India

જ્ઞાનેશ સામે વિપક્ષનું હાઈ વોલ્ટેજ શક્તિ પ્રદર્શન

By GS Team
7 Oct 20263 mins read
TukuTouch Logo
નવી દિલ્હીમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં ઇન્ડિયા બ્લોકના 140થી વધુ સાંસદોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 'વોટ ચોરી'ના આક્ષેપો સાથે 'સેવ ડેમોક્રસી માર્ચ' યોજી હતી. સંસદથી ચૂંટણી પંચ ભવન સુધીની માર્ચ દરમિયાન રાહુલ-પ્રિયંકા સહિત 250થી વધુની અટકાયત કરાઈ હતી. જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી સાથે વિપક્ષી નેતાઓએ આકાશવાણી ભવનમાં 10 કલાક ધરણાં કર્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

જ્ઞાનેશ સામે વિપક્ષનું હાઈ વોલ્ટેજ શક્તિ પ્રદર્શન
  • ચૂંટણી પંચ સામે પાંચ દિવસમાં પાંચમા દેખાવો : 'સર' વિરુદ્ધ ઈન્ડિયા બ્લોકના ૧૪૦થી વધુ સાંસદોની 'સેવ ડેમોક્રસી' માર્ચ
  • આકાશવાણી ભવનમાં ૧૦ કલાકના ધરણાં બાદ રાહુલ-પ્રિયંકા સહિત ૨૫૦થી વધુની અટકાયત
  • ચૂંટણી ભવન નજીક રોકવામાં આવતા રાહુલ બેરિકેડ પર ચઢી ગયા, તિરંગો લહેરાવ્યો
  • જ્ઞાનેશ કુમાર શનિવારે સીજેપી-આપના આંદોલન પહેલાં રાજીનામું આપી દેશે : આપ નેતાનો દાવો

નવી દિલ્હી : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વોટ ચોરીના આક્ષેપો સાથે મંગળવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ઈન્ડિયા બ્લોકના ૧૪૦થી વધુ સાંસદોએ જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી કરતાં સંસદથી ચૂંટણી પંચ ભવન સુધી 'સેવ ડેમોક્રસી માર્ચ' કરી હતી. જોકે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત સાંસદો અને દેખાવકારોને દિલ્હી પોલીસે ચૂંટણી પંચથી ૩૦૦ મીટર દૂર સુધી અટકાવી દીધા હતા. વિપક્ષના દેખાવોના કેન્દ્રમાં આવી ગયેલા રાહુલ ગાંધી સહિત દેખાવકારો આકાશવાણી ભવનમાં નવ કલાક કરતા વધુ સમય સુધી ધરણાં પર બેસી ગયા હતા. જોકે, દિલ્હી પોલીસે રાતે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ તથા ૫૦થી વધુ સાંસદો સહિતના નેતાઓની અટકાયત કરી હતી અને તેમને કિંગ્સવે કેમ્પ લઈ ગઈ હતી. જ્ઞાનેશ કુમાર સામે પાંચ દિવસમાં આ પાંચમા દેખાવો હોવાનું કહેવાઈ રહ્યું છે.
દેશની મતદાર યાદીમાં સુધારા માટે ચૂંટણી પંચે શરૂ કરેલા 'સર' અભિયાને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે ભારે મુશ્કેલીઓ ઊભી કરી છે. 'સર' કાર્યવાહી હેઠળ દેશના કરોડો નાગરિકોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવાની ચૂંટણી પંચની કાર્યવાહીના સામે કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષે મંગળવારે સંસદથી ચૂંટણી પંચની ઓફિસ સુધી 'સેવ ડેમોક્રસી માર્ચ' યોજી હતી.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી કરતાં વિપક્ષના નેતાઓને પોલીસે ચૂંટણી પંચની ઓફિસ પહેલા અનેક વખત રોક્યા હતા. 'જ્ઞાનેશ, ઈટ્સ ડન બ્રો'ના પોસ્ટરો અને 'વોટ ચોરી'ના સૂત્રોચ્ચાર સાથે વિપક્ષના રસ્તા પરના દેખાવોના કેન્દ્રમાં આવી ગયેલા રાહુલ ગાંધી ચૂંટણી પંચની ઓફિસથી ૩૦૦ મીટર નજીક પોલીસના બેરિકેડ પર ચઢી ગયા અને તિરંગો લહેરાવ્યો હતો.
સંસદ માર્ગ પર લોકડાઉન જેવી સ્થિતિ અને પોલીસ બેરિકેડિંગના કારણે માર્ચ અટકી જતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓએ આકાશવાણી ભવનના માર્ગે ચૂંટણી પંચની ઓફિસ જવાનો પ્રયત્ન કર્યો હતો. પરિસરમાં જતા રહ્યા અને ઝાડ નીચે ધરણાં પર બેસી ગયા હતા. દિલ્હી પોલીસે દેખાવકારોને આકાશવાણી ભવનમાંથી હટી જવાનું કહેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, અમને અહીંથી હટવામાં કોઈ વાંધો નથી, પરંતુ તમે કહો દેશમાં અમે ક્યાં ધરણાં પર બેસીએ, જેનો દિલ્હી પોલીસ પાસે કોઈ જવાબ નહોતો.
રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે વિપક્ષના સાંસદો સંસદથી ચૂંટણી પંચ સુધી માર્ચ કરીને મુખ્ય ચૂંટણી કમિશનર સાથે મુલાકાત કરવા માગતા હતા, પરંતુ તેમને રોકવામાં આવ્યા. રાહુલે સવાલ કર્યો કે કરોડો દેશવાસીઓનું પ્રતિનિધિત્વ કરી રહેલા સાંસદોને મુખ્ય ચૂંટણિ કમિશનર જ્ઞાનેશ કુમાર શા માટે મળી રહ્યા નથી. સાંસદો ચૂંટણી પંચને મળશે અને તેમણે મળીને જ રહેવું પડશે. તેમણે આજે દેશના અવાજનું અપમાન કર્યું છે. અમે તેમને મળીને માત્ર એટલું જ કહેવા માગીએ છીએ કે તમે વોટ ચોરી કરી છે.
બીજીબાજુ ચૂંટણી પંચે દાવો કર્યો કે તેમને કોંગ્રેસ અથવા અન્ય કોઈ પક્ષ તરફથી બેઠક માટે કોઈ સંદેશો મળ્યો નથી. દિલ્હી પોલીસે રાતે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત ૫૦થી વધુ સાંસદો અને દેખાવકારોની આકાશવાણી ભવનમાંથી અટકાયત કરી હતી અને તેમને કિંગ્સવે કેમ્પ લઈ ગઈ હતી.
દરમિયાન આમ આદમી પાર્ટીના દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજે દાવો કર્યો હતો કે ૧૦ ઓક્ટોબરને શનિવારે જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી તથા આપના દેખાવો પહેલાં જ્ઞાનેશ કુમાર મુખ્ય ચૂંટણી કમિશનર પદેથી રાજીનામું આપી દેશે.