India

હવે અમેરિકા રશિયાને ખતરો નહીં માને પુતિનને પણ ટ્રમ્પની મૈત્રી વિદેશ નીતિ પસંદ

By GS TEAM
8 Dec 20252 mins read
હવે અમેરિકા રશિયાને ખતરો નહીં માને પુતિનને પણ ટ્રમ્પની મૈત્રી વિદેશ નીતિ પસંદ

- મુદ્દો ડ્રેગનને ફંફોડે છે : તેનો ગરમ શ્વાસ બંનેને દઝાડે છે

- રશિયાની સરકારે અમેરિકાની બદલાયેલી રણનીતિ આવકારી તે નીચે વધુ સારા સહકારની આશા સાથે ખાતરી પણ આપી

નવી દિલ્હી : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક નવી રાષ્ટ્રીય સલામતી રણનીતિ લઈને આવ્યા છે, તે પ્રમાણે હવે અમેરિકા રશિયાને ખતરો નહીં માને.

વિશ્વ રાજકારણમાં નવું પરિવર્તન આવી રહ્યું છે. ટ્રમ્પે તેની વિદેશ નીતિમાં ૧૮૦ ડીગ્રીનું પરિવર્તન કર્યું છે. આ રણનીતિમાં તેઓએ સ્વીકાર્યું છે કે, યુરોપીય સત્તાઓ હવે નબળી પડી રહી છે. આ હકીકત રશિયાને પસંદ આવે જ. સામી બાજુએ રશિયાને પણ ટ્રમ્પની નવી વિદેશ નીતિ પસંદ પડી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે તેની નવી રણનીતિને સ્થિતિ સ્થાપક તથા વ્યવહાર કહી છે, યર્થાથ વાદી કહી છે તેઓ કહે છે અમેરિકાએ ૧૮૨૧ના મનરો સિધ્ધાંત-અમેરિકા ફોર અમેરિકન્સ-ને પુનર્જિવીત કરવો જોઈએ. તેમણે નવી રણનીતિ ઉપર સિક્કો પણ મારી દીધો છે. તેમાં મુખ્ય ૩ વાત કરી છે.

૧. અમેરિકા રશિયા સાથે રણનીતિક સ્થિરતા ફરી સ્થાપિત કરવા માગે છે. પહેલાં પણ તેમ ઇચ્છતું હતું.

૨. તેમાં ચેતવણી આપવામાં આવી છે કે યુરોપને સભ્યતાગત વિનાશનો સામનો કરવો પડે છે.

૩. યુક્રેન યુદ્ધ બંધ કરાવવા માટે મંત્રણા કરવી તે અમેરિકાના હિતમાં છે.

૨૦૨૫માં અમેરિકાની આ રાષ્ટ્રીય સલામતી નીતિ ચીન સામેના ગઠબંધનને મજબુત કરવાની પેસિફિકને ખુલ્લો રાખવાની અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતને કેન્દ્રીય ભાગીદાર તરીકે સુનિશ્ચિત કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો છે. ગયા દશકમાં ભારત-અમેરિકા સંબંધોમા ંસંરક્ષણ, ટેકનોલોજી, સમુદ્રીય સુરક્ષા અને મહત્વની તથા નવી આવી રહેલી ટેકનોલોજી સુધી તે વિસ્તાર પામી છે.

રશિયન સરકારના પ્રવકતા દિમીત્રી પેસ્કોવને જયારે અમેરિકાની નવી વિદેશ નીતિ અંગે પુછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું : આપણે જે પરિવર્તન જોઈ રહ્યા છીએ તે અનેક દ્રષ્ટિએ અમારા દ્રષ્ટિકોણમાં મેળ ખાય છે. તેમાં સંઘર્ષથી વિરૂધ્ધ અને મંત્રણા દ્વારા સંબંધો બાંધવાના પક્ષમાં નિવેદનો આવી રહ્યાં છે. રશિયાને આશા છે કે, આથી યુક્રેન સમજૂતી અંગે વોશિંગ્ટનનો સાથ મળી શકશે અને બંને પક્ષોએ વધુ સારો સહકાર સ્થાપવાની તક મળશે.

આમ દ્વિતીય વિશ્વ યુદ્ધ પછીથી શરૂ થયેલા બે મહાસત્તાઓના સામસામા વિરોધાભાસી વલણમાં આવેલું એકાએક પરિવર્તન મૂળમાં બંને દેશોને ડ્રેગનના ફૂંફાડાથી થયેલો દાહ કારણભૂત છે. અમેરિકા તો સમજે જ છે કે ચીન તેનું દુશ્મન નંબર એક છે. તેઓ પેસિફિક મહાસાગર પર પ્રભુત્વ જમાવવાના કરેલા પ્રયાસો મુખ્યત: અમેરિકાને સૌથી વધુ દઝાડે છે. તો રશિયાના સંરક્ષણમાં રહેલા કોમન વેલ્થ ઓફ ઇન્ડીપેન્ડન્ટ સ્ટેટસ (સીઆઈએસ) પૈકી ભૂમિ ઉપર ચીન તસુ તસુ કરી કબજો જમાવે છે. જયારે સામુદ્રી પ્રદેશમાં તો તે રશિયાની સામે પડયું છે. કહે છે તે વિસ્તાર અમારો છે. આમ પુતિન પણ શી જિનપિંગની વિસ્તારવાદી નીતિથી દાઝી રહ્યા છે. તેથી તેઓ પણ હવે અમેરિકા તરફ વળે છે. તેમ નિરીક્ષકોનું માનવું છે.