ઓપરેશન સિંદૂર બાદ NSA ડોભાલ એક્શન મોડમાં, US-UK અને ચીન સહિત અનેક દેશો સાથે સંપર્કમાં
Operation Sindoor: ભારતે પહલગામ આતંકી હુમલાનો ઓપરેશન સિંદૂર દ્વારા જડબાતોડ જવાબ આપ્યો છે. PoKમાં મોડી રાત્રે એર સ્ટ્રાઇક કરી ભારતીય સેનાએ 9 જગ્યાએ આતંકવાદી ઠેકાણા પર હુમલો કર્યો હતો. આ ઓપરેશન બાદ દુનિયાભરથી પ્રતિક્રિયા સામે આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વરિષ્ઠ ભારતીય અધિકારીઓએ અનેક દેશોના સમકક્ષ સાથે વાત કરી છે.
ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને PoKમાં આતંકીઓના ઠેકાણા પર કરવામાં આવેલા હુમલાની જાણકારી ભારતે અનેક દેશોને આપી છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે અનેક દેશોના NSA સાથે વાત કરી છે. અજીત ડોભાલે બ્રિટનના NSA જોનાથન પૉવેલ, સાઉદી અરબના NSA મુસૈદ અલ એબન, UAE NSA એચ.એચ. શેખ તહેનૂન અને મહાસચિવ અલી અલ શમ્સી તેમજ જાપાનના NSA મસાટાકા ઓકાનો સાથે વાતચીત કરી છે. ડોભાલે રશિયાના NSA સર્ગેઈ શોઇગુ, ચીનના વિદેશ મંત્રી વાંગ યી અને ફ્રાન્સી રાષ્ટ્ર પ્રમુખના રાજકીય સલાહકારને પણ ફોન કરી આ મામલે જાણકારી આપી છે.
આ પણ વાંચોઃ ઓપરેશન સિંદૂર પહેલા ભારતે પાકિસ્તાન સામે કયા ઓપરેશન હાથ ધર્યા હતા? જુઓ સંપૂર્ણ યાદી
ફક્ત આતંકી ઠેકાણા પર કરાયો હુમલો
ભારતે જણાવ્યું કે, અમે પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા પર હુમલો કર્યો છે. પાકિસ્તાનની સેના અને સામાન્ય જનતા પર હુમલો કરવામાં નથી આવ્યો. જો પાકિસ્તાન કોઈ કાર્યવાહી કરે છે તો ભારત દ્રઢતાથી તેનો જવાબ આપવા માટે તૈયાર છે.
ભારતે લોન્ચ કર્યું ઓપરેશન સિંદૂર
ભારતીય સેનાએ રાત્રે આશરે 1:05થી 1:30 વાગ્યા સુધી ઓપરેશન સિંદૂરને લોન્ચ કર્યું હતું. જે હેઠળ લાહોરમાં આતંકવાદી હાફઝ સઈદ અને બહાવલપુરમાં આતંકવાદી મસૂદ અઝહરના અનેક ઠેકાણા તબાહ કરી દેવાયા હતાં. ભારતીય સેનાએ PoKના મુઝફ્ફરાબાદ, ધામોલ, કોટલી અને બાઘ અડ્ડા પર પણ હુમલો કર્યો હતો. ભારતીય સેનાની સ્ટ્રાઇકમાં લશ્કર અને જૈશના આશરે 30 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતાં.
ભારતની સ્ટ્રાઇક બાદ LoC (લાઇન ઑફ કંટ્રોલ) પર સ્થિતિ ગંભીર બની છે. અહીં પૂંછ, રાજૌરી, મેંઢર અને ભીંબર ગલીમાં જોરદાર ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ દરમિયાન એક પાકિસ્તાની ફાઇટર જેટ પુલવામાના પંપોરમાં ભારતીય સીમામાં ઘુસ્યું, જેને ભારતીય સૈનિકોને એન્ટી એરક્રાફ્ટ ગન્સથી તોડી પાડ્યું હતું. ભારતીય સેનાએ બોર્ડર પર એર ડિફેન્સ સિસ્ટમ S-400 પણ એક્ટિવ કરી દીધું છે.
અજીત ડોભાલે આપી જાણકારી
આ સ્ટ્રાઇક બાદ ભારતીય સેનાએ પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, ફક્ત આતંકવાદી ઠેકાણાને નિશાનો બનાવવામાં આવ્યા હતા, પાકિસ્તાની સેનાને નહીં. આ દરમિયાન NSA અજીત ડોભાલે અમેરિકન NSA સાથે ફોન પર વાત કરી અને એર સ્ટ્રાઈક વિશે જાણકારી આપી. તેમણે કહ્યું કે, ભારતે સટીક નિશાનો લગાવી ફક્ત આતંકવાદી ઠેકાણાને નષ્ટ કર્યા છે. ભારતે અમેરિકા સિવાય રશિયા, બ્રિટન, UAE અને સાઉદી અરબને પણ હુમલાની જાણકારી આપી હતી.