‘જો કોંગ્રેસ અમારી શરતો માને તો અમે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવા તૈયાર’, CM હિમંતાએ રાહુલ ગાંધીને ફેંક્યો પડકાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Assam CM Himanta Biswa Sarma On Congress Vote Chori Allegations : આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સોમવારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા હતા. ગુવાહાટી ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તેમણે પડકાર ફેંક્યો છે કે, જો કેરળ, કર્ણાટક અને તેલંગાણામાં કોંગ્રેસની સરકારો રાજીનામું આપવા તૈયાર હોય, તો તેઓ બેલેટ પેપર દ્વારા ચૂંટણી લડવા માટે તૈયાર છે. આ સાથે તેમણે દાવો કર્યો કે, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના કાર્યકાળ દરમિયાન આ રાજ્યોમાં કથિત 'વોટ ચોરી' દ્વારા જ કોંગ્રેસની સરકારો બની હતી.
કોંગ્રેસ સરકારોના રાજીનામા સામે બેલેટ પેપરની શરત
વોટર લિસ્ટના 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) અને કથિત વોટ ચોરી સામે કોંગ્રેસના અભિયાન પર પ્રહાર કરતા આસામના CM હિમંતાએ કહ્યું કે, ‘જો રાહુલ ગાંધી અને કોંગ્રેસ પોતાની સરકારોના રાજીનામા માટે તૈયાર હોય, તો હું બેલેટ પેપરથી ચૂંટણી લડવા તૈયાર છું. કેરળ, કર્ણાટક, ઝારખંડ અને તેલંગાણાની સરકારોએ રાજીનામું આપવું જોઈએ, કારણ કે આ સરકારો પણ જ્ઞાનેશ કુમારના કાર્યકાળમાં 'વોટ ચોરી' દ્વારા જ બની હતી.’
'ઘૂસણખોરી રોકવા દર 5 વર્ષે SIR જરૂરી'
SIR પ્રક્રિયાનો બચાવ કરતા આસામના CM હિમંતાએ કહ્યું કે, ‘ભારતમાં SIRની ખૂબ જરૂર છે. મોટા પાયે થઈ રહેલી ગેરકાયદે ઘૂસણખોરીના કારણે આસામ, પશ્ચિમ બંગાળ અને ઝારખંડની ડેમોગ્રાફી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. દરરોજ ગેરકાયદે ઘૂસણખોરી થઈ રહી છે અને જો આપણે મતદાર યાદીમાંથી તેમના નામ નહીં હટાવીએ તો સમગ્ર દેશની ડેમોગ્રાફી બદલાઈ જશે. મારી સ્પષ્ટ માગ છે કે દર 5 વર્ષે SIR થવું જોઈએ, તો જ ભારતીય લોકશાહી બચી શકશે.’
વિદેશી તાકાતોના ઈશારે દેશમાં અરાજકતા ફેલાવવાનો આરોપ
રાહુલ ગાંધી પર ગંભીર આક્ષેપો મૂકતા આસામના CM હિમંતાએ કહ્યું કે, ‘રાહુલ ગાંધી અને કોંગ્રેસ વિદેશી તાકાતોના ઈશારે કામ કરી રહ્યા છે. તેઓ દેશની તમામ લોકતાંત્રિક સંસ્થાઓને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ભારતને નેપાળ તેમજ બાંગ્લાદેશ જેવી સ્થિતિમાં ધકેલવા માગે છે. રાહુલ ગાંધી દેશની લોકતાંત્રિક સંસ્થાઓને અરાજકતા તરફ લઈ જઈ રહ્યા છે.’
'માત્ર 2,000-3,000 લોકો સાથે જનસમર્થન વગરનો વિરોધ'
કોંગ્રેસના આંદોલનને સત્તા પરિવર્તનનો નિષ્ફળ પ્રયાસ ગણાવતા આસામના CM હિમંતાએ કહ્યું કે, ‘કોઈપણ પ્રકારના જનસમર્થન વિના રાહુલ ગાંધી સાથે માત્ર 2,000થી 3,000 લોકો જ જોડાઈ રહ્યા છે. આ સમગ્ર વિરોધ પ્રદર્શન હતાશ થયેલા લોકો અને વિચારધારાથી નક્સલી એવા લોકોના એક જૂથ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, જેઓ ભારતની પ્રગતિ જોવા નથી માંગતા.’




