India

હવે મનપસંદ હોસ્પિટલમાં કરાવી શકાશે સારવાર, સરકાર હેલ્થ ઈન્સ્યોરન્સ ક્ષેત્રે લાવશે નવા નિયમો

By GS Team
12 Aug 20263 mins read
TukuTouch Logo
સરકાર હેલ્થ ઈન્સ્યોરન્સ સેક્ટરમાં મોટા સુધારા કરવા જઈ રહી છે. હવે હોસ્પિટલો સારવારનો મનસ્વી ખર્ચ નહીં લઈ શકે. IRDAI ચીફની અધ્યક્ષતામાં કમિટી રચાઈ છે, જે સારવારના દર નક્કી કરશે. એક કોમન ઈન્સ્યોરન્સ પોલિસી પણ આવશે, જે તમામ કંપનીઓ માટે ફરજિયાત હશે. 'નેશનલ હેલ્થ ક્લેમ્સ એક્સચેન્જ' દ્વારા ક્લેમ સેટલમેન્ટ ઝડપી બનશે, જેનો સીધો ફાયદો સામાન્ય જનતાને મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે મનપસંદ હોસ્પિટલમાં કરાવી શકાશે સારવાર, સરકાર હેલ્થ ઈન્સ્યોરન્સ ક્ષેત્રે લાવશે નવા નિયમો

Government Planning Major Health Insurance Reforms: હોસ્પિટલમાં ઈલાજ માટે ગયા તો હવે ઈન્સ્યોરન્સ કંપનીઓ એવું નહીં કહી શકે કે, અમે આનો રૂપિયો પણ નહીં આપીએ. સરકાર હવે હેલ્થકેર સેક્ટરમાં મોટા સુધારા કરવા જઈ રહી છે. કોમન ઈન્સ્યોરન્સ પોલિસી પણ આવી શકે છે. જેનાથી પૈસા પણ બચશે અને ખોટી હેરાનગતિ પણ નહીં થાય. હોસ્પિટલમાં દાખલ થતાં જ ઈન્સ્યોરન્સ કંપનીના બહાના શરૂ થઈ જતા હોય છે. હોસ્પિટલ વાળા કહેશે કે ઈન્સ્યોરન્સમાં આ કવર નથી થતું, પેલું કવર નથી થતું. અથવા ઈન્સ્યોરન્સ વાળા કહેશે કે, અમે રૂમ ભાડાના આટલા જ આપી શકીએ, તમે મોંઘી હોસ્પિટલમાં કેમ ગયા? પરંતુ હવે આ તમામ મુશ્કેલીઓ ખતમ થવા જઈ રહી છે. સરકાર હેલ્થ ઈન્સ્યોરન્સ સેક્ટરમાં મોટા ફેરફારો કરવા જઈ રહી છે, જેનો સીધો ફાયદો સામાન્ય જનતાને મળશે.

સારવાર ખર્ચ વધતા જનતા પરેશાન

હોસ્પિટલોમાં ઈલાજનો ખર્ચ એટલો વધી રહ્યો છે કે લોકો ત્યાં જતાં ડરી રહ્યા છે. દર વર્ષે મેડિકલ ઈન્ફ્લેશન એટલે કે સારવારની મોંઘવારી 12% થી 14% ના દરે વધી રહી છે. તાજેતરમાં આવેલો પાર્લામેન્ટરી કમિટીનો રિપોર્ટ દર્શાવે છે કે, સરકારી હોસ્પિટલમાં દાખલ થવા પર સરેરાશ ખર્ચ ₹6,600 છે, જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં આ ખર્ચ સરેરાશ ₹50,000 સુધી પહોંચી જાય છે. આ જ મનસ્વી ખર્ચને રોકવા માટે સરકાર એક્શન મોડમાં છે.

પહેલાથી નક્કી થશે સારવારનો દર

વીમા નિયામક પ્રાધિકરણ (IRDAI) ના ચીફની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવામાં આવી છે. જેમાં હોસ્પિટલો, વીમા કંપનીઓ અને CIIના દિગ્ગજો સામેલ છે. આ કમિટી આ વર્ષના અંત સુધીમાં સરકારને પોતાનો રિપોર્ટ સોંપશે. સરકાર સારવારના રેટ ફિક્સ કરવા માંગે છે. એટલે કે કઈ બીમારીના ઈલાજ માટે હોસ્પિટલ કેટલા પૈસા લેશે, તે વીમા કંપનીઓ અને હોસ્પિટલો વચ્ચે પહેલાથી જ નક્કી હશે. આનાથી હોસ્પિટલો મનસ્વી બિલ બનાવી શકશે નહીં અને બિલિંગમાં પારદર્શિતા આવશે.

સૌ માટે આવશે એક કોમન ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ

અલગ-અલગ કંપનીઓના નિયમો એટલા ગૂંચવણભર્યા હોય છે કે, લોકો પરેશાન થઈને પોલિસી બદલતા રહે છે. સરકાર હવે એક એવું કોમન હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ લાવવાની તૈયારી કરી રહી છે, જેને વેચવું દેશની તમામ વીમા કંપનીઓ માટે ફરજિયાત હશે. તેમાં હોસ્પિટલમાં દાખલ થયા પછીના ઈલાજનું લિસ્ટ હશે, જેથી ગ્રાહકને પહેલાથી જ ખબર હશે કે, કઈ બીમારી માટે કેટલા પૈસા મળશે.

બોગસ ક્લેમ પર લાગશે લગામ

ઈન્ડસ્ટ્રીના અંદાજ મુજબ દેશમાં 10% થી 15% હેલ્થ ક્લેમ બોગસ હોય છે, અથવા બિલની રકમ વધારીને રજૂ કરવામાં આવે છે. દર નક્કી થવાથી બોગસ બિલિંગ અટકશે, અને વીમા કંપનીઓ પણ ક્લેમ ફગાવવાના બહાના નહીં શોધી શકે.

ડિસ્ચાર્જ સમયે કલાકો સુધી રાહ જોવી નહીં પડે

હોસ્પિટલમાંથી રજા મળતી વખતે વીમા કંપનીના એપ્રૂવલ માટે જે 4-5 કલાકની લાંબી રાહ જોવી પડે છે, તેનો ઉકેલ લાવવા 'નેશનલ હેલ્થ ક્લેમ્સ એક્સચેન્જ' લાગુ કરવામાં આવશે. આ એક ડિજિટલ પ્લેટફોર્મ હશે, જ્યાં હોસ્પિટલ અને વીમા કંપનીઓનો તમામ ડેટા એક જ ફોર્મેટમાં ઉપલબ્ધ હશે અને ત્વરિત ક્લેમ સેટલમેન્ટ થશે.