....તો ભારતમાં ઇન્ટરનેટ ઠપ થઈ જશે? જાણો ગૂગલ, જિયો અને એરટેલને કઈ વાતનો ડર
India Internet Cables in Red Sea : યમનના ઈરાન-સમર્થિત હુથી વિદ્રોહીઓ લાલ સમુદ્ર અને એડન ગલ્ફમાં કોમર્શિયલ શિપિંગ પર હુમલાઓ કરીને વૈશ્વિક વેપાર માટે ગંભીર પડકારો ઊભા કરી રહ્યા છે. મોટાભાગના યુરોપિયન અને એશિયન દેશો, ખાસ કરીને ભારત, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, અને યુરોપિયન યુનિયનના સભ્ય દેશો વેપાર માટે લાલ સમુદ્રનો ઉપયોગ કરે છે. આ માર્ગ એશિયાથી યુરોપ સુધીના મુસાફરીનો સમય અને ખર્ચ ઘણો ઘટાડે છે. હુથીઓના અવાર-નવાર હુમલાના કારણે સૌથી વધુ ભારત પરેશાન છે, કારણ કે, ભારતનો મોટાભાગનો ઇન્ટરનેટ કેબલ્સનો રસ્તો લાલ સમુદ્રમાંથી જ પસાર થાય છે. જો આ કેબલને નુકસાન થશે તો દેશમાં ઇન્ટરનેટ સેવા ઠપ થઈ શકે છે. આ કારણે ગૂગલ, જિયો, એરટેલ જેવી કંપનીઓના ઇન્ટરનેટ પર ખતરો ઊથયો છે. જોકે આ કંપનીઓએ આ સંકટનો ટાળવા માટે રસ્તો શોધવાનું પણ શરુ કરી દીધું છે.
ભારત માટે લાલ સમુદ્રનું મહત્ત્વ
લાલ સમુદ્ર એ ભારત અને યુરોપ, ઉત્તર અમેરિકા અને આફ્રિકાના દેશો વચ્ચેના વેપાર માટેનો સૌથી ટૂંકો અને મહત્ત્વનો દરિયાઈ માર્ગ છે. આ માર્ગ સુએઝ નહેર દ્વારા ભૂમધ્ય સમુદ્ર સાથે જોડાય છે, જેના કારણે આફ્રિકા ખંડની ફરતે જહાજોને લાંબો ચક્કર લગાવવો પડતો નથી. સુએઝ નહેર માર્ગ(જેનો લાલ સમુદ્ર એક ભાગ છે)નો ઉપયોગ કરવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર લગભગ 7,000 કિલોમીટર ઘટી જાય છે. આનાથી મુસાફરીનો સમય અને બળતણ ખર્ચમાં મોટી બચત થાય છે, જે ભારતીય નિકાસકારો અને આયાતકારો માટે અત્યંત ફાયદાકારક છે. ભારતનો યુરોપ સાથેનો લગભગ 80% વેપાર આ માર્ગ પરથી પસાર થાય છે. આમાં કાચું તેલ, કપડાં, ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ, રાસાયણિક ઉત્પાદનો અને અન્ય સામગ્રીઓનો સમાવેશ થાય છે. આ માર્ગ પર કોઈપણ વિક્ષેપ ભારતીય અર્થતંત્ર પર સીધી અસર કરી શકે છે.
લાલ સમુદ્રમાં ભારતના કેબલ્સ વિશ્વ સાથે જોડાયેલા
ભારતની ડિજિટલ ઈકોનોમી માટે લાલ સમુદ્રનો રસ્તો ખૂબ જ જરૂરી મનાય છે. એવું પણ કહી શકાય કે, લાલ સમુદ્રમાંથી પસાર થતો ભારતનો ઇન્ટરનેટ કેબલ ડિજિટલ ઈકોનોમી પર ટકેલી છે. આ કેબલ ભારતને વિશ્વ સાથે જોડવાનું કામ કરે છે. ગૂગલ(Google)ની ‘બ્લૂ-રમન’, એરટેલ (Airtel)ની ‘2 આફ્રિકા‘ અને ‘Sea Me We 6’ અને રિલાયન્સ જિયો(Reliance Jio)ની ‘ઇન્ડિયા-યુરોપ એક્સપ્રેસ’ જેવા મહત્ત્વના કેબલ્સ લાલ સમુદ્રથી લઈને મુંબઈ અને ચેન્નાઈના સમુદ્ર કિનારા સુધી પહોંચે છે.
આ પણ વાંચો : 'વાદળો દ્વારા પર્વતોમાં પહોંચી રહી છે જીવલેણ ધાતુ...', હિમાલય અંગે ડરામણો રિપોર્ટ જાહેર
કેબલ કંપનીઓએ સંકટ ટાળવા તૈયારીઓ શરુ કરી
મીડિયા રિપોર્ટ મુજબ લાલ સમુદ્રમાં ભારતની ઇન્ટરનેટ કંપનીઓના કેબલ્સને નુકસાન થતું ટાળવા માટે ભારતીય કંપનીઓએ તૈયારીઓ શરુ કરી દીધી છે. જો હુથિ હુમલાના કારણે કેબલ્સ કપાઈ જાય તો કંપનીઓ વધુમાં વધુ ફાયબર કેબલ્સ જોડી રહ્યા છે. લાલ સમુદ્રમાં ખતરાને ધ્યાને રાખી લાઇટસ્ટૉર્મ ગ્રૂપના સીઈઓ અને મેનેજિંગ ડાયરેક્ટર અમજિત ગુપ્તાએ કહ્યું કે, ‘લાલ સમુદ્રમાં તણાવ વધી ગયો છે, જો કોઈ સમસ્યા ઊભી થશે તો રિપેરિંગ કામ કરવું મુશ્કેલ છે. આ જ કારણે કંપનીઓ લાલ સાગર છોડી જમીન પર કેબલ્સ બિછાવવાની યોજના પર કામ કરી રહી છે. જોકે આ મોંઘી પ્રક્રિયા છે, આમ કરવાથી ડેટા સેન્ટર અને ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર્સનો ખર્ચ વધી જશે.
લાલ સમુદ્રમાં અવરોધ એટલે વૈશ્વિક વેપારને અસર
ભારત મધ્ય પૂર્વના દેશો, જેમ કે સાઉદી અરેબિયા અને ઈરાક પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસની આયાત કરે છે. આ ઉર્જા સ્ત્રોતો મોટાભાગે અરબી સમુદ્ર અને લાલ સમુદ્રના માર્ગે ભારતના બંદરો સુધી પહોંચે છે. તેથી, લાલ સમુદ્રની સુરક્ષા ભારતની ઉર્જા સુરક્ષા માટે નિર્ણાયક છે. લાલ સમુદ્ર એ એક મહત્ત્વપૂર્ણ "ચોક પોઇન્ટ" (choke point) છે. અહીંની ભૌગોલિક સ્થિતિ એવી છે કે જો કોઈ દેશ દ્વારા આ માર્ગને અવરોધવામાં આવે તો વૈશ્વિક વેપાર ખોરવાઈ શકે છે. આ પ્રદેશમાં સુરક્ષા અને સ્થિરતા જાળવવા માટે ભારતીય નૌકાદળ સક્રિય રહે છે. ભારત, આસપાસના દેશો સાથે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરીને તેની વ્યૂહાત્મક રુચિઓનું રક્ષણ કરે છે. ભારતે હાલમાં આર્થિક કોરિડોર વિકસાવવાની પહેલ કરી છે, જે સુએઝ કેનાલ પરની નિર્ભરતા ઘટાડી શકે છે. જોકે, આ કોરિડોરની સફળતા માટે પણ લાલ સમુદ્ર ક્ષેત્રની શાંતિ અને સુરક્ષા મહત્ત્વની છે.
લાલ સાગર સાથે કયા કયા દેશો જોડાયેલા છે?
જે દેશોની સરહદ લાલ સમુદ્ર સાથે જોડાયેલી છે તેઓ સીધા જ તેનો ઉપયોગ કરે છે. આમાં સૌદી અરેબિયા, યમન, ઇજિપ્ત, સુદાન, એરિટ્રિયા, અને જીબુટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઇઝરાયેલ અને જોર્ડન પણ અકાબાના અખાત દ્વારા લાલ સમુદ્ર સાથે જોડાયેલા છે. પૂર્વના તેલ ઉત્પાદક દેશો (જેમ કે સાઉદી અરેબિયા) પણ આ માર્ગનો ઉપયોગ કરીને યુરોપ અને અન્ય દેશોમાં તેલ અને ગેસની નિકાસ કરે છે. આમ, લાલ સમુદ્ર માત્ર કિનારાવાળા દેશો માટે જ નહીં, પરંતુ વૈશ્વિક વેપાર સાથે જોડાયેલા લગભગ તમામ દેશો માટે એક મહત્ત્વપૂર્ણ વેપારી માર્ગ છે.
આ પણ વાંચો : માનવી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાંથી કોણ ચઢિયાતું? રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો