ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકારનો નિર્ણય, નકલી જંતુનાશકો વેચનારા સામે કડક કાર્યવાહીનો આદેશ
Fake Pesticide : કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં આજે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નકલી જંતુનાશક વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે અધિકારીઓને આદેશ આપી દીધા છે. જંતુનાશક દવાઓના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થતું હોવાની ફરિયાદ મળી હતી, ત્યારબાદ સરકારે આ આદેશ આપ્યા છે.
અનેક ખેડૂતોની ફરિયાદ બાદ લેવાયો નિર્ણય
ગુરુવારે (24 જુલાઈ) દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં મંત્રી ચૌહાણે જંતુનાશક મામલે મહત્ત્વના આદેશ આપવાની સાથે કહ્યું કે, ‘વિવિધ રાજ્યોમાં પ્રવાસ કર્યા બાદ ખેડૂતો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે, નકલી જંતુનાશક દવાઓના કારણે તેમનો પાક ખરાબ થઈ જાય છે, જેના કારણે તેઓને મોટું નુકસાન થાય છે. ત્યારે ખેડૂતોના આ સમસ્યા નિવારવા નકલી જંતુનાશક દવા માર્કેટમાં આવતી અટકાવવી પડશે.’ તેમણે અધિકારીઓને કહ્યું છે કે, નકલી અને હલકી ગુણવત્તાવાળા જંતુનાશકે કોઈપણ સ્થિતમાં વેચાવા ન જોઈએ. જંતુનાશકની રજિસ્ટ્રેશન પ્રક્રિયા પારદર્શક થવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું છે કે, અધિકારીઓ રાજ્ય સરકારો સાથે મળીને આખી સિસ્તમ મજબૂત બનાવે.
‘જંતુનાશકની રજીસ્ટ્રેશન પ્રક્રિયા મજબૂત હોવી જોઈએ’
તેમણે વધુમાં કહ્યું કે, ‘જંતુનાશકની રજીસ્ટ્રેશન પ્રક્રિયા એટલી મજબૂત હોવી જોઈએ કે, કોઈ પણ વ્યક્તિએ કૃષિ વિભાગના ધક્કા ન ખાવા પડે અને કોઈપણ પ્રકારની ગડબડ ન થાય. આ પ્રક્રિયા વખતે ટ્રેકિંગ વ્યવસ્થા પણ થવી જોઈએ. જો કોઈ બેઈમાની કરે, નકલી અથવા હલકી ગુણવત્તાનું જંતુનાશક વેચે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરો. આપણે ખેડૂતોના હિતમાં વિવિધ સ્તરો પર કામ કરવું પડશે. નકલી જંતુનાશકના કારણે ખેડૂતોના પાક બરબાદ ન થવા જોઈએ.’
નકલી જંતુનાશકો ખેતી-પર્યાવરણ માટે ગંભીર ખતરો
ઉલ્લેખનીય છે કે, નકલી જંતુનાશકો ખેતી અને પર્યાવરણ માટે એક ગંભીર ખતરો છે, જેનાથી ખેડૂતો, ગ્રાહકો અને સમગ્ર ઇકોસિસ્ટમને મોટું નુકસાન થાય છે. ભારતમાં પણ આ એક મોટી સમસ્યા છે. નકલી જંતુનાશકોમાં યોગ્ય સક્રિય તત્વો હોતા નથી અથવા તો ખોટી માત્રામાં હોય છે, જેના કારણે તે જીવાતો કે રોગો પર અસરકારક હોતા નથી. પરિણામે, પાકને નુકસાન થતું અટકાવી શકાતું નથી અને ખેડૂતોને પાક નિષ્ફળ જવાથી ભારે નુકસાન થાય છે. ખેડૂતો નકલી દવાઓ પાછળ પૈસા ખર્ચે છે અને જ્યારે તે કામ નથી કરતી, ત્યારે તેમને ફરીથી અસલી દવાઓ ખરીદવી પડે છે, જેનાથી તેમનો ખર્ચ બમણો થાય છે. જો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ન જાય તો પણ, જીવાત કે રોગના નિયંત્રણના અભાવે પાકની ગુણવત્તામાં ઘટાડો થાય છે, જેનાથી બજારમાં ઓછા ભાવ મળે છે. નકલી જંતુનાશકોમાં અજાણ્યા અને હાનિકારક રસાયણો હોઈ શકે છે જે જમીનની ફળદ્રુપતાને લાંબા ગાળે નુકસાન પહોંચાડે છે અને જમીનના સૂક્ષ્મજીવોનો નાશ કરે છે.
નકલી જંતુનાશકોથી બચવા શું કરવું?
હંમેશા અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ દવા ખરીદો. ખરીદી વખતે પાકું બિલ લેવાનો આગ્રહ રાખો. દવાની બોટલ કે પેકેટ પરના લેબલ, લોગો, બેચ નંબર અને એક્સપાયરી ડેટ (અસર સમાપ્તિની તારીખ) કાળજીપૂર્વક તપાસો. શંકાસ્પદ દવાઓની જાણ સંબંધિત કૃષિ વિભાગ અથવા પોલીસને કરો.
આ પણ વાંચો : ભારતમાં ધનિકો મોંઘી કારના બુકિંગ ધડાધડ કરી રહ્યા છે કેન્સલ, જાણો શું છે કારણ