દિલ્હીમાં વિપક્ષનું શક્તિપ્રદર્શન, કનોટ પ્લેસથી રામલીલા મેદાન સુધી રેલી: રાહુલ ગાંધીએ કરી મોટી જાહેરાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rahul Gandhi On Delhi Rally : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જાહેરાત કરી છે કે, 1 નવેમ્બરના રોજ રામલીલા મેદાન ખાતે યોજાનારી વિપક્ષની મહારેલી પહેલાં એક વિશાળ રેલી કાઢવામાં આવશે. આ આયોજન અંગે વાત કરતા રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું હતું કે, 'આ કોઈ એક રાજકીય પક્ષની કૂચ નથી, પરંતુ હિન્દુસ્તાનના આત્માની કૂચ છે.' તેમણે દેશભરમાંથી લોકોને આ આંદોલનમાં જોડાવા માટે આહ્વાન કર્યું છે.
કનોટ પ્લેસથી રામલીલા મેદાન સુધી રેલી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક યુઝરે આ કૂચના રૂટ અંગે પૂછેલા સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ માહિતી આપી હતી કે, આ માર્ચ મિન્ટો રોડ અને કનોટ પ્લેસના જંક્શનથી શરૂ થઈને રામલીલા મેદાન સુધી જશે. 1 નવેમ્બરના રોજ યોજાનારી આ કૂચમાં સમગ્ર વિપક્ષ એકસાથે જોવા મળશે અને આ કોઈ એક પક્ષનું નહીં પણ લોકશાહી બચાવવા માંગતા તમામ પક્ષો અને નાગરિકોનું પ્રદર્શન રહેશે.
માર્ચમાં સામાન્ય નાગરિકો સહિત તમામ વર્ગોને જોડાવા અપીલ
રાહુલ ગાંધીએ આ કૂચને જનઆંદોલનનું સ્વરૂપ આપતા જણાવ્યું હતું કે, રાજકીય અને બિનરાજકીય સંગઠનો, સામાજિક કાર્યકરો, સિવિલ સોસાયટી, પત્રકારો અને સામાન્ય નાગરિકોનું આ કાર્યક્રમમાં દિલથી સ્વાગત છે. તેમણે ઉમેર્યું હતું કે, 1 નવેમ્બરના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં વિપક્ષની રેલી અને કૂચ થશે, જેમાં રાજકીય પક્ષો ઉપરાંત સામાન્ય નાગરિકો, વેપારીઓ, નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ, પત્રકારો અને સિવિલ સોસાયટી સાથે જોડાયેલા તમામ લોકો વિરોધ દર્શાવવા માટે જોડાઈ શકે છે.
વરસાદના કારણે મોક પાર્લામેન્ટ કાર્યક્રમ સ્થગિત
વિપક્ષ દ્વારા શુક્રવારે એક મોક પાર્લામેન્ટનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ અણધાર્યા વરસાદના કારણે તેને સ્થગિત કરી શનિવાર સુધી લંબાવવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે વરસાદને કારણે આજનો મોક પાર્લામેન્ટનો કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે અને હવે આ કાર્યક્રમ શનિવારે આ જ સમયે યોજવામાં આવશે.
લોકોને દિલ્હી આવતા રોકવાનો ગૃહમંત્રી પર આરોપ
સરકાર પર આકરા પ્રહારો કરતાં રાહુલ ગાંધીએ ગંભીર આરોપ લગાવ્યો હતો કે ગૃહમંત્રી દ્વારા લોકોને દિલ્હી આવતા રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, તેલંગાણા અને પંજાબથી આવી રહેલા કોંગ્રેસ કાર્યકરો તેમજ સામાન્ય જનતાને અટકાવવામાં આવી રહી છે.
મત છીનવાઈ જવાથી જનતામાં ભારે રોષ: રાહુલ ગાંધી
સરકાર સામે પડકાર ફેંકતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'તમે રામલીલા મેદાનમાં જોજો કે કેટલા લોકો આવે છે અને તેઓ કેટલા લોકોને રોકી શકે છે. તેનાથી તમને અંદાજ આવી જશે કે દેશમાં શું ચાલી રહ્યું છે. લોકોમાં ભારે ગુસ્સો અને ભાવનાત્મક પીડા છે, કારણ કે લાખો લોકોને તેમના મતાધિકારથી વંચિત રાખવામાં આવી રહ્યા છે અને તેમનો મત છીનવાઈ રહ્યો છે.'




