India

હવે યુજીસી અને અનામતના વિરોધમાં સવર્ણો મેદાનમાં

By GS Team
21 Aug 20263 mins read
TukuTouch Logo
દિલ્હીના જંતર-મંતર પર યુજીસીના ઈક્વિટી નિયમો અને અનામતના વિરોધમાં હજારો સવર્ણોએ શક્તિ પ્રદર્શન કર્યું. દિલ્હી પોલીસે મોડી રાત્રે દેખાવકારોને ધરણાં સ્થળેથી હટાવ્યા હતા અને અનેકની અટકાયત કરી હતી. કેન્દ્ર સરકારે યુજીસીના ઈક્વિટી નિયમો મુદ્દે પુનઃ વિચારણા કરવાની તૈયારી દર્શાવી છે. સુપ્રીમ કોર્ટે 2012ના નિયમો લાગુ રાખવાનો આદેશ આપ્યો છે અને સરકારને 4 અઠવાડિયામાં જવાબ આપવા જણાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે યુજીસી અને અનામતના વિરોધમાં સવર્ણો મેદાનમાં

નવી દિલ્હી : દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીના દેખાવો પછી શુક્રવારે ફરી એક વખત જંતર-મંતર પર યુવાનોએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ વખતે યુજીસીના ઈક્વિટી નિયમો અને અનામતના વિરોધમાં હજારો સવર્ણો શુક્રવારે જંતર-મંતર પર ઉમટી પડયા હતા. જોકે, દિલ્હી પોલીસ અને રેપિડ એક્શન ફોર્સે અડધી રાતે સવર્ણ દેખાવકારોને ધરણાં સ્થળેથી ખદેડયા હતા. અનેક દેખાવકારોની અટકાયત કરાઈ હતી. બીજીબાજુ અનામત વિરોધી આંદોલનથી ગભરાયેલી કેન્દ્ર સરકારે પીછેહઠ કરતા યુજીસીના ઈક્વિટી નિયમો મુદ્દે પુનઃ વિચારણા કરવા તૈયારી દર્શાવી છે.

યુજીસીના ઈક્વિટી રેગ્યુલેશન્સ ૨૦૨૬ના નવા નિયમો તથા અનામત વ્યવસ્થામાં પરિવર્તનની માગણી કરતા હજારો દેખાવકારો શુક્રવારે હાથમાં બેનર, પોસ્ટર અને ભગવા ઝંડા લઈને જંતર-મંતર પર ઉમટી પડયા હતા. તેમણે કહ્યું કે, અનામત મુદ્દે તેમનો કોઈ વિરોધ નથી. તેઓ માત્ર એટલું ઈચ્છે છે કે અનામતનો લાભ એવા લોકોને મળે જેમને ખરેખર તેની જરૂર છે. તેમણે જાતિના બદલે આર્થિક આધારે અનામતની માગણી કરી છે. દેખાવોમાં અનેક લોકોએ એસસી-એસટી કાયદાનો પણ વિરોધ કર્યો હતો.
જોકે, યુજીસીના ઈક્વિટી નિયમો અને જાતિ આધારિત અનામતના વિરોધમાં એકત્ર થયેલા હજારો દેખાવકારોને દિલ્હી પોલીસ અને રેપીડ એક્શન ફોર્સે શુક્રવારે મોડી રાતે હટાવવાનું શરૂ કર્યું હતું. અનેક દેખાવકારોની પોલીસે અટકાયત કરી હતી જ્યારે અનેક લોકોને જંતર-મંતર પરથી મારીને ભગાડી દેવાયા હતા.
દરમિયાન યુજીસીના ઈક્વિટી રેગ્યુલેશન્સ ૨૦૨૬ના નવા નિર્દેશોને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સીજેઆઈના અધ્યક્ષપદે બેન્ચે સુનાવણી હાથ ધરી હતી. અરજીમાં કહેવાયું હતું કે, યુજીસીના નવા નિયમોમાં જાતિ આધારિત ભેદભાવોને માત્ર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો સુધી જ મર્યાદિત રખાયા છે જ્યારે સામાન્ય વર્ગને તેમાંથી બહાર રખાયા છે.
કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે, યુજીસીના ઈક્વિટી રેગ્યુલેશન્સ ૨૦૨૬ નિયમો અંગે કેન્દ્ર સરકાર પુનઃ વિચાર કરી રહી છે. સુપ્રીમ કોર્ટે સરકારને આ મુદ્દે ચાર સપ્તાહમાં જવાબ આપવા જણાવ્યું છે. સુપ્રીમે નિર્દેશ આપ્યા છે કે બધા જ અરજદારોએ ઉઠાવેલા મુદ્દાઓનો સમાવેશ કરતા વ્યાપક જવાબી સોગંદનામું દાખલ કરવામાં આવે. સોગંદનામાની નકલ અરજદારોને પણ આપવાની રહેશે. સરકારનું સોગંદનામું મળ્યા પછી અરજદારો બે સપ્તાહમાં તેમનો જવાબ દાખલ કરી શકે છે.
આ વર્ષે જાન્યુઆરીમાં કોલેજો અને યુનિવર્સિટીઓમાં યુજીસી ઈક્વિટી રેગ્યુલેશન્સ નિયમો લાગુ કરવામાં આવતા ભારે હોબાળો મચી ગયો હતો. આ નિયમોને સુપ્રીમ કોર્ટમાં પડકારાયા હતા અને દાવો કરાયો હતો કે, આ નિયમોમાં જાતિ આધારિત ભેદભાવની પરિભાષા મર્યાદિત હતી તથા સામાન્ય અને બીન-અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને જાતિ આધારિત ભેદભાવ અથવા સંસ્થાગત પક્ષપાતથી સુરક્ષાના દાયરાથી બહાર રખાયા હતા. નવા નિયમોનો સવર્ણો વિરુદ્ધ દુરુપયોગ થવાની સંભનાવનાઓ અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી.
સુપ્રીમ કોર્ટે આ વર્ષે જાન્યુઆરીમાં જ યુજીસીના નિયમો પર સ્ટે મૂક્યો હતો. સુપ્રીમે કહ્યું હતું કે, સૂચિત નિયમોનો ઉપયોગ સમાજમાં વિભાજન પેદા કરવા થઈ શકે છે. સાથે જ રેગિંગને આ નિયમોના દાયરામાંથી બહાર રાખવા અંગે પણ સવાલ ઉઠાવાયા હતા. સુપ્રીમે બંધારણીય અધિકારોનો ઉપયોગ કરતા એવા પણ નિર્દેશ આપ્યા હતા કે આગામી આદેશ સુધી યુજીસીના નવા નિયમોના બદલે ૨૦૧૨ના નિયમો લાગુ રહેશે.
આ અરજીઓની સુનાવણી સમયે બેન્ચમાં સામેલ ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીએ કહ્યું હતું કે, આપણે એવી સ્થિતિમાં ન પહોંચવું જોઈએ જ્યાં અમેરિકાની જેમ અલગ અલગ સ્કૂલો હોય. ભારતની એકતા શૈક્ષણિક સંસ્થામાં દેખાવી જોઈએ. સુપ્રીમે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે, એક જ જાતિની અંદર આર્થિક રૂપે સક્ષમ વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીને પરેશાન કરે તો નવા નિયમમાં કેવી રીતે કામ થશે તે સ્પષ્ટ નથી.