ્યા બાદ મોદી સરકાર પર ભડકી કોંગ્રેસ
Congress 8 Questions On China At PM Modi : સુપ્રીમ કોર્ટે ચીન સંબંધી નિવેદન આપવા મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ઝાટકણી કાઢ્યા બાદ કોંગ્રેસે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે ચીન સાથે સરહદ વિવાદ મામલે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે, 15 જૂન-2020ના રોજ ગલવાનમાં આપણા 20 બહાદુર સૈનિકો શહીદ થયા હતા, ત્યારથી તમામ દેશભક્ત ભારતીયોના મનમાં કેટલાક જરૂરી સવાલો ઊભા થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, મોદી સરકારે છેલ્લા પાંચ વર્ષમાં પોતાની ડીડીએલજે - Deny, Distract, Lie, and Justify (ઇન્કાર કરવું, ધ્યાન ભટકાવવું, ખોટું બોલવું અને તમામ વાતે જસ્ટિફાઇ કરવું)ની નીતિ અપાવી રહ્યા છે અને સત્યની અસરને ઘટાડવા તેમજ છુપાવવાનો વિકલ્પ પસંદ કરી રહી છે.
કોંગ્રેસે કેન્દ્ર સરકારને પૂછ્યા આ સવાલ
- 19 જૂન-2020ના રોજ આપણા સૈનિકો શહીદ થયા હતા, તેના ચાર દિવસ બાદ વડાપ્રધાને એવું કેમ કહ્યું કે, ‘આપણી સરહદમાં કોઈ ઘૂસ્યું નથી અને ઘૂસેલું પણ નથી?’ શું તેમણે આવું કહી ચીનને ક્લીનચીટ આપી હતી?
- ભારતીય સેનાના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું છે કે, અમે એપ્રિલ-2020ની યથાસ્થિતિ પર પરત ફરવા માંગીએ છીએ. શું 21 ઑક્ટોબર-2024ના રોજ બંને દેશો વચ્ચે થયેલી સમજૂતી આપણને વાસ્તવમાં તે યથાસ્થિતિ પર લઈ જાય છે?
- શું એ સાચું નથી કે, આજે ભારતીય પેટ્રોલિંગ ટુકડીઓને ડેપસાંગ, ડેમચોક અને ચુમારમાં પોતાના પેટ્રોલિંગ પોઇન્ટ સુધી જવા માટે ચીનની સંમતિ લેવાની જરૂર પડે છે, જ્યારે પહેલા તેઓ ભારતના પ્રાદેશિક અધિકારોનો મુક્તપણે ઉપયોગ કરતા હતા?
- શું એ સાચું નથી કે, ગાલવાન, હોટ સ્પ્રિંગ અને પેંગોંગ લેક વિસ્તારોમાં ભારતીય પેટ્રોલિંગ ટુકડીઓને 'બફર ઝોન'ના કારણે તે વિસ્તારોમાં પ્રવેશતા અટકાવવામાં આવી રહ્યા છે, ભલે આ બફર ઝોન ભારતની દાવાની રેખાની અંદર હોય?
- શું 2020માં વ્યાપકપણે અહેવાલ નહોતો કે પૂર્વી લદ્દાખનો લગભગ 1000 ચોરસ કિમી ચીનના નિયંત્રણમાં આવી ગયો છે, જેમાં ડેપસાંગનો 900 ચોરસ કિલોમીટર વિસ્તાર પણ સામેલ છે?
- શું એ સાચું નથી કે લેહના પોલીસ અધિક્ષકે પોલીસ મહાનિર્દેશકોના વાર્ષિક પરિષદમાં એક પેપર રજૂ કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતે પૂર્વી લદ્દાખમાં 65માંથી 26 પેટ્રોલિંગ પોઇન્ટ સુધી પહોંચ ગુમાવી દીધી છે?
- શું એ સાચું નથી કે, ચીનમાંથી આયાત ઝડપથી વધી રહી છે - ખાસ કરીને ઈલેક્ટ્રોનિક્સ, બેટરી અને સોલાર સેલ જેવા ક્ષેત્રોમાં? ભારતના ટેલિકોમ, ફાર્મા અને ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રો ચીની આયાત પર ખૂબ નિર્ભર બની ગયા છે? શું એ પણ સાચું નથી કે 2024-25માં ચીન સાથેની વેપાર ખાધ 99.2 બિલિયન ડૉલરના રૅકોર્ડ સ્તરે પહોંચી ગયો છે?
- શું એ સાચું નથી કે, મોદી સરકાર આજે એવા દેશ સાથે સંબંધો સામાન્ય કરવાનો પ્રયાસ કરી રહી છે, જેણે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનની લશ્કરી કાર્યવાહીમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે પાકિસ્તાનને J-10C ફાઇટર જેટ અને PL-15 એર-ટુ-એર મિસાઇલ જેવા હથિયારો પૂરા પાડ્યા હતા અને જેમ કે ડેપ્યુટી આર્મી ચીફ લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર. સિંહે ચોથી જુલાઈ-2025 કહ્યું હતું કે, ભારતીય લશ્કરી કાર્યવાહી પર લાઇવ ઇનપુટ્સ પણ પૂરા પાડ્યા હતા.
1960 બાદ સૌથી મોટી જમીન ગુમાવવા પાછળ મોદી સરકાર જવાબદાર
કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે, ‘સત્ય એ છે કે, મોદી સરકાર ભારતમાં 1960 બાદ અત્યાર સુધીમાં થયેલા સૌથી મોટી જમીન ગુમાવવા માટે જવાબદાર છે. મોદી સરકાર પોતાની કાયરતા અને અયોગ્ય આર્થિક પ્રાથમિકતાઓના કારણે હવે ચીન જેવા દુશ્મન દેશ સાથે બધું જ સામાન્ય કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટે રાહુલની ઝાટકણી કાઢ્યા બાદ જયરામ રમેશે આપ્યું નિવેદન
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ચીન મામલે કરેલો દાવો અને સુપ્રીમ કોર્ટે રાહુલની ઝાટકણી કાઢ્યા બાદ જયરામ રમેશનું આ નિવેદન સામે આવ્યું છે. રાહુલ ગાંધીએ ચીને ભારતની 2000 કિલોમીટરથી વધુની જમીન પર કબજો કરી લીધો હોવાનો દાવો કર્યો હતો, ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આ મામલે સોમવારે સુનાવણી હાથ ધરી રાહુલ ગાંધીની ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું કે, એક સાચો ભારતીય નાગરિક આવું નિવેદન આપતો નથી. જોકે કોર્ટે રાહુલ સામે દાખલ કરાયેલ માનહાનિના દાવા પર સ્ટે મૂક્યો હતો. કોર્ટે માનહાનિ મામલે સુનાવણી વખતે રાહુલને સવાલ કર્યો કે, ‘તમને કેવી રીતે ખબર પડી કે ચીને 2,000 કિલોમીટર જમીન પર કબજો કરી લીધો છે? જો તમે સાચા ભારતીય હોવ તો આવું ન બોલતા.’