'ઓપરેશન અશદર': પહલગામ હુમલાનો પાકિસ્તાની આતંકી યાસિર ઠાર, ચારેય હુમલાખોરો ખતમ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pahalgam Attack Terrorist Yasir Killed : જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષાદળોએ ‘ઓપરેશન અશદર’ હેઠળ મોટી કાર્યવાહી કરતા પહલગામ આતંકી હુમલા સાથે જોડાયેલા વધુ એક કુખ્યાત આતંકવાદીને ઠાર કર્યો છે. બડગાંવ જિલ્લાના અશદર ગલીના દુર્ગમ પહાડી વિસ્તારમાં થયેલા ઘર્ષણમાં સુરક્ષાદળોએ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી યાસિરને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ આતંકવાદી પાકિસ્તાનનો વતની હતો અને ત્યાંના પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો હતો. સુરક્ષા એજન્સીઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુનેગારો ગમે ત્યાં ભાગી શકે છે પરંતુ છૂપી શકતા નથી.
પહલગામ હુમલાના ચારેય આતંકવાદીઓનો ખાતમો
ઉલ્લેખનીય છે કે પહલગામ આતંકી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા ચાર મુખ્ય આતંકવાદીઓની સંયુક્ત તસવીર જારી કરવામાં આવી હતી. આ હુમલાને અંજામ આપનારા સુલેમાન શાહ, જુનેદ રમઝાન, હાશિમ મૂસા અને યાસિર સામેલ હતા. સુરક્ષાદળો અગાઉ અન્ય ત્રણ આતંકવાદીઓને ઠાર કરી ચૂક્યા છે. જ્યારે હવે યાસિરનો પણ ખાતમો થવાથી પહલગામ હુમલા સાથે સંકળાયેલા તમામ ચારેય આતંકવાદીઓનો સફાયો થઈ ગયો છે. અગાઉ જુલાઈ મહિનામાં ‘ઓપરેશન મહાદેવ’ દરમિયાન લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર હાશિમ મૂસાને પણ સુરક્ષાદળોએ ઠાર કર્યો હતો.
22 એપ્રિલ 2025 ના રોજ થયો હતો ભીષણ હુમલો
જમ્મુ-કાશ્મીરના પહલગામ નજીક આવેલી બૈસરાન ઘાટીમાં 22 એપ્રિલ 2025 ના રોજ આ ક્રૂર આતંકી હુમલો થયો હતો. પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ ધર્મ પૂછીને નિર્દોષ લોકો પર હુમલો કર્યો હતો. આ દુર્ઘટનામાં સત્તાવાર રીતે 26 લોકોના મોત થયા હતા. જેમાં 25 પ્રવાસીઓ અને 1 સ્થાનિક નાગરિક હતા. આ ભયાનક હુમલાના તમામ માસ્ટરમાઇન્ડ્સ અને ગુનેગારોને સુરક્ષાદળોએ અલગ-અલગ ઓપરેશનમાં ખતમ કરીને આકરો સંદેશ આપી ચુક્યા છે.




